નવી દિલ્હીઃ ભારતની સર્વોચ્ચ અદાલતે એક સિમાચિહનરૂપ ચુકાદામાં જણાવ્યું છે કે, પ્રાઇવસીનો અધિકાર ભારતનાં બંધારણના આર્ટિકલ ૨૧ અંતર્ગત અપાયેલો મૂળભૂત અધિકાર છે. પ્રાઇવસી બંધારણના આર્ટિકલ ૨૧ અંતર્ગત વ્યક્તિગત અને જીવનની સ્વતંત્રતાની આંતરિક બાબત છે.
નવ જજની બંધારણીય બેન્ચે ૨૪ ઓગસ્ટે સર્વસંમતિથી આ આપેલો ચુકાદો વાંચી સંભળાવતાં ચીફ જસ્ટિસ જે. એસ. ખેહરે પ્રાઇવસીના અધિકારને બંધારણનું સંરક્ષણ નથી તેવા અગાઉ એમ. પી. શર્મા કેસ અને ખડક સિંહ કેસમાં અપાયેલા ચુકાદાઓને રદબાતલ ઠેરવ્યા હતા. ચુકાદા પૂર્વે ચીફ જસ્ટિસે જણાવ્યું હતું કે, નવ જજ પૈકીના કેટલાકે અલગ અલગ આદેશો આપ્યા છે. સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે, પ્રાઇવસીનો અધિકાર બંધારણના મૂળભૂત અધિકારોનાં સમગ્ર પ્રકરણની આંતરિક બાબત છે. સુપ્રીમ કોર્ટના આ ચુકાદાને કારણે ૧૩૪ કરોડ ભારતીયોનાં જીવનને અસર થશે.
કર્ણાટક હાઈ કોર્ટના નિવૃત્ત જજ કે. એસ. પુટ્ટાસ્વામીનાં નેતૃત્વમાં ઢગલાબંધ અરજકર્તાઓએ પ્રાઇવસીના અધિકારના બંધારણીય દરજ્જા સંદર્ભે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. આ અરજીમાં તેમણે ૨૦૧૨માં નાગરિકો માટે લાગુ કરાયેલી ‘આધાર’ આઈડીની યોજનામાં બાયોમેટ્રિક ડેટા ઉમેરવાના તત્કાલીન યુપીએ સરકારના નિર્ણયને પડકાર્યો હતો.
સુપ્રીમ કોર્ટે શું કહ્યું?
• કોઈ મૂળભૂત અધિકાર સંપૂર્ણ નથી તેથી રાઈટ ટુ પ્રાઈવસી પણ સંપૂર્ણ હોઈ શકે નહીં. • સરકારના દરેક કાયદાને પ્રાઈવસીની કસોટીમાંથી પાર ઊતરવું પડશે. • સરકારને પ્રાઈવસીના અધિકાર પર તર્કપૂર્ણ રોકનો અધિકાર, પરંતુ સરકારના દરેક કાયદાને રાઈટ ટુ પ્રાઈવસીના ચશ્માંથી જોવાશે. • આધારકાર્ડ માટે એકત્ર થતી માહિતી પર પાંચ જજની અલગ બેન્ચ નિર્ણય કરશે. • સરકારને સાબિત કરવું પડશે કે તેના દ્વારા એકઠી કરાયેલી માહિતી તર્કપૂર્ણ દાયરામાં છે કે નહીં. • નાગરિકોની અંગત માહિતી મંજૂરી વિના જાહેર કરી શકાશે નહીં. • પ્રાઈવસીના ઉલ્લંઘનને સિવિલ કોર્ટમાં પડકારી શકાશે.
પણ વ્યાજબી અંકુશ જરૂરીઃ સરકાર
દેશની સર્વોચ્ચ અદાલતના ચુકાદાને આવકારતાં ભારત સરકારે જણાવ્યું હતું કે, પ્રાઇવસી મૂળભૂત અધિકાર છે, પરંતુ તેના પર બંધારણમાં અપાયેલા અન્ય અધિકારોની જેમ વ્યાજબી નિયંત્રણ હોવાં જોઈએ. કાયદાપ્રધાન રવિશંકર પ્રસાદે જણાવ્યું હતું કે, પ્રાઇવસીનો અધિકાર સંપૂર્ણ અધિકાર નથી અને તેને દરેક કેસના આધારે વ્યાખ્યાયિત કરવો જોઇએ. કાયદા પ્રમાણે જાહેર હિતમાં સામાજિક અને નૈતિક આધારે સરકારને નિયંત્રણ લાદવાની સત્તા છે. સરકારે ડેટાનાં સંરક્ષણ માટે ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરી છે. સુપ્રીમ કોર્ટે પણ સરકાર અને વ્યક્તિગત હેતુ વચ્ચેની સંવેદનશીલ ચિંતાઓ વચ્ચે સંતુલન સાધવા ડેટાની કેટલી જરૂર છે તે સ્વીકાર્યું છે.
૯૨ સરકારી યોજનાઓ પર અસર
ભારત સરકારે ૯૨ કલ્યાણકારી યોજનાઓના લાભ માટે આધાર નંબર ફરજિયાત બનાવ્યો છે. પ્રાઇવસીના ચુકાદા બાદ હવે આધાર મુદ્દે ચાલી રહેલા કેસમાં મોટી અસર પડશે. આધાર કેસમાં સરકારવિરોધી ચુકાદો આપશે તો સરકારની કલ્યાણ યોજનાઓ પર અસર થશે.
પ્રતિબંધ લાદતા કાયદા પર અસર
ભારતની સર્વોચ્ચ અદાલતે ૨૪ ઓગસ્ટે ચુકાદો આપ્યો છે કે, ભારતીયોને પ્રાઇવસી માટે બંધારણીય અધિકાર છે. આ ચુકાદાની અનેક મુદ્દા પર લાંબા ગાળાની અસરો પડવાની છે. સજાતીયતા, ગૌમાંસ ખાવા પર પ્રતિબંધ, શરાબબંધી, ગર્ભપાત અને ઈચ્છામૃત્યુ પર પ્રતિબંધ જેવા અનેક કાયદા કેન્દ્ર અને રાજ્યો દ્વારા ઘડાયેલા છે. આ કાયદાઓની પણ પુનઃ સમીક્ષા થઈ શકે છે. નિષ્ણાતોનું કહેવું છે કે, પ્રાઇવસીનો અધિકાર આપણી લોકશાહી માટે અગ્નિપરીક્ષા બની રહેશે. ઘણા નાગરિકો તેમના વ્યક્તિગત અધિકારોના આધારે કાયદાને અદાલતમાં પડકારી શકે છે. સરકારને નવા કાયદા ઘડવામાં પણ પ્રાઈવસીના અધિકારને ધ્યાનમાં રાખવો પડશે.
ન્યાયાધીશોનાં અવલોકનો
• ચીફ જસ્ટિસ ખેહરઃ પરેશાન કરે તેવી બાબત જાહેર કરવાની થાય તો તે તમારા પ્રાઈવસીના અધિકારનું ઉલ્લંઘન કરે છે.
• જસ્ટિસ ચંદ્રચૂડઃ પ્રાઈવસી પર ફક્ત અમીરોનો અધિકાર નથી. પ્રાઈવસી સમુદાયોને પણ અસર કરે છે. • જસ્ટિસ એસ. એ. બોબડેઃ જો માનવીએ ગૌરવથી મરવું હોય તો કેટલીક પ્રાઈવસી હોવી જરૂરી છે. • જસ્ટિસ નરિમાનઃ નાના માણસની પ્રાઈવસીને ભૂલો નહીં, પ્રાઈવસીનો અધિકાર ફક્ત ‘આધાર’ સાથે સંલગ્ન નથી. પ્રાઈવસી માનવાધિકાર છે. • જસ્ટિસ ચેલેશ્વરમઃ પ્રજાસત્તાક દેશના લેખિત બંધારણમાં પ્રાઈવસીનો મૂળભૂત અધિકાર નથી તે સ્વીકારવું અઘરું છે. આપણે તેને અવગણી શકીએ નહીં.

