લંડન નિવાસી નિલાંજના સિંહા અને મૂળ ભારતીય યુવતી મિસિસ ઇન્ડીયા ઇન્ટરનેશનલ ૨૦૧૭ એવોર્ડ વિજેતા બની છે. ૬ અોક્ટોબર ૨૦૧૭ના રોજ ભારતની રાજધાની નવી દિલ્હીમાં ITC વેલકમ હોટેલમાં યોજાયેલી આ સ્પર્ધામાં દેશવિદેશની ૪૮ ફાઇનલિસ્ટમાં અવ્વલ નંબરે આવી નિલાંજના તાજની હક્કદાર બની છે. સમાજનું ઋણ અદા કરવાનું એનું સપનું સાકાર થતાં એ પોતાને ખૂબ જ નસીબવંતી માને છે.
ઉલ્લેખનીય છે કે નિલાંજના ફાઇનલીસ્ટમાં આવી ત્યારે એ સમાચાર ‘ગુજરાત સમાચાર’ના ૨૩ સપ્ટેમ્બરના અંકમાં પ્રસિધ્ધ થયા હતા.
આ સ્પર્ધાની જજીંગ પેનલમાં જાણિતી બોલીવુડ અભિનેત્રી મહિમા ચૌધરી સહિતના અન્ય મહાનુભાવો હતા. દેશવિદેશમાં વસતી પરિણીત હજારો ભારતીય મહિલાઅોએ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો.
સૌંદર્ય સાથે બુધ્ધિમત્તામાં પ્રાવીણ્ય ધરાવતી, કુટુંબ તથા પ્રોફેશ્નલ કરીયર બન્ને વચ્ચે સમતુલા જાળવી સામાજિક ઉત્તરદાયિત્વ સુપેરે નિભાવી સમાજમાં પોતાની અાગવી પ્રતિભા ધરાવતી નિલાંજના આ સ્પર્ધામાં વિજેતા બની એ માટે અભિનંદન!
મિસિસ ઇન્ડીયા અર્થ એ એક માનવંતુ અને લોકપ્રિય મંચ છે જે વિશ્વભરમાં વસતી મૂળ ભારતીય મહિલાઅોમાં રહેલ કૌશલ્યની કદર કરી બહાર લાવવામાં પ્રેરણા પૂરી પાડે છે. સવિશેષ સમાજના અોછી સુવિધાવાળા વિસ્તારમાં ઉછરેલ યુવતિઅો સ્વબળે પોતાની વિકાસ યાત્રામાં આગેકૂચ કરી માનવ સેવામાં પ્રદાન કરે એ આશયથી આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે. નિલાંજના પણ મધ્યપ્રદેશના પન્ના જિલ્લાના મઝગાંવ ટાઉનશીપની મૂળ વતની છે અને બાળપણથી જ પ્રકૃતિ અને પ્રાણી માત્ર પ્રત્યે માનવતાભર્યો એને લગાવ રહ્યો છે.
વિશ્વ વિખ્યાત લંડનના હેરોલ્ડ સ્ટોરમાં સોફ્ટવેર એન્જીનીયર તરીકે ફરજ બજાવતી નિલાંજના હંમેશા ઇચ્છતી હતી કે, સમાજમાં કંઇક અલગ કરી એ પોતાના સ્વજનો અને પ્રિયજનોને મદદરૂપ થાય અને સામાજિક ઋણ અદા કરી શકે. નિલાંજનાની આ સફળતામાં એના પતિશ્રી પ્રધુમનભાઇનો ફાળો અણમોલ રહ્યો છે. ૧૯ મહિનાના બાળક સાથે માતા-ગૃહિણીની જવાબદારી સાથે સામાજિક અને કરીયર પ્રતિ ન્યાય ત્યારે જ આપી શકાય જ્યારે જીવનસાથીનો સહકાર હોય એમ ગુજરાત સમાચારને આપેલ ઇન્ટરવ્યુમાં નિલાંજનાએ જણાવ્યું હતું. તેણે વધુમાં ઉમેર્યું હતું કે ‘ભારતમાં ગરીબાઇની રેખા હેઠળ જીવતા બાળકોના લાભાર્થે $ ૪૧૭ એક મહિનાથી અોછા સમયમાં એકત્ર કર્યા હતા અને ભવિષ્યમાં ભારતના પછાત વિસ્તારમાં રહેતા બાળકો અને મહિલાઅોને પ્રોત્સાહિત કરવા વધુ સક્રિય બનીશ.. હવે અાંતરરાષ્ટ્રીય સ્તરે પણ ભારતની એમ્બેસેડર બની સમાજમાં બદલાવ લાવવા NGO સાથે કાર્યરત બની મારૂં અનુદાન અાપીશ.’

