નવી દિલ્હીઃ ઉત્તર પ્રદેશમાં કારમા પરાજનો સામનો કરનાર બહુજન સમાજ પાર્ટી (બસપા)ના નેતા માયાવતીએ પ્રતિક્રિયા આપતાં આક્ષેપ કર્યા હતા કે ‘ઇવીએમ’ (ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન)માં છેડછાડ થઇ છે. માયાવતીએ કહ્યું હતું કે તેમણે ચૂંટણી પંચને મત ગણતરી અટકાવીને ઉત્તર પ્રદેશના પરિણામો જાહેર ના કરવા પત્ર લખ્યો હતો. તેઓ રાજ્યમાં ફરી મતદાન કરાવવા પણ પત્ર લખશે. તેમણે કહ્યું કે ઉત્તર પ્રદેશના પરિણામો કોઇના પણ ગળે ઊતરે તેવા નથી.
રાજ્યમાં ભાજપને પ્રચંડ બહુમતી મળી રહી હોવાના અહેવાલો સામે આવતાં માયાવતીએ કહ્યું હતું કે, ‘ઇવીએમ મશીને ભાજપને બાદ કરતાં બીજા કોઇ પક્ષને મળેલા મત સ્વીકાર્યા નથી કે પછી અન્ય પક્ષોને મળેલા મત ભાજપના ખાતામાં જતા રહ્યા હોવાનું જણાય છે.’
બસપાના વડાએ ફેરમતદાન કરવામાં આવે તો તેમના આક્ષેપો સાચા હોવાનું પુરવાર થશે તેવો પડકાર ફેંક્યો હતો. તેમણે પડકાર ફેંક્યો હતો કે ઇવીએમ મશીનના બદલે મતપત્રક સાથે ફેરમતદાન કરાવવું જોઇએ. ઉત્તરાખંડમાં પણ માયાવતીએ ઇવીએમ મશીનમાં છેડછાડ થયા હોવાના આક્ષેપ કર્યા હતા.
મુસ્લિમ વિસ્તારમાં પણ ભાજપ
માયાવતીએ પોતાના તર્ક મૂકતાં કહ્યું હતું કે મુસ્લિમ બહુમતી ધરાવતા વિસ્તારોમાં મોટા ભાગના મત ભાજપને ફાળે ગયા છે. તે ઘટના જ પુરાવો છે કે ઇવીએમમાં છેડછાડ થઇ હતી. ઇવીએમ વિશ્વસનીય ના હોવાનું અમેરિકામાં પણ બહાર આવ્યું છે. ભાજપ આવી હરકત પંજાબમાં કરવાની હિંમત ના કરી શક્યો.
ઉલ્લેખનીય છે કે ૨૦૧૨માં સમાજવાદી પાર્ટી પાસેથી સત્તા જતી રહ્યા પછી બહુજન સમાજ પાર્ટીને રાજ્યમાં સતત ત્રીજી વાર પરાજય મળ્યો છે. વર્ષ ૨૦૧૪માં લોકસભા ચૂંટણીની મોદી આંધીમાં તો માયાવતીના પક્ષ બસપાને એક પણ બેઠક મળી નહોતી. ફરી એક વાર મોદી આંધીએ બસપાનો રકાસ કર્યો છે.

