પૂ. મોરારી બાપુનો લંડનવાસીઓને આશા અને એકતાનો સંદેશ

Wednesday 16th August 2017 06:49 EDT
 
 

લંડનઃ વિશ્વ પ્રસિદ્દધ હિંદુ આધ્યાત્મિક વડા પૂ. મોરારીબાપુની નવ દિવસની રામકથા લંડનમાં ચાલી રહી છે. દરરોજ મોટી સંખ્યામાં શ્રોતાઓ કથાનું રસપાન કરી રહ્યા છે. શનિવાર તા.૧૨ ઓગસ્ટથી શરૂ થયેલી કથા આગામી રવિવાર તા. ૨૦ ઓગસ્ટ સુધી ચાલશે અને તે દરમિયાન લગભગ ૬૦,૦૦૦ જેટલા બ્રિટિશ અને આંતરરાષ્ટ્રીય શ્રોતાઓ રામકથાનો લાભ લેશે તેવો અંદાજ છે. સત્ય, પ્રેમ અને કરુણાનો તેમનો મંત્ર ૧૦૦ મિલિયન કરતા વધુ લોકોના વૈશ્વિક શ્રોતાગણને સાંકળી લે તે માટે કથાનું જીવંત પ્રસારણ કરવામાં આવી રહ્યું છે.
અગાઉ કરતા હાલના સમયમાં બ્રિટન વધુ વિભાજીત છે ત્યારે પૂ. મોરારી બાપુના એકતા અને એકબીજા પ્રત્યે આદરનો સંદેશો સમયસરનો અને પ્રસ્તુત લાગે છે. તેઓ વડીલ અને યુવા શ્રોતાગણ બન્નેને પેઢીઓની વિચારધારાના મતભેદથી દૂર રહેવા અને પરંપરાગત વલણ છોડી દેવા અપીલ કરે છે. કથાના દરરોજ ઈંગ્લિશમાં થતા ભાષાંતરને લીધે વધુ લોકો કથાનો લાભ લઈ શકે છે. રામકથામાં ૪૦૦ વોલન્ટિયરની ટીમ વિવિધ પ્રકારે શ્રોતાગણની સેવા કરે છે. કથાએ દેશભરની હિંદુ કોમ્યુનિટીના વિવિધ વયજૂથના સભ્યોને એકબીજા સાથે મળીને કામ કરવા માટે પ્રેરણા પૂરી પાડી છે.
પૂ.બાપુની કથાનો મૂળ આધાર પ્રાચીન હિંદુ ગ્રંથ 'રામાયણ' છે. તેમાંથી તેઓ ઉદાહરણો લઈને તેને આધુનિક જીવનના સંદર્ભમાં રજૂ કરે છે અને અનુયાયીઓને દિલ અને દિમાગ ખૂલ્લા રાખવા પ્રોત્સાહિત કરે છે. રામાયણની કથા કરતા કરતા તેઓ ખ્રિસ્તી ધર્મ ગ્રંથના ઉપદેશો, ઈસ્લામ શાયરોના શેર, ગઝલો, બુદ્ધના ઉપદેશો, સોક્રેટિસ, પ્લુટો સહિત અન્ય મહાન ફિલોસોફરોના નિવેદનો પણ તેમની શૈલીમાં રજૂ કરે છે.
લંડનમાં આ કથાના આયોજન પાછળનો પૂ. મોરારીબાપુનો હેતુ લોકોની વંશીયતા, ઉંમર, ધર્મ અથવા સામાજિક વર્ગ ગમે તે હોય પણ તે તમામને એકબીજા સાથે સાંકળીને અસત્ય, તિરસ્કાર અને અસમાનતાની કાળી બાજુ પર પ્રકાશ પાડવાનો તેમજ સૌને સંગઠિત કરે તેવું સમાન ફલક ઉભું કરવાનો છે.
કથા દરમિયાન પૂ. મોરારી બાપુએ ગુજરાતમાં આવેલા ભયાનક પૂરને લીધે અસર પામેલા લોકોને મદદરૂપ થવા માટે એક રાહત ભંડોળ પણ ઉભું કર્યું છે. પૂરમાં ઘણાં લોકોએ તેમના જીવ ગુમાવ્યા છે અને મૃત્યુ આંક હજુ વધી રહ્યો છે. ઓનલાઈન ડોનેશન www.justgiving.com/ramkathafloodappeal પર કરી શકાય છે. માત્ર બે દિવસમાં ૧૦૦,૦૦૦ પાઉન્ડ કરતા વધુ રકમ એકત્ર કરવામાં આવી છે અને તેમાં વધારો થઈ રહ્યો છે.
મંગળવારને ૧૫ ઓગસ્ટે ભારતના ૭૦મા સ્વાતંત્ર્યદિવસની ઉજવણીમાં ભારતીય હાઈ કમિશનર વાય કે. સિંહા જોડાયા હતા. તેમણે ભારતના ૭૦મા આઝાદ દિનની ઉજવણીની વિગતો આપી હતી. ૨૦ વર્ષ અગાઉ ભારતના ૫૦મા આઝાદ દિને પૂ. બાપુએ હિમાલયમાં કૈલાસ પર્વતની તળેટીમાં માનસરોવરના કિનારે ધ્વજવંદન કરાવ્યું હતું. તેમને ચીની ધ્વજની સાથે તીનની ધરતી પર ભારતીય તિરંગો ફરકાવવાની પરવાનગી મળી હતી. તેમણે લંડનમાં કરાવેલું ધ્વજવંદન ખાસ મહત્ત્વનું છે કારણ કે આ વર્ષને બ્રિટિશ સરકાર દ્વારા ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે સાંસ્કૃતિક આદાન-પ્રદાનના વર્ષ તરીકે જાહેર કરવામાં આવ્યું છે. આ પ્રસંગે અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. તેમાં ઈઝરાયલના એમ્બેસેડરે હિંદુ અને જ્યૂઈશ કોમ્યુનિટી વચ્ચેની સમાનતાઓ વિશે વાત કરી હતી.
વિશ્વવિખ્યાત તબલાવાદક ઉસ્તાદ ઝાકીર હુસેન અને સિતાર વાદક નીલાદ્રી કુમારે કૌશિક ચક્રવર્તી સહિતના કલાકારો સાથે કાર્યક્રમ રજૂ કર્યો હતો.
રામ કથાના મુખ્ય આયોજકના પૌત્ર અને કથામાં હાજર રહેતા રુદ્રે કથામાં તેને આવતા આનંદની વાત કરી હતી. રુદ્રે જણાવ્યું હતું,' મારું હૃદય આજે નાચે છે. બાપી અહીં છે તેનાથી હું ખૂબ રોમાંચિત છું. લંડનમાં હું સમજી શકું તેવી આ મારી પ્રથમ કથા છે. અગાઉની કથા વખતે તો હું માત્ર એક વર્ષનો જ હતો. મેં થોડીક કથાઓ સાંભળી છે. બાપૂ જે કહે તે બધું હું સમજી શકતો નથી ત્યારે મને લાગે છે કે હું આ જાદૂઈ દુનિયામાં પહોંચી ગયો છું, જ્યાં હું શાંતિથી બાપૂનો અવાજ, સંગીત અને રામાયણ સાંભળી શકું છું.
રુદ્રે વધુમાં જણાવ્યું,' રામાયણમાં મને હનુમાનજી ખૂબ ગમે છે અને બાપુ પણ ગમે છે. ગયા સપ્ટેમ્બરમાં મારા પપ્પા અને મમ્મીએ પહેલી વખત લંડન કથા વિશે કહ્યું ત્યારે મને ઈચ્છા હતી કે લંડનમાં તે સમયે જ કથા યોજાવી જોઈએ. મારે ખૂબ લાંબો સમય રાહ જોવી પડી હોય તેવું મને લાગ્યું. બાપુએ લંડનમાં અગાઉ કથા કરી હતી તેને સાત વર્ષ થઈ ગયા. તેથી આપ સૌને પણ કેટલી રાહ જોવી પડી હશે તેની કલ્પના પણ હું કરી શકતો નથી. રામકથા માટે સત્ય, પ્રેમ અને કરુણાથી એક પરિવાર તરીકે જોડાવા હું ખૂબ આનંદિત છું


comments powered by Disqus