પ્રથમ રાષ્ટ્રજોગ સંબોધનમાં નોટબંધી, GSTને બિરદાવતા કોવિંદ

Wednesday 16th August 2017 06:24 EDT
 
 

નવી દિલ્હીઃ દેશના ૭૧મા સ્વાધીનતા દિનની પૂર્વસંધ્યાએ દાયકાઓ જૂની પરંપરા નિભાવતાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે રાષ્ટ્રજોગ સંબોધન કર્યું હતું. સ્વતંત્રતા દિન પૂર્વે પ્રથમ વક્તવ્ય આપતાં તેમણે સરકારની GST (ગુડ્સ એન્ડ સર્વીસ ટેક્સ), સ્વચ્છતા અભિયાન અને નોટબંધી સહિતનાં પગલાંઓની પ્રશંસા કરી હતી. સરકાર અને નાગરિકોના સહયોગથી વર્ષ ૨૦૨૨ સુધીમાં ન્યૂ ઇન્ડિયાનું સપનું સાકાર કરવા રાષ્ટ્રપતિએ હાકલ પણ કરી હતી. રાષ્ટ્રપતિ તરીકેનો કાર્યભાર સંભાળ્યાના ત્રણ સપ્તાહમાં રાષ્ટ્રપતિ કોવિંદ છ ખરડાઓને મંજૂરી આપી ચૂક્યા છે.
રાષ્ટ્રજોગ સંબોધન કરતાં તેમણે કહ્યું હતું કે ૧૫ ઓગસ્ટ ૧૯૪૭ના રોજ આપણા દેશે આઝાદી હાંસલ કરી હતી. સાર્વભૌમત્વ અને આપણાં ભાવિની જવાબદારી બ્રિટિશ ક્રાઉનને બદલે ભારતનાં લોકોએ સંભાળી હતી. આ સાથે જ આપણા વડવાઓ અને સ્વાતંત્ર્યસેનાનીઓએ જોયેલું સપનું સાકાર થયું હતું. આપણે આપણી કલ્પના મુજબના નવા દેશનું નિર્માણ કરવા મુક્ત થયા હતા. આપણા સ્વાતંત્ર્ય સૈનિકોએ આપેલાં અસંખ્ય બલિદાનોએ આપણને આ મુકામે પહોંચાડયા છે. ચેનમ્મા, કિત્તુરનાં રાણી, ઝાંસીનાં રાણી લક્ષ્મીબાઈ, ક્વીટ ઇન્ડિયા ચળવળના નાયિકા અને શહીદ માતંગિની હજારા સહિતના શહીદોએ બલિદાનો આપ્યાં હતાં. આવા તો અનેક ઉદાહરણ છે. બંગાળમાં ૭૦ વર્ષની ઉંમરનાં માતંગિની હજારાને બ્રિટીશ પોલીસે ગોળી મારી હતી. પોતાના હોંઠો પર વંદે માતરમ્ અને આંખોમાં આઝાદ ભારતની આશા સાથે તેઓ શહીદ થયાં હતાં.
રાષ્ટ્રપતિએ આ પ્રસંગે સરદાર ભગત સિંહ, ચંદ્રશેખર આઝાદ, રામપ્રસાદ બિસ્મિલ, અશ્ફકુલ્લાહ ખાન, બિસરા મુંડાની શહાદતને પણ યાદ કરી હતી. રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે આઝાદીની લડાઈમાં મહાત્મા ગાંધી એકલા નહોતા. સુભાષચંદ્ર બોઝનાં નેતૃત્વ હેઠળ પણ લાખો ભારતીયો આઝાદીની ચળવળમાં જોડાયાં હતાં. નેહરુએ ભારપૂર્વક જણાવ્યું હતું કે આપણને વહાલો પ્રાચીન વારસો અને પરંપરાઓ ટેક્નોલોજી સાથે પણ સહઅસ્તિત્વ ધરાવી શકે છે. તેમણે સમાજના આધુનિકીકરણનું બીડું ઝડપ્યું. સરદાર પટેલે અખંડ અને એક રાષ્ટ્રનું મહત્ત્વ સમજાવીને શિસ્તબદ્ધ દેશની રચનાનું માળખું ઊભું કર્યું. તો બાબાસાહેબ ભીમરાવ આંબેડકરે બંધારણીય શાસનના લાભો, કાયદાનાં શાસન અને શિક્ષણ પર ભાર મૂક્યો હતો.
રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે આપણે એકતા સાથે કામ કરીને સરકારી નીતિઓના લાભ સમાજના તમામ વર્ગ સુધી પહોંચે તે સુનિશ્ચિત કરવું જોઈએ. જનતા અને સરકાર વચ્ચેની ભાગીદારી તે માટે જરૂરી છે. સરકાર શૌચાલયો બાંધે છે કે બાંધવામાં મદદ કરે છે, પરંતુ ખુલ્લામાં શૌચ ના કરતાં શૌચાલયમાં જવું તે આપણા સૌની ફરજ છે. સરકાર કાયદા ઘડીને તેના અમલીકરણને સંગીન કરી શકે છે પરંતુ કાયદાનું પાલન કરવું તે નાગરિકોની ફરજ છે.


comments powered by Disqus