નવી દિલ્હીઃ બાબા રામ રહીમને ૨૫ ઓગસ્ટે બળાત્કાર કેસમાં દોષિત ઠરાવાતાં સીબીઆઇના ભૂતપૂર્વ જોઇન્ટ ડાયરેક્ટર મુસિન્જા નારાયણે કાનૂનની જીત માટે ગૌરવસહ આનંદ વ્યક્ત કર્યો હતો. નારાયણે કહ્યું કે સપ્ટેમ્બર ૨૦૦૨ના રોજ હરિયાણા હાઇ કોર્ટે આ કેસ સીબીઆઇને સોંપ્યો ત્યારે હું દિલ્હીમાં સ્પેશ્યલ ક્રાઇમ બ્રાન્ચમાં ડેપ્યુટી જનરલ ઓફ પોલીસ હતો. ૧૨ ડિસેમ્બર ૨૦૦૨ના રોજ રામ રહીમ સામે કેસ રજીસ્ટર થયો તે વખતથી સીનિયર સીબીઆઇ ઓફિસરો મારા રૂમમાં આવીને દબાણ સર્જતા કહેતા હતા કે આ કેસ બંધ કરી દેવો જોઇએ. રામ રહીમ સામે કોઇ કાર્યવાહી ના થઇ શકે.
નારાયણે ૨૦૦૯માં નિવૃત્ત થયા ત્યાં સુધી તેમના સીનિયરો જ નહીં, જુનિયરો પણ કેસની કાર્યવાહીનું ફિંડલુ વાળીને ફાઇલ કરી દેવાની માનસિક્તા ધરાવતા હતા. ઉલ્લેખનીય છે કે નારાયણ સીબીઆઇના ઇતિહાસમાં એકમાત્ર એવા ઓફિસર છે જેઓ સબ ઇન્સ્પેક્ટરથી જોઇન્ટ ડાયરેક્ટરના હોદ્દા સુધી પહોંચ્યા હોય.
નારાયણે કહ્યું કે તેઓ માટે પડકાર તે સમયે વધી ગયો હતો જ્યારે ૧૯૯૯માં જે યુવતી પર બળાત્કાર થયો હતો તેણે ડેરાને છોડીને લગ્નજીવન માંડયું હતું. મેં મહામહેનતે તેને સમજાવીને તેના પર બળાત્કાર થયો છે તેવું સ્ટેટમેન્ટ મેજીસ્ટ્રેટ પાસે રેકોર્ડ કરાવ્યું હતું. આ પછી રામ રહીમ પર સંકજો વધુ કસાયો હતો. માત્ર સીબીઆઇ ઓફિસરો જ નહીં ખૂબ જ મોટા માથાં ગણાતા રાજકારણીઓ અને બિઝનેસમેન પણ સીબીઆઇના હેડ ક્વાર્ટર પર આવીને કેસ બંધ કરવા માટે ભારે દબાણ કરતા હતા, પરંતુ અમે કોઇને તાબે થયા નહોતા.

