પ્રીતિબહેન મોજમાં, થેરેસા મે સરકાર ભીંસમાં

Wednesday 15th November 2017 05:32 EST
 
 

લંડનઃ તીવ્ર મહેચ્છા - મહત્ત્વાકાંક્ષાઓની કિંમત પણ ભારે ચુકવવી પડતી હોય છે. ગત સપ્તાહે પૂર્વ ઈન્ટરનેશનલ ડેવલપમેન્ટ સેક્રેટરી પ્રીતિ પટેલની ઈઝરાયેલી રાજકારણીઓ સાથેની બિનસત્તાવાર અને ગુપ્ત બેઠકો વિશેની વિગતો જાહેરમાં આવી જતાં પ્રીતિ પટેલના રાજીનામા સાથે બ્રિટિશ કેબિનેટને ભારે ખળભળાટનો સામનો કરવો પડ્યો છે. ગત સપ્તાહ સનસનાટીપૂર્ણ બની રહ્યું કારણ કે મીડિયા ફર્સ્ટ હેન્ડ માહિતી મેળવવા દોડાદોડી કરતું રહ્યું અને મિનિસ્ટર્સ પોતાને બચાવવા સંતાતા રહ્યા, જ્યારે પ્રજાના અસંતોષનો સામનો કરી રહેલાં વડા પ્રધાન દેખીતી રીતે જ આ સમસ્યા કેવી રીતે હાથ ધરવી તેનો સંઘર્ષ કરી રહ્યાં હતાં. આ સમગ્ર પ્રકરણની વચ્ચે પણ પ્રીતિ પટેલનો શાંત અને હળવાશપૂર્ણ મિજાજ કંઇક આશ્ચર્યજનક છતાં પ્રશંસનીય લાગ્યો હતો.
પ્રીતિ પટેલનું સ્થાન અશક્ત લોકો માટેના મિનિસ્ટર પેની મોરડોન્ટે લીધું છે. થેરેસા મેએ કેબિનેટમાં સામેલ થવાં તેમને કોલ કર્યો હતો. પક્ષમાં ઉભરતા સિતારા ૪૪ વર્ષીય પેની ગત વર્ષના રેફરન્ડમ અભિયાનમાં અગ્ર બ્રેક્ઝિટિયર હતાં અને ટોરી નેતૃત્વની સ્પર્ધામાં આન્દ્રેઆ લીડસોમને તેમણે ખુલ્લો ટેકો આપ્યો હતો. પોતાની નિયુક્તિ અંગે તેમણે કહ્યું હતું કે, ‘નવા સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર ઈન્ટરનેશનલ ડેવલપમેન્ટ તરીકે વડા પ્રધાન દ્વારા નિયુક્તિથી મને આનંદ થયો છે. આપણા બધા માટે સલામત, વધુ સુરક્ષિત, વધુ સમૃદ્ધ વિશ્વના નિર્માણને આગળ ધપાવવા ટીમ સાથે કામ કરવા અને આપણે જે કરીએ તેમાં બ્રિટિશ પ્રજાને ગૌરવ થાય તેમ કરવા હું ઉત્સુક છું.’

પ્રીતિ પટેલની ખાનગી બેઠકોનું ચાલકબળ લોર્ડ સ્ટુઅર્ટ પોલાક

પટેલનો ઈઝરાયેલ પ્રવાસ કન્ઝર્વેટિવ ફ્રેન્ડ્સ ઓફ ઈઝરાયેલ (CFI)ના પ્રેસિડેન્ટ લોર્ડ સ્ટુઅર્ટ પોલાક દ્વારા યોજાયો હોવાનું કહેવાય છે. તેણે પટેલની ઈઝરાયેલમાં ઉનાળુ રજાઓ ગાળવા દરમિયાન ડઝન બેઠકોનું આયોજન કર્યું હતું અને એક સિવાય તમામમાં તેમની હાજરી હોવાનું જણાયું છે.
સપ્ટેમ્બરમાં ઈઝરાયેલી મિનિસ્ટર ગિલાડ એર્ડાન અને સરકારી અધિકારી યુવાલ રોટેમ સાથે પટેલની મીટિંગ્સમાં પણ તેઅો હાજર હતા. લોર્ડ પોલાકે ઈઝરાયેલ રાષ્ટ્ર વતી ૨૮ વર્ષ લોબીઈંગ કર્યું છે. તેમના એક સાથીના કહેવા મુજબ, ‘તેમણે CFIને સમગ્ર જીવન આપ્યું છે. કન્ઝર્વેટિવ્ઝ સત્તા અને સત્તા બહાર હતા ત્યારે પણ ઈઝરાયેલના ઘણા મિત્રો હતા. તેમણે ટોરી સાંસદોની પેઢીઓમાં સંપર્કો સ્થાપિત કર્યા છે.’ પટેલની બેઠકોમાં તેમની ભૂમિકાને અસ્વાભાવિક ખોટા નિર્ણય તરીકે લેખાઈ છે. લોર્ડ પોલાકને હેડલાઈનમાં રહેવાનો કોઈ શોખ નથી. સરકાર સાથે નજીકથી કામ કરવા મળે તે માટે તેમને ઉમરાવપદ મળવાથી ભારે પ્રસન્નતા થઈ હતી પરંતુ, આ સ્ટોરીનો હિસ્સો બનવાનો તેમનો કોઈ ઈરાદો ન હતો, તેમ તેમના પૂર્વ સાથીએ જણાવ્યું હતું.
પ્રીતિ પટેલની બેઠકો ડિપાર્ટમેન્ટ ઓફ ઈન્ટરનેશનલ ડેવલપમેન્ટ (Dfid) અને દક્ષિણ સીરિયામાં માનવતાવાદી કાર્ય કરી રહેલા ઈઝરાયેલી ડિફેન્સ ફોર્સીસ વચ્ચે સહકાર વધારવાના પ્રયાસો માટે હતી. ફોરેન ઓફિસને સાંકળવી ન પડે તે માટે રજાઓ દરમિયાન ઈઝરાયેલી વડા પ્રધાન બેન્જામિન નેતાન્યાહુ સહિત નેતાઓ સાથે બેઠકો યોજાઈ હતી. જોકે, ફોરેન ઓફિસને જાણ થઈ જતા અને સમગ્ર સ્ટોરી મીડિયામાં જાહેર થતાં આખી રણનીતિ પાણીમાં ગઈ હતી.
કન્ઝર્વેટિવ ફ્રેન્ડ્સ ઓફ ઈઝરાયેલ (CFI) દ્વારા ટોરી પાર્લામેન્ટરી પાર્ટીમાં યહુદી રાષ્ટ્ર વતી લોબીઈંગ કરાય છે. ગત વર્ષે CFIએ ઈઝરાયેલ, વેસ્ટ બેન્ક અને ગાઝાની સરહદે સત્યશોધક મિશન માટે ૨૧ ટોરી સાંસદોના પ્રવાસનો ખર્ચ ચુકવ્યો હતો. મિસ પટેલ ખુદ CFIના પૂર્વ વાઈસ ચેરવુમન છે. આ જ વર્ષમાં આરબતરફી જૂથ કન્ઝર્વેટિવ મિડલ ઈસ્ટ કાઉન્સિલે સાત સાંસદોને આ વિસ્તારમાં પ્રવાસ કરવાનો ખર્ચ ઉઠાવ્યો હતો. ગત વર્ષે સર એલન ડન્કન સરકારમાં પાછા ફર્યા ત્યાં સુધી આ કાઉન્સિલના ચેરમેન હતા.

સર એલન ડન્કન કેટલા પ્રમાણમાં દોષી?

ઘણા પટેલ સમર્થકોએ સેક્રેટરી દ્વારા ઈઝરાયેલમાં યોજાએલી બેઠકોની વિગતે માહિતી આપવામાં ફોરેન ઓફિસ મિનિસ્ટર સર એલન ડન્કન ખાસ રસ ધરાવતા હોવાનો અંગૂલિનિર્દેશ કરી રહ્યા છે. પટેલને પદત્યાગ તરફ દોરી જતા વિવાદને હવા આપવાનું દોષારોપણ સર ડન્કન પર કરાય છે. પટેલના દષ્ટિકોણથી વિપરીત, સર ડન્કન કબજા હેઠળના વિસ્તારો પરત્વે ઈઝરાયેલની નીતિઓના ટીકાકાર છે તે કોઈ ગુપ્ત વાત નથી. સૂત્રોના દાવા અનુસાર ફોરેન ઓફિસને આ બાબતની જાણ હતી અને ‘હિસાબ સરભર કરવા’ ઈઝરાયેલી વડા પ્રધાન નેતાન્યાહુ સાથે મેની મુલાકાત થઈ ત્યારે જ આ માહિતી લીક કરવા નિર્ણય લેવાયો હતો. પટેલ ડિપાર્ટમેન્ટ ઓફ ઈન્ટરનેશનલ એઈડના વડા હતા ત્યારે બ્રેક્ઝિટ પછી અન્ય દેશો પર દબાણ માટે સહાયનો ઉપયોગ કરવાના તેમના અભિયાનથી ફોરેન ઓફિસને પેટમાં દુખ્યું જ હતું.
એક પટેલ સમર્થકના કહેવા અનુસાર, ‘એલનનો દોષ છે જ અને બોરિસ (જ્હોન્સન)નો પણ કારણકે આ તેમનું મંત્રાલય છે અને તેને અટકાવવા તેમણે કશું જ ન કર્યું.’ અન્ય વરિષ્ઠ ટોરીએ કહ્યું કે, ‘આપણે એમ કહી શકીએ કે જો પ્રીતિ દક્ષિણ ફ્રાન્સમાં પ્રેસિડેન્ટ મેક્રોનને મળ્યાં હોત તો ફોરેન ઓફિસને આટલી નારાજગી ન હોત’ સૂત્રો માને છે કે સર એલને આ સ્ટોરીને હવા આપી અને બીબીસીને પટેલના પ્રવાસ અંગે માહિતી આપવા માટે તે જવાબદાર હોઈ શકે.’ અન્ય સૂત્ર અનુસાર, ‘પ્રીતિના સાથીઓ તો એલન જ જવાબદાર હોવાનું માને છે. ફોરેન ઓફિસના ગણ્યાં ગાંઠ્યા લોકોને જ મૂળ માહિતી હતી. આ લીક તરફથી નથી આવી તે બાબતે અમે ચોક્કસ છીએ. સર એલન ડન્ક્ન જેવી વ્યક્તિ પાસે જ આમ કરવાનું કારણ અને હેતુ હતા.’
ફોરેન ઓફિસમાં રાજકીય વડાઓ અને સીનિયર અધિકારીઓ વચ્ચે સદીઓ પુરાણી પ્રતિસ્પર્ધા હોવાનું દરેક જાણે છે. કેબિનેટ અને સરકારમાં પણ અદેખાઈ, સ્પર્ધા અને એકબીજાથી ઊંચા દેખાવાની વૃત્તિ હોવાનું આપણે સ્વીકારવું જ રહ્યું.
બીજી તરફ, ડન્કનના સમર્થકોએ આક્ષેપોને નકારી કાઢી કહ્યું છે કે ‘આમાં તેને કોઈ લેવાદેવા નથી. આ સમગ્ર પ્રકરણ તેમણે (પ્રીતિએ) જ ઉભું કર્યું છે અને ટ્વીટર પર તેમની બેઠકોની કેટલીક તસવીરો હોવાથી કોઈને કશું લીક કરવાનું રહેતું નથી.’

રાજીનામા પછી પણ લોકસમૂહમાં ચાહના યથાવત

પ્રીતિ પટેલ બ્રિટિશ કેબિનેટમાં ભારતીય મૂળના પ્રથમ સભ્ય હતાં. લોકશાહી રીતે ચૂંટાયેલા પ્રીતિ પટેલને પોતાની ભારતીય પશ્ચાદભૂનું ભારે ગૌરવ રહ્યું છે અને તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે ગાઢ સંપર્ક પણ સ્થાપિત કરેલો છે. પ્રીતિ પટેલના સમર્થનમાં અનેક સંસ્થાઓ આગળ આવી છે. ગત સપ્તાહે આફ્રિકાના પ્રવાસ અધૂરો મૂકી વડા પ્રધાન મે સાથે તત્કાલ વાર્તાલાપ કરવાના આદેશ અનુસાર કેન્યાથી લંડન સુધી ૪,૨૪૦ માઈલની આઠ કલાકની મુસાફરી તેમણે આદરી ત્યારે ૨૩૦,૦૦૦ લોકોએ તેના સાક્ષી બની રહેવા લાઈવ ફ્લાઈટ ટ્રેકર એપનો ઉપયોગ કર્યો હોવાનું કહેવાય છે. નિષ્ણાતો માને છે કે દેશમાં આવતી અને બહાર જતી તમામ ફ્લાટ્સનું સૌથી વધુ મોનિટરિંગ કરાયું હોય તો પ્રીતિ પટેલની આ ફ્લાઈટ હતી. લોકસમર્થનથી પ્રોત્સાહિત પટેલે જણાવ્યું હતું કે, ‘રાજકીય ક્ષેત્રના તમામ સાથીઓના ટેકાથી હું ભાવવિભોર છું. ખરેખર, મતદારોએ આપેલા ટેકાથી વિશેષ મારાં માટે કશું નથી.’
આસપાસની ઘટનાઓની જાણે કોઈ અસર જ ન હોય તેમ પ્રીતિ તેમના એસેક્સ મતક્ષેત્રમાં વિથામ વોર મેમોરિયલ ખાતે વાર્ષિક આર્મિસ્ટિસ ડે ઓફ રીમેમ્બરન્સ દરમિયાન તદ્દન હળવાં અને હસતાં ચહેરે જણાયાં હતાં. સરકારના નિર્ણયની કોઈ અસર જ ન હોય અને ખરેખર તો તેના માટે તૈયાર હોય તેમ જણાતું હતું. પટેલની સ્વાભાવિક લાક્ષણિકતામાં જ ગુજરાતી બોલતાં ૪૫ વર્ષીય સાંસદને મીડિયા સાથે હસતા મુખે વાત કરતાં કેમેરામાં કંડારી લેવાયાં હતાં. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે હવે તેઓ મતક્ષેત્ર પર ધ્યાન કેન્દ્રિત કરશે. તેમણે કહ્યું હતું કે, ‘સોમવારે હું પાર્લામેન્ટ સમક્ષ જવા આતુર છું, જ્યાં વિથામ અને બ્રિટન માટે મજબૂત અવાજ બની રહીશ.’

લાભ કોને અને ગેરલાભ કોને?

ટોરી પાર્ટી માટે મૂલ્યવાન સંપતિ, વંશીય લઘુમતી મતદારોના સમર્થક અને પ્રમોટર અને કેટલાક કહે છે તેમ વર્કિંગ ક્લાસ થેચરાઈટ પ્રીતિ પટેલ નિઃશંકપણે બ્રિટિશ સરકાર માટે વિશેષ મહત્ત્વ ધરાવતાં હતાં. સુતરના તાંતણે લટકી રહેલી થેરેસા સરકાર માટે તેમનું રાજીનામું આંચકા સમાન બની રહેશે. એ સાચું છે કે મિનિસ્ટરિયલ શિષ્ટાચારનું પાલન કરવામાં તેઓ નિષ્ફળ રહ્યાં હતાં. તેને ધ્યાનમાં લો છતાં તેમણે રાજીનામું આપવું પડે તે જરુરી ન હતું. મે માટે આ રીતે એક સાથીને ગુમાવવાં યોગ્ય તો નથી જ. પટેલનો એકમાત્ર ગુનો એ હતો કે તેમણે ફોરેન ઓફિસ અથવા નંબર ૧૦ને પૂર્ણ વિશ્વાસમાં લીધાં વિના બેઠકો યોજી હતી.
ધ ડેઈલી ટેલિગ્રાફ અનુસાર, કેબિનેટ મિનિસ્ટર તરીકે વિદેશી સરકારો સાથે પોતાના મંત્રાલય સંબંધિત બેઠકો યોજવાનો તેમને અધિકાર હતો. તેમણે પોતાની ભૂલ માટે માફી પણ માગી લીધી પરંતુ, આ માટે તેમણે આટલી મોટી કિંમત ચુકવવાની જરુર ન હતી. પ્રીતિ પટેલનું રાજીનામું વહીવટીતંત્રમાં ઓથોરિટીના અભાવનું પ્રતિબિંબ છે. વડા પ્રધાન ઈચ્છતાં હોત તો સમગ્ર પ્રકરણને અલગ રીતે હલ કરી શક્યાં હોત.


comments powered by Disqus