નવી દિલ્હીઃ સિક્કિમ સરહદે ડોકલામ નજીક સરહદી વિવાદનાં સાત સપ્તાહ બાદ ભારત-ચીન વચ્ચે તણાવ વધ્યો છે. સિક્કિમ અને અરુણાચલ પ્રદેશની ૧૪૦૦ કિમી સરહદ પર ભારતે વધુ સૈનિકો ખડકવાનો નિર્ણય કર્યો છે. સંરક્ષણ પ્રધાન અરુણ જેટલીએ જાહેર કર્યું છે કે, ભારતીય સેના પાસે દારૂગોળાની કોઇ અછત નથી. સેનાએ સુકનાસ્થિત ૩૩ કોર્પ્સની સાથે અરુણાચલ અને આસામમાં તૈનાત ૩ અને ૪ કોર્પ્સને ભારત- ચીન સરહદની સુરક્ષા કરવાની જવાબદારી સોંપી દીધી છે. સંરક્ષણ નિષ્ણાતો અનુસાર લગભગ ૪૫,૦૦૦ સૈનિકો હવામાન સાથે સંતુલન સાધવાની તાલીમ મેળવી ચૂક્યા છે અને તેમને કોઇ પણ સમયે સરહદે તૈનાત કરાશે. ઉલ્લેખનીય છે કે જે સૈનિકોને ૯૦૦૦ ફૂટથી ઉપર તૈનાત કરાય છે તેમને હવામાન સાથે અનૂકુલન સાધવાની તાલીમ અપાય છે.
અગાઉ ચીની સેના સરહદ પર દેખાયાના અહેવાલો બાદ ભારતીય સેનાએ વિવાદિત સ્થળથી ૩૫ કિ.મી.ના અંતરે આવેલા નાથાંગ ગામનાં સેંકડો લોકોને ગામ ખાલી કરવાના આદેશ આપ્યા હતા. નાથાંગનાં લોકોએ પણ આ વિસ્તારમાં સેનાની ચહલપહલને સમર્થન આપ્યું છે. જોકે સેનાના કેટલાક અધિકારીઓએ આ અંગે જણાવ્યું છે કે, આ સપ્ટેમ્બરમાં યોજાતી ઓપરેશન એલર્ટ નામની વાર્ષિક કવાયત છે, પરંતુ આ કવાયત એક મહિના પૂર્વે ઓગસ્ટમાં થતાં યુદ્ધની શંકાઓ પ્રબળ છે. બીજી તરફ ચીની સેનાએ ડોકલામના એક કિ.મી.માં ૮૦ ટેન્ટમાં ૮૦૦ જેટલાં સૈનિક જમા કર્યાંના અહેવાલ છે. ઉલ્લેખનીય છે કે ભારતે ભૂતાનને મદદ કરતાં ચીનના પેટમાં તેલ રેડાયું છે.
છ ફૂટ ઊંચા જાટ સૈનિકો
સેનાએ ડોકલામમાં ચીની સેના સામે છ ફૂટ ઊંચા જાટ રેજિમેન્ટના જવાનો તૈનાત કર્યા છે. આ જાટ જવાનો ચીનની ભાષાના જાણકાર છે. ચીની સૈનિકો સામે તેમની ઊંચાઇ ઘણી મહત્ત્વની સાબિત થઇ શકે છે. આ ઉપરાંત મીડિયા અહેવાલ પ્રમાણે ચીની સેના ડોકલામમાં ૧૦૦ મીટર પાછળ ખસવા સંમત થઈ છે. જોકે ભારતે સ્પષ્ટ જણાવી દીધું હોવાનું મનાય છે કે, ચીની સેના ૨૫૦ મીટર પાછી ખસી જાય પછી જ આ મુદ્દા પર મંત્રણા થઇ શકે છે.
ડોકલામ માત્ર અમારુંઃ ભૂતાન
ભૂતાને ૧૦ ઓગસ્ટે ચીનને સ્પષ્ટ સંદેશો પાઠવી દીધો છે કે ડોકલામ પર અમારો અધિકાર છે. ચીની રાજદ્વારી વાંગ વેનલીએ જણાવ્યું હતું કે ભૂતાને બૈજિંગને રાજદ્વારી ચેનલો દ્વારા જણાવ્યું છે કે, વિવાદિત પ્રદેશ ચીનનો નથી. ભૂતાનનાં સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે, ડોકલામના સરહદી વિવાદ પર અમારું વલણ ઘણું સ્પષ્ટ છે. ચીને ભૂતાનના પ્રદેશમાં સડકનિર્માણનું કામ હાથ ધરીને બંને દેશ વચ્ચે ૧૯૮૮ અને ૧૯૯૮માં થયેલા કરારોનું ઉલ્લંઘન કર્યું છે. જૂનમાં આ વિવાદની શરૂઆત ભૂતાનની પ્રેસ રિલિઝથી થઈ હતી, જેમાં લખ્યું હતું કે ડોકલામમાં માર્ગ નિર્માણ બન્ને દેશો વચ્ચે સરહદો સંબંધિત સમજૂતીનું ઉલ્લંઘન છે. બન્ને દેશો વચ્ચે ૧૯૮૮ અને ૧૯૯૮માં લેખિત સમજૂતી થઈ છે. બન્ને દેશ સરહદે અંતિમ સમજૂતી ના થાય ત્યાં સુધી શાંતિ જાળવવા માટે સહમત હતા.
ડોકલામ મુદ્દે સમાધાન નહીં
રાજ્યકક્ષાના પ્રધાન જિતેન્દ્રસિંહે આ વિવાદ અંગે જણાવ્યું હતું કે, સરકારને પોતાના નિર્ણયો પર ભરોસો છે અને સરકાર કોઈ પણ બાહ્ય તેમજ ઘરેલુ પડકારને ઝીલવા તૈયાર છે. જોકે આ મુદ્દે ભારત સરકાર અને સેનાના પગલાં વિશે વધુ જણાવવા માગતો નથી. ભારતના પૂર્વ સેનાધ્યક્ષ વી. પી. મલિકે કહ્યું હતું કે, ચીન સાથે મિનીયુદ્ધ થવાની સંભાવના નકારી શકાય નહીં પરંતુ બંને પરમાણુસક્ષમ દેશો વચ્ચે યુદ્ધ થવાની કોઈ સંભાવના નથી. આ બધા વચ્ચે બાબા રામદેવે આ મુદ્દે જણાવ્યું કે, ચીનને શાંતિમાં રસ નથી, જો તેમ ન હોત તો આજે દલાઈ લામા ભારતમાં ન હોત. ચીન યુદ્ધની ભાષા જ સમજે છે. તેને તે જ ભાષામાં સમજાવવો જોઈએ.
આ વિવાદ કાશ્મીર સુધી ફેલાશે
સાન ફ્રાન્સિસ્કોના પૂર્વ કાઉન્સલ જનરલ એન. પાર્થસારથીએ જણાવ્યું હતું કે, ચીન જેવી રીતે ધમકી આપે છે તે પરથી તેના ઇરાદા સ્પષ્ટ છે. આ ધમકીઓને ભારતે હળવાશથી ન લેવી જોઇએ. ચીન પોતાની આર્થિક અને સૈન્ય સ્થિતિને સારી રીતે જાણે છે. જ્યારે ભારત હજુ આર્થિક સુધારામાં વ્યસ્ત છે. જો વિવાદ આગળ વધી ગયો તો માત્ર ડોકલામ જ નહીં, ભારતના અન્ય વિસ્તારોમાં પણ ફેલાઇ શકે છે અને ડોકલામ વિવાદના પડઘા જમ્મુ કાશ્મીર સહિતના વિવાદિત વિસ્તારોમાં પડશે. તેઓએ એવો પણ દાવો કર્યો હતો કે ચીન હોશિયાર છે અને સામે ચાલીને કંઇ જ નહીં કરે, તે ભારતને એટલા માટે જ ઉશ્કેરી રહ્યું છે. કેમ કે ચીનને પોતાની ચિંતા છે.
ભારત – ચીન વચ્ચે એક મહિનામાં જ યુદ્ધ થઈ શકેઃ લોર્ડ મેઘનાદ દેસાઈ
ડોકલામ વિવાદના કારણે ભારત અને ચીન વચ્ચે વધી રહેલા તણાવની પરિસ્થિતિમાં આંતરરાષ્ટ્રીય મુદ્દાઓના વિશેષજ્ઞ લોર્ડ મેઘનાદ દેસાઈએ કહ્યું છે કે, હવે આ વિવાદનું સમાધાન દક્ષિણ ચીન સાગરના ઘટનાક્રમો પર આધારિત રહેશે. લોર્ડ દેસાઈનું અનુમાન છે કે નજીકના સમયમાં ભારત અને ચીન વચ્ચે યુદ્ધ થઈ શકે છે. આવી પરિસ્થિતિમાં ભારત અને અમેરિકા એક તરફ હશે અને સામેની તરફ ચીન હશે. દેસાઈ ભારત ચીન વિવાદને બે દેશો વચ્ચેનો વિવાદ નહીં પણ વૈશ્વિક પ્રશ્ન માને છે. તેઓએ જણાવ્યું છે કે, જો પરિસ્થિતિનો શાતિપૂર્ણ રીતે ઉકેલ નહીં આવે તો એક મહિનામાં જ યુદ્ધ થઈ શકે અને તે રોકી શકવું અશક્ય બનશે.

