ડેરા સચ્ચા સૌદાની સ્થાપના મસ્તાન બલોચિસ્તાની દ્વારા ૧૯૪૮માં થઇ છે, પણ ગુરમીતે ૧૯૯૦થી તેની ગાદી સંભાળી હતી. આ પછી સંપ્રદાયનો પ્રભાવ-પ્રસાર વધ્યો છે.
• જન્મ: ગુરમીત રામ રહીમ સિંહ પોતાનાં માતા-પિતાના એકમાત્ર સંતાન છે. તેમનો જન્મ ૧૯૬૭ની ૧૫મી ઓગસ્ટે રાજસ્થાનના શ્રીગંગાનગર જિલ્લાના ગુરુસર મોદિયામાં જાટ શીખ પરિવારમાં થયો હતો.
• સંતપદઃ ડેરા પ્રમુખ શાહ સતનામ સિંહે ૧૯૯૦માં મગહર સિંહ અને નસીબ કૌરના પુત્ર ગુરમીત રામ રહીમને ડેરાનો વારસો સોંપ્યો હતો. સતનામ સિંહે ૭ વર્ષની વયે ગુરમીત રામ રહીમ નામ આપ્યું હતું. ૧૯૯૦ની ૨૩ સપ્ટેમ્બરે શાહ સતનામ સિંહે અનુયાયીઓનો સત્સંગ યોજીને ગુરમીત રામ રહીમ સિંહને પોતાના ઉત્તરાધિકારી જાહેર કર્યા હતા.
• પરિવાર: રામ રહીમને ૩ પુત્રીઓ અને એક પુત્ર છે. તેમાંથી એક પુત્રી દત્તક લીધેલી છે. ગુરમીતના પુત્રનાં લગ્ન ભટિન્ડાના ભૂતપૂર્વ વિધાનસભ્ય હરમિંદર સિંહ જસ્સીની પુત્રી સાથે થયા છે. બધાં સંતાનોએ ડેરાની સ્કૂલોમાં અભ્યાસ કર્યો છે. રામ રહીમના બે જમાઇ રુહેમીત અને ડો. શમ્મેમીત છે. રામ રહીમની પત્નીનો કોઇ ફોટો નથી.
• સંપત્તિ: હરિયાણાના સિરસામાં લગભગ ૭૦૦ એકર કૃષિ જમીન, દેશ-વિદેશમાં ૨૫૦ આશ્રમ. ત્રણ હોસ્પિટલ અને એક ઇન્ટરનેશનલ આઇ બેંક. એક ગેસ સ્ટેશન અને શોપિંગ કોમ્પ્લેક્સ. પાંચ કરોડ કરતાં પણ વધુ અનુયાયીઓ હોવાનો દાવો. સંસ્થાની એક દિવસની અંદાજિત કમાણી ૧૬ લાખ રૂપિયા.
• આવકઃ વર્ષ ૨૦૧૦-૧૧માં ડેરાની કુલ વાર્ષિક આવક ૧૬ કરોડ રૂપિયા હતી. ૨૦૧૧-૧૨માં તે વધીને ૨૦ કરોડ રૂપિયા થઇ ગઇ. ૨૦૧૨-૧૩માં આ આંકડો વધીને ૨૯ કરોડ રૂપિયા થયો હતો. ડેરા સચ્ચા સૌદા અને તેની સાથે સંબંધિત અન્ય સંગઠનોને ૧૯૬૧ના ઇન્કમ ટેક્સ કાયદાની કલમ ૧૦(૨૩) હેઠળ કરમુક્તિ મળેલી છે.

