પીડિત યુવતીએ તત્કાલીન વડા પ્રધાન વાજપેયીને લખેલા અક્ષરશઃ પત્ર

રામ રહીમે મને બાંહોમાં લઈને કહ્યું, તુમ્હારે સાથ પ્યાર કરના ચાહતે હૈ

Wednesday 30th August 2017 07:54 EDT
 
 

હરિયાણાનાં સિરસામાં ૭૦૦ એકર જમીનમાં જેનો રાજમહેલને શરમાવે તેવો પેલેસ છે તે રામ રહીમ સિંહ આજે જેલમાં ૧૦ ફૂટ બાય ૨૦ ફૂટની કોટડીમાં છે. સમગ્ર દેશમાં ડેરા સચ્ચા સૌદાના સંત તરીકે જે વ્યક્તિ પ્રખ્યાત હતો તે બળાત્કારી બાબા તરીકે થૂ... થૂ... થઈ રહ્યો છે. આની પાછળ બે પાનાનો નનામો પત્ર છે. આ પત્ર ૧૩ મે ૨૦૦૨ના રોજ તત્કાલીન વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીને લખાયો હતો. પત્રમાં એક યુવતીએ ડેરા સચ્ચા સૌદાના ગુરુ રામ રહીમના હાથે પોતાનું યૌનશોષણ થયાની ઘટના લખી હતી. રામરહીમ માટે વિસ્ફોટક બનેલો પત્ર અક્ષરસઃ આ પ્રમાણે છેઃ
હું પંજાબની રહેવાવાળી છું અને પાંચ વર્ષથી ડેરા સચ્ચા સૌદા સિરસા (હરિયાણા, ધન ધન સતગુરુ તેરા હી આશરા) આશ્રમમાં સાધ્વી તરીકે કામ કરી રહી છું. સેંકડો છોકરીઓ પણ આશ્રમમાં ૧૬થી ૧૮ કલાક સેવા કરે છે. અમારું અહીંયા શારીરિક શોષણ કરાય છે. હું બી.એ. પાસ યુવતી છું. મારા પરિવારના સભ્યો મહારાજના અંધશ્રદ્ધાળુ ભક્તો છે, જેમની પ્રેરણાથી હું પણ ડેરામાં સાધુ બની હતી.
સાધુ બન્યાનાં બે વર્ષ પછી એક દિવસ મહારાજ ગુરમીતના ખાસ સાધુ ગુરુજ્યોતે મને રાતના ૧૦ વાગ્યે કહ્યું કે મહારાજે તને ગુફા (મહારાજને રહેવાની જગ્યા)માં બોલાવી છે. હું પહેલી વાર ત્યાં જઈ રહી હતી એટલે બહુ ખુશ હતી, કેમ કે, આજે ખુદ પરમાત્માએ મને બોલાવી હતી. ગુફામાં જઈને મેં જોયું કે, મહારાજ (રામ રહીમ) બેડ પર બેઠા હતા. હાથમાં રિમોટ હતું. ટીવી પર બ્લૂ ફિલ્મ ચાલી રહી હતી. બેડ પર એક બાજુ રિવોલ્વર મૂકી હતી. આ બધું જોઈને હું હેરાન થઈ ગઈ. મારા પગ નીચેથી જમીન ખસવા માંડી, આ શું થઈ રહ્યું છે... મહારાજ આવા હશે તેવું મેં તો સ્વપ્નામાં પણ વિચાર્યું નહોતું. મહારાજે ટીવી બંધ કર્યું અને મને પાસે બેસાડીને પાણી પીવડાવ્યું અને કહ્યું કે મેં તને મારી ખાસ વહાલી સમજીને બોલાવી છે. મહારાજે મને બાંહોમાં લઈને કહ્યું કે, હું તને દિલથી ચાહું છું, તારી સાથે પ્યાર કરવા માગું છું, કારણ કે તેં મારી સાથે સાધુ બનતી વખતે તારાં તન, મન, ધન મને અર્પણ કર્યાં હતાં તેથી હવે આ તારું શરીર મારું છે.
મેં વિરોધ કર્યો તો તેમણે કહ્યું કે, હું જ ભગવાન છું જ્યારે મેં પૂછયું કે આ શું ભગવાનનું કામ છે? તો તેમણે કહ્યું, કે શ્રીકૃષ્ણ ભગવાન હતા, તેમની પાસે ૩૬૦ ગોપીઓ હતી. જેની સાથે તેઓ રોજ પ્રેમલીલા કરતા હતા છતાં પણ લોકો તેમને પરમાત્મા માને છે. આ કોઈ નવી વાત નથી. હું ચાહું તો આ રિવોલ્વરથી અત્યારે તને મારી નાખું. હું તારા અંતિમ સંસ્કાર કરી નાખું. તારા ઘરવાળા મારા પર વિશ્વાસ કરશે, કારણ કે, તે લોકો મારા ગુલામ છે. અમારી સરકારમાં પણ બહુ પહોંચ છે, હરિયાણા અને પંજાબના મુખ્ય મંત્રી, કેન્દ્રીય મંત્રી અમારા પગે પડે છે. નેતાઓ મારો ટેકો માગે છે, અમારી પાસેથી પૈસા લે છે. આ લોકો અમારી વિરુદ્ધ ક્યારેક નહીં બોલે. અમે તારા કુટુંબીઓને નોકરીમાંથી કાઢી મૂકીશું. તેમને મરાવી નાખીશું કોઈને ખબર પણ નહીં પડે. તને ખબર છેને કે અમે આશ્રમના મેનેજરને ખતમ કરાવી નાખ્યો છે જેનો આજ દિન સુધી અતોપત્તો નથી. પૈસાનાં જોરે અમે નેતાઓ, પોલીસો અને કોર્ટને ખરીદી લઈશું. આવું કહી પછી મહારાજે મારા પર બળાત્કાર કર્યો અને છેલ્લા ત્રણ મહિનામાં ત્રીસ વખત આવું કર્યું.
અમારે સાધ્વી તરીકે સફેદ કપડાં પહેરવાં પડે છે, માથા પર દુપટ્ટો રાખવો પડે છે, કોઈ પુરુષ સામે આંખ ઉઠાવીને જોવાની અમને છૂટ નથી. પુરુષોથી દસ ફૂટ દૂર રહેવાનો અમને મહારાજનો આદેશ છે. અમે લોકો માટે દેવી છીએ પરંતુ અમારી હાલત વેશ્યા જેવી છે. મેં એક વાર મારા કુટુંબીઓને કહ્યું હતું કે, આશ્રમમાં બધું બરાબર નથી, તો મારાં ઘરવાળાં મને ગુસ્સામાં કહેવા લાગ્યાં કે જો ભગવાન પાસે રહેવા છતાં ઠીક નથી તો બીજે ક્યાંય ઠીક હોઈ શકે? તારા મનમાં ખરાબ વિચાર આવે છે, સદ્ગુરુનું સ્મરણ કર્યા કર. હું અહીંયાં મજબૂર છું. અહીંયાં સદગુરુનો આદેશ માનવો પડે છે. અહીયાં કોઈ પણ બે છોકરીઓ અંદરઅંદર વાતચીત નથી કરી શકતી, ઘરવાળાઓને ટેલિફોન નથી થઈ શકતો. પાછલા દિવસોમાં ભટિન્ડાની એક છોકરીએ સાધુમહારાજનાં કાળાં કરતૂતો બીજી છોકરીઓ સામે જાહેર કર્યાં તો આ છોકરીને સાધુઓએ પકડીને ખૂબ જ મારી હતી. છેલ્લે આપને વિનંતી છે કે, આ બધી છોકરીઓ સાથે મને પણ મારા પરિવાર સાથે મારી નાખશે, જો હું આ પત્રમાં મારું નામ લખીશ તો. અમારી ડોક્ટરી તપાસ કરવામાં આવશે તો લોકોને ખબર પડી જશે કે અમે કોઈ કુંવારી સાધ્વીઓ નથી પરંતુ મહારાજ દ્વારા બરબાદ થઈ ગયેલી યુવતીઓ છીએ.


comments powered by Disqus