ભારતીય કાયદામાં પ્રાઇવસીની ચોક્કસ વ્યાખ્યા જ નથી!

Wednesday 30th August 2017 08:17 EDT
 
 

નવી દિલ્હીઃ કાયદામાં પ્રાઇવસીની કોઈ ચોક્કસ વ્યાખ્યા નથી, પરંતુ ભારતીય કાયદાઓમાં પ્રાઇવસીનો અર્થ અલગ અલગ રીતે અપાયો છે. કેટલાક કાનૂનવિદોનું માનવું છે કે, યુનિવર્સલ ડેક્લેરેશન ઓફ હ્યુમન રાઇટ્સના આર્ટિકલ ૧૨ જેવા આંતરરાષ્ટ્રીય ચાર્ટરો પ્રમાણે પ્રાઇવસી માનવાધિકાર છે. પ્રાઇવસીના ઘણા અર્થ થઇ શકે છે - જેમ કે એકલા રહેવાનો અધિકાર, અંગતતાનો અધિકાર અથવા સરકારી જાસૂસી સામે સંરક્ષણ.
હવે ભારતીય નાગરિકો માટે...
સુપ્રીમ કોર્ટે ઐતિહાસિક ચુકાદા દ્વારા ભારતીય નાગરિકો માટે પ્રાઇવસીને મૂળભૂત અધિકાર ઠેરવ્યો છે, પરંતુ ગયા જુલાઇ મહિનામાં સરકારે કોર્ટને જણાવ્યું હતું કે, પ્રાઇવસી શરતી મૂળભૂત અધિકાર છે. બંધારણના ઘડવૈયાઓએ જાણીજોઇને પ્રાઇવસીને મૂળભૂત અધિકારોમાંથી બાકાત રાખી હતી.
ભારતમાં પ્રાઇવસીને સંરક્ષણ
આર્ટિકલ ૨૧ દ્વારા નાગરિકોને પ્રાઇવસીના મર્યાદિત અધિકારની બાંયધરી મળે છે. અદાલતના ઘણા ચુકાદા દ્વારા નાગરિકોને હરવાફરવાની સ્વતંત્રતાથી માંડીને તેના સંદેશવ્યવહારોમાં થતા હસ્તક્ષેપ જેવા સંખ્યાબંધ મામલાઓમાં સંરક્ષણ મળ્યું છે.
પ્રાઇવસી કેમ મહત્ત્વની?
‘આધાર’ કાર્ડ માટે સરકારે નાગરિકોનો બાયોમેટ્રિક ડેટા એકઠો કરવાની શરૂઆત કરતાં પ્રાઇવસી મુદ્દે ચર્ચા શરૂ થઇ હતી. સરકાર એમ કહે છે કે, યોગ્ય લોકો સુધી કલ્યાણ યોજનાઓના લાભ પહોંચે તે માટે ‘આધાર’ જરૂરી છે. જોકે ટીકાકારો કહે છે કે, ડેટાની ચોરી થઇ શકે છે તેથી પ્રાઇવસીનું ઉલ્લંઘન થઇ શકે છે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ એવા અહેવાલ ચમક્યા છે કે ‘આધાર’ કાર્ડનો ડેટા અમેરિકી ગુપ્તચર સંસ્થા સીઆઇએ પાસે પહોંચી
ગયો છે.


comments powered by Disqus