નવી દિલ્હીઃ ભાજપે ૧૯૯૧થી ૨૦૧૭ સુધીમાં રામમંદિર લહેરથી મોદી લહેર સુધીની સફર કાપી છે. ૧૯૯૧માં રામમંદિરની લહેરને કારણે ઉત્તર પ્રદેશમાં પહેલી વાર ભાજપનો કેસરિયો લહેરાયો હતો. તે વખતે ભાજપને સૌથી વધુ ૨૨૧ સીટો મળી હતી અને ૩૧.૭૬ ટકા મત મળ્યા હતા. આ વખતે ૨૦૧૭માં મોદીની સુનામીએ મેજિક સર્જ્યો છે. જેને કારણે ભાજપ અને સાથી પક્ષોએ ૩૨૫ સીટો પર જીત હાંસલ કરી છે. મોદી લહેરે પહેલીવાર સૌથી વધુ સીટો આંચકી છે અને ૪૨ ટકાથી વધુ મતો મળ્યા છે.
મોદીની વનમેન આર્મીએ અન્ય પક્ષોની સર્જિકલ સ્ટ્રાઈક કરી નાખી છે. મોદીએ છેલ્લા ત્રણ તબક્કામાં ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર કર્યો હતો અને વારાણસીમાં મુસ્લિમોના દિલ જીતી લીધાં હતાં. મુસ્લિમ નેતાઓએ આપેલી શાલ તેમણે માથે ચડાવી હતી. મોદી મેજીક આવી પ્રચંડ બહુમતી મેળવી આપશે એવી રાજકીય પંડિતોએ પણ કલ્પના કરી નહોતી.
છેલ્લા દોઢ મહિનાથી જેની આતુરતાપૂર્વક રાહ જોવાતી હતી તે દેશમાં પાંચ રાજ્યોની ચૂંટણીના પરિણામો શનિવારે જાહેર થયાં હતાં. જેમ જેમ પરિણામો જાહેર થતાં ગયાં તેમ તેમ દેશના રાજકારણ માટે મહત્ત્વના ગણાતાં રાજ્યો ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં ભાજપે જંગી બહુમતી હાંસલ કરી હતી. આ બંને રાજ્યોમાં તે સરકાર રચાશે. પંજાબમાં ભાજપ અને અકાલીદળ ગઠબંધનના સૂપડાં સાફ થયાં છે. અહીં એન્ટી-ઈન્કમબન્સી ફેક્ટર કામ કરી ગયું હતું. પંજાબના લોકોએ ફરી એકવાર કોંગ્રેસને સત્તાનું સુકાન સોંપવાનું નક્કી કર્યું હતું. ગોવા અને મણિપુરમાં ભાજપની સરકાર નિશ્ચિત મનાય છે.
લોકોએ કલ્પના પણ કરી નહીં હોય તે રીતે ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં મોદી લહેરની સુનામી ફરી વળી હતી. એવું મનાતું હતું કે ઉત્તર પ્રદેશમાં રામમંદિરનો મુદ્દો ફરી ઉઠાવવામાં આવશે, પણ રાજ્યમાં મોદીલહેરે કેસરિયા ક્રાંતિ સર્જી છે.
ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં ભાજપને જંગી બહુમતી મળવાની સાથે જ દેશના રાજકારણમાં પરિવર્તનની નવી આંધી ફૂંકાઈ છે. તમામ રાજ્યોના રાજકીય સમીકરણો આને કારણે ભવિષ્યમાં બદલાઈ શકે છે.
અમિત શાહ ફરી રાજકારણના ચાણક્ય સાબિત થયા
અમિત શાહ ફરી એક વાર રાજકારણના ચાણક્ય પુરવાર થયા છે. ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં એક-એક બેઠક જીતવા માટેના તેમના તમામ પાસા પોબાર પડ્યા હતા. તેમની અથાક મહેનતને કારણે ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં ભાજપને પ્રચંડ બહુમતી મળી હતી. અમિત શાહના રાજકીય પ્યાદાએ અશક્ય જીતને શક્ય બનાવી હતી. દેશના જે રાજ્યોમાં અત્યાર સુધી ભાજપનું નામોનિશાન ન હતું તેવા રાજ્યોમાં અમિત શાહે પાર્ટીને જીત અપાવી હતી. જેમાં પૂર્વોત્તરના ત્રણ રાજ્યોનો સમાવેશ થાય છે. શાહે તેમની ચતુરાઈ અને બુદ્ધિથી મોદીના વિચારોને ગ્રાઉન્ડ લેવલ પર મૂર્ત સ્વરૂપ આપીને મોદીનાં સપનાં સાકાર કર્યાં છે. મોદી અને અમિત શાહની મહેનત અને પરિશ્રમને કારણે જ યુપી અને ઉત્તરાખંડમાં ભાજપ સારો દેખાવ કરી શક્યો છે. હવે પક્ષમાં તેમજ દેશમાં તેઓ જ ડિસિઝન મેકર બન્યા છે. પાર્ટીમાં બળવાખોરોની બોલતી આને કારણે બંધ થઈ ગઈ છે.
ઉલ્લેખનીય છે કે ભાજપે ઉત્તર પ્રદેશમાં આ વખતે એક પણ મુસ્લિમ ઉમેદવારોને ટિકીટ આપી નહોતી. આમ છતાં મુસ્લિમ બહુમતી ધરાવતી ૧૧૫માંથી ૮૩ સીટો પર ભાજપનો વિજય થયો હતો. આમ ભાજપનો આ વિજય ચોંકાવનારો છે. અહીં સપા-કોંગ્રેસના ગઠબંધન અને બસપાને બદલે મુસ્લિમ મતદારોએ ભાજપને મત આપ્યા છે. પરિણામે પછી સપા-કોંગ્રેસ યુતિ અને બસપાએ જોરદાર આંચકો અનુભવવો પડ્યો છે.

