ગુજરાતના જાણીતા કાર્ટૂનિસ્ટ અશોક અદેપાલ ૫મી સપ્ટેમ્બરે યુકેની મુલાકાતે આવી રહ્યા છે. તેઓ તા. ૨૨ સપ્ટેમ્બર સુધી લંડનમાં રોકાશે. હાલ તેઓ અમદાવાદમાં 'દિવ્ય ભાસ્કર' અખબારમાં કાર્ટૂનિસ્ટ તરીકે ફરજ બજાવે છે તેમજ એક કટાક્ષ મેગેઝિન 'વાહ ભાઈ વાહ'ના સ્થાપક તંત્રી છે.
દુનિયામાં આજકાલ સેલ્ફીનો ક્રેઝ ખૂબ વધી રહ્યો છે તેવા સમયે અશોક અદેપાલે કાર્ટૂન સેલ્ફીનો એક અનોખો કૉન્સેપ્ટ વિકસાવ્યો છે. કાર્ટૂનના પાત્ર તરીકે ખુદને જ રજૂ કરીને તેઓ કટાક્ષનાં બાણ ચલાવે છે. તા. ૧૧ થી તા. ૧૫ સપ્ટેમ્બર દરમિયાન લંડનના નહેરુ સેન્ટરમાં તેમનું ‘કાર્ટૂન સેલ્ફી’ એક્ઝિબિશન યોજાયું છે. જેમાં વિવિધ વિષય પરના તેમના ૧૦૦ કાર્ટૂન સેલ્ફી રજૂ થશે. તેમના આ અનોખા અને ઇનોવેટિવ ‘કાર્ટૂન સેલ્ફી’ એક્ઝિબિશનનું ગયા જૂનમાં અમદાવાદ અને ઓગસ્ટમાં એમ. એસ. યુનિવર્સિટી, વડોદરા ખાતે આયોજન થયું હતું, જેને કલારસિકોનો પ્રચંડ પ્રતિસાદ સાંપડ્યો હતો.
શરૂઆતમાં તો અદેપાલે તહેવાર કે કોઈ વિશેષ દિવસના વિષય પર પોતાના સાધારણ કેરિકેચર બનાવવાનું શરૂ કર્યું હતું. પછી તેઓ તેમાં ધીમે ધીમે રાજકીય, સામાજિક અને ફિલોસોફિકલ વિષયોને પણ સાંકળતા ગયા. આમ જુદા જુદા વિષયો પરની તેમની ૧૦૦ કાર્ટૂન્સની સફર પૂરી થઈ.
અશોક અદેપાલનો જન્મ બનાસકાંઠાના થરાદમાં અને ઉછેર કચ્છમાં થયો છે. ૧૯૭૨માં પાકિસ્તાનના ભાગલા પડ્યા ત્યારે તેમનો પરિવાર સિંધ પ્રાંતથી શરણાર્થી તરીકે ગુજરાતમાં આવીને વસ્યો હતો. રાજકીય કાર્ટૂનિસ્ટ તરીકે તેમની કારકિર્દી ૧૫ વર્ષ અગાઉ શરૂ થઈ હતી. તેમણે કાર્ટૂન વિશે કોઈ શિક્ષણ મેળવ્યું નથી. તેઓ જાતે જ કાર્ટૂન દોરતા શીખ્યા હતા અને અન્ય કાર્ટૂનિસ્ટોના કાર્ટૂનોનો વિસ્તૃત અભ્યાસ કરીને પોતાની આગવી શૈલી વિક્સાવી હતી.
બાળપણથી જ તેમને સ્કેચ અને કાર્ટૂન દોરવાનું ખૂબ જ ગમતું હતું પરંતુ, તેમાં કૌશલ્ય મેળવવા માટે યોગ્ય માર્ગદર્શનનો અભાવ હતો. સદનસીબે એક કવિ અને શિક્ષક મિત્રએ તેમનામાં રહેલી કળાને પારખી હતી અને તેમને રાજકારણ પર કાર્ટૂન તૈયાર કરવાની સલાહ આપી હતી. સપ્ટેમ્બર,૨૦૦૨માં તેમનું સૌ પ્રથમ કાર્ટૂન પ્રાદેશિક અખબાર 'કચ્છમિત્ર'માં પ્રકાશિત થયું હતું. તે પછી તો તેમના કાર્ટૂન ગુજરાતથી પ્રગટ થતા વિવિધ અખબારો તેમજ મેગેઝિનમાં પ્રકાશિત થયા હતા.
સંપર્ક. Whatsapp Number 9727225533,
email: [email protected]

