ગ્રાહક (દુકાનદારને)ઃ તમે હિસાબમાં ભૂલ કરી છે, પાંચ રૂપિયા ઓછા આપ્યા છે, તમને ગ્રાહકોને છેતરતા શરમ નથી આવતી.
દુકાનદારઃ પણ આ પહેલા મેં તમને ભૂલથી પાંચ રૂપિયા વધુ આપ્યા હતા ત્યારે તો તમે કંઈ ના બોલ્યા.
ગ્રાહકઃ મારો નિયમ છે કે દરેક માણસને સુધરવાની એક તક જરૂર આપવી જોઈએ.
•
એક ઘર પાસે ભિખારીએ ખાવાનું માગ્યું.
અંદરથી બહેને ટિફિન ભરીને બહાર આવ્યા અને ખાવાનું બધું આપી દીધું.
પતિનું મગજ ફાટ્યું.
'આ શું બધું ખાવાનું ભિખારીને આપી દીધું હવે રોજ આવતો થઈ જશે તો?’
બીજા દિવસે ભિખારી સમયે આવીને ઊભો રહ્યો.
પતિ: 'જો મેં કહ્યું હતું ને કે આને ટેવ પડી જશે...'
ભિખારી વચ્ચે બોલ્યો: 'તમે લોકો ઝઘડો નહીં. હું તો રસોઈ બનાવવાનું એક પુસ્તક બહેનને ભેટ આપવા આવ્યો છું! કેવી ભયંકર રસોઈ બનાવે છે!'
•
કોઈએ પૂછયુંઃ લગ્ન પહેલા તમે શું કરતા હતા?
નટુની આંખમાં ઝળઝળીયાં આવી ગયા
અને માંડ માંડ એટલું જ બોલી શકાયુંઃ ધાર્યું
કરતો હતો.
•
નટુ: 'એવી કઈ જગ્યા છે જ્યાં પૈસાદાર માણસ પણ હાથમાં વાસણ લઈને ઊભો રહે છે'
ગટુ: 'એવી તે કઈ જગ્યા યાદ નથી આવતું.'
નટુ: 'સિમ્પલ ! પાણીપૂરીની લારીએ!!'
•
નટુ એક અખબારની ઓફિસમાં ગયો અને પૂછયુંઃ મારા કાકા મરી ગયા છે, શ્રદ્ધાંજલી લખવાનો શું દર થશે.
અધિકારીઃ એક શબ્દના ૫૦ રૂપિયા.
નટુઃ અચ્છા તો લખોઃ ‘કાકા મરી ગયા.’
અધિકારીઃ શેઠ! ઓછામાં ઓછા છ શબ્દો જોઈએ.
નટુઃ અચ્છા તો લખોઃ ‘કાકા મરી ગયા - મારુતિ વેચવાની છે.’
•
ડોક્ટર: માજી, હું તમને આ દવા આપું છું તે ખાઇને તમે પાછા જુવાન થઇ જશો.
ડોસીમા: ના ના એવું ના કરતો મારા રોયા મારું પેન્શન બંધ થઈ જશે.
•
જૂના પુરાણા કિલ્લાને જોઈ રહેલા એક ટુરિસ્ટે ગાઈડને પૂછ્યું: ‘આ કિલ્લામાં ભૂત રહે છે વાત સાચી?’
ગાઈડ કહે: ‘અરે સાહેબ, હું તો આટલાં વરસોથી કિલ્લામાં દિવસ-રાત ફરું છું. મેં તો કોઈ દહાડો કોઈ ભૂતબૂત નથી જોયું.’
ટુરિસ્ટ: અચ્છા, તમે કિલ્લામાં કેટલાં વરસથી રહો છો?
ગાઈડ: ૩૦૦ વરસથી...!
•
એક કેદી (બીજા કેદીને): ‘તને મળવા કેમ કોઈ નથી આવતું? શું તારે કોઈ સગાં નથી?'
બીજો કેદી: ‘છે ને! સગાં તો ઘણા છે! પરંતુ બધા આ જેલમાં જ છે!’
•
પપ્પા: બેટા ૧ પછી શું આવે.
બાબો: ૨, ૩, ૪...
પપ્પાઃ વાહ હોંશિયાર થઈ ગયો. બોલો પછી શું આવે?
બાબો: ૫, ૬, ૭
પપ્પા: વાહ., પછી...
બાબો: ૮, ૯, ૧૦
પપ્પા: અરે વાહ વાહ.. ચાલો આગળ બોલો... પછી શું આવે?
બાબો: ગુલામ, રાણી, બાદશાહ...!
