નવી દિલ્હીઃ શું પેઇન્ટિંગને પણ મહેસૂસ કરી શકાય? ૨૭ વર્ષના સિદ્ધાંત શાહ આ જ કોશિશમાં લાગેલા છે. ૨૦૧૩માં મુંબઇના છત્રપતિ શિવાજી મ્યુઝિયમની બહાર એક દંપતી બેઠું હતું. પતિ જોઈ શકતો ન હોવાથી અંદર જવાની ના પાડી રહ્યો હતો. સિદ્ધાંત ત્યાં જ ઉભા રહીને બધું જોઈ રહ્યો હતો. પછી નક્કી કર્યું કે નેત્રહીનો માટે મ્યુઝિયમ બનાવશે. બે વર્ષ પહેલા દિલ્હીમાં મ્યુઝિયમ બનાવ્યું. અને અત્યાર સુધી ૫૦ શહેરમાં બ્રેલ લિપિનું પેઇન્ટિંગ પ્રદર્શન યોજી ચૂક્યા છે.
‘મારી માતાની નજર બહુ જ નબળી છે. આથી હું નેત્રહીનોની પરેશાનીઓ બાળપણથી જ સમજું છું. હું હેરિટેજ મેનેજમેન્ટમાં માસ્ટર્સ કરવા માટે ગ્રીસ ગયો હતો. ત્યાં નેત્રહીનોનું મ્યુઝિયમ અને આર્ટ ગેલેરી જોયાં. પરત આવ્યા પછી ૨૦૧૫માં નેશનલ મ્યુઝિયમ માટે વોલન્ટિયર તરીકે બ્રેલ લિપિમાં પેઇન્ટિંગ બનાવવાનું કામ શરૂ કર્યું. દરમિયાન પોતાની ગેલેરી પણ શરૂ કરી. ત્યાં નેત્રહીન સ્પર્શ કરીને પેઇન્ટિંગમાં બનાવેલી તસવીરનો અહેસાસ કરી શકે છે. તમે દુનિયાના કોઇ પણ મ્યુઝિયમમાં જાવ તો ત્યાં લખેલું હશેઃ ‘ડોન્ટ ટચ’, પરંતુ અમે પોતાની આર્ટ ગેલેરીમાં બધાને કહીએ છીએ – ‘પ્લીઝ ટચ’. મેં જ્યારે બ્રેલ પેઇન્ટિંગ શરૂ કર્યું તો સૌથી મોટી પરેશાની એ હતી કે દેશમાં લોકોને એના વિશે ખબર જ ન હતી. સામાન્ય પેઇન્ટિંગમાં તમે જુઓ છો કે અહીં પહાડ છે, સરોવર છે, ઘર કે ઝાડ છે. બ્રેલ પેઇન્ટિંગમાં તમે સ્પર્શ કરીને સમજો છો કે આ નદી છે, જે વહે છે. પેઇન્ટિંગની અંદર જ બ્રેલ હોય છે. હવે તો ટેક્નોલોજીના ઉપયોગથી અગાઉના પેઇન્ટિંગ પણ બ્રેલમાં બનાવવામાં આવી રહ્યા છે. બ્રેલ પેઇન્ટિંગથી જ આપણા દર્શક જાણી શકે છે કે એમ. એફ. હુસેન કોણ હતા. નેત્રહીનો માટે રંગનું બહુ મહત્ત્વ હોતું નથી. તેમ છતાં પેઇન્ટિંગમાં અમે આકર્ષક રંગ રાખીએ છીએ, જેથી સામાન્ય દર્શક પણ સમજી શકે. બ્રેલ પેઇન્ટિંગ મોંઘું હોય છે. કારણ કે તેમાં થ્રી-ડી ટેકનિકનો ઉપયોગ થાય છે. હવે ઘણી સ્કૂલોએ બ્રેલ પેઇન્ટિંગનો કોર્સ શરૂ કર્યો છે.’

