લંડનઃ શ્રી સોરઠિયા પ્રજાપતિ કોમ્યુનિટી સમાજના પ્રમુખ અને કાઉન્સિલર ભગવાનજી ચૌહાણની લંડન બરો ઓફ બ્રેન્ટના મેયર તરીકે થયેલી નિમણુંક અને તેમણે મેળવેલી અનેક સિદ્ધિઓની ઉજવણી માટે સાઉથોલમાં કોમ્યુનિટી હોલમાં ગત ૨૦ મેના રોજ ખાસ કાર્યક્રમનું આયોજન કરાયું હતું.
શ્રી બાઈ માની પ્રાર્થના સાથે ભાવેશભાઈ ધોળકિયાએ કાર્યક્રમની શરૂઆત કરાવી હતી. તે પછી ત્રિલોક મ્યુઝિક પાર્ટી દ્વારા બોલિવુડ મ્યુઝિકની રજૂઆત કરવામાં આવી હતી. જેમાં કલાકારોએ બોલિવુડના કેટલાક વિખ્યાત ગીતો રજૂ કર્યા હતા. સૌથી યુવા ડોનર કુ. હેમા કુકડિયા સહિત ઈવેન્ટના સ્પોન્સરો દ્વારા રેફલ પ્રાઈઝ એનાયત કરાયા હતા.
સાઉથોલ, બ્રેન્ટ અને હેરોના સ્થાનિક પ્રતિનિધિઓ તેમજ લોકલ ઓથોરિટી કાઉન્સિલરો અને અન્ય લંડન બરોના મેયરોની હાજરીને લીધે કાર્યક્રમ વિશેષ બન્યો હતો. આંતરરાષ્ટ્રીય એમ્બેસીના અધિકારીઓ પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. મેનેજિંગ બિલ્ડીંગ ટ્રસ્ટી અજયભાઈ કુકડિયાએ બોલિવુડ સ્ટાર કલાકાર રાગેશ્વરી લુંબાનો પરિચય આપ્યો હતો.
કાંતિભાઈ કુકડિયા અને હસમુખભાઈ ટાંકે ભગવાનજીભાઈ અને પ્રભાબેનનો હળવી મનોરંજક શૈલીમાં ઈન્ટરવ્યુ લીધો હતો. અજયભાઈ કુકડિયાએ કાર્યક્રમનું સમાપન કર્યું હતું.

