નવી દિલ્હીઃ ડેરા સચ્ચા સોદાના વડા ગુરમીત રામ રહીમને સીબીઆઈની સ્પેશિયલ કોર્ટે રેપ કેસમાં ૨૦ વર્ષની સજા ફટકારી છે. આ સમગ્ર કેસમાં એક શખસ એવો છે જેને ઈતિહાસ હંમેશા યાદ રખાશે. તેમનું નામ છે રામચંદ્ર છત્રપતિ છે. ખૂબ ઓછા લોકો જાણે છે કે રામચંદ્રે જ સૌપ્રથમ ગુરમીત રામ રહીમ વિરુદ્ધ તત્કાલીન વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીને પીડિત સાધ્વીએ લખેલો પત્ર છાપ્યો હતો. ૨૦૦૨માં આ રેપ કેસની જાણકારી પત્રકાર રામચંદ્ર છત્રપતિએ પ્રથમવાર આપી હતી. જોકે આની કિંમત તેને જીવ આપીને ચૂકવવી પડી છે.
ડેરાના સિરસા ખાતેના મુખ્યાલયથી ૧૫ કિ.મી. દૂર દડબી ગામના રહેવાસી રામચંદ્ર સિરસા જિલ્લામાંથી દરરોજ સાંધ્ય અખબાર ‘પૂરા સચ’ પ્રકાશિત કરતા હતા.
છત્રપતિ સાથે કામ કરનારા વરિષ્ઠ પત્રકાર યુસુફ કિરમાણી કહે છે કે તેઓ દિલ્હી અને ચંડીગઢમાંથી પ્રકાશિત થતા અનેક અખબારો માટે ફ્રિલાન્સિંગનું કામ કરતા હતા. આ પત્ર તેમના હાથમાં આવ્યો તો તેમણે તમામ સમાચાર પત્રોને એ પત્ર છાપવા માટે મોકલ્યો હતો, પણ કોઈએ તે પત્ર છાપ્યો નહોતો. તેના પછી તેમણે પોતાના અખબાર ‘પૂરા સચ’માં એ પત્ર છાપવાનો નિર્ણય કર્યો હતો. પત્ર છાપ્યા પછી તેમણે આગળ કાર્યવાહી થાય એ માટે પીડિત સાધ્વીને આ પત્ર સીબીઆઈ અને અદાલતોને મોકલવા માટે પણ કહ્યું હતું. તેમણે આ પત્ર ૩૦ મે ૨૦૦૨ના અંકમાં છાપ્યો હતો. આ પછી તેમને જાનથી મારી નાખવાની ધમકી મળવા લાગી હતી. એ જ વર્ષે ૨૪ સપ્ટેમ્બરના રોજ પંજાબ-હરિયાણા હાઈ કોર્ટે પત્રની સૂઓ મોટો નોંધ લેતાં તપાસના આદેશ આપ્યા હતા.
કિરમાણી કહે છે કે એ ૨૪ ઓક્ટોબરનો દિવસ હતો. છત્રપતિ સાંજે ઓફિસથી પરત આવ્યા. એ સમયે ગલીમાં કોઈ કામ ચાલતું હોવાથી એ જોવા તેઓ ઘરની બહાર નીકળ્યા હતા. એ સમયે બે જણાએ તેમને અવાજ કરીને બોલાવ્યા અને ગોળી મારી દીધી. ૨૧ નવેમ્બરે દિલ્હીની અપોલો હોસ્પિટલમાં તેઓ મૃત્યુ પામ્યા. આ પછી જાન્યુઆરી-૨૦૦૩માં પુત્ર અંશુલ છત્રપતિએ પંજાબ-હરિયાણા હાઇ કોર્ટમાં અરજી કરી પિતાના મૃત્યુ અંગે સીબીઆઈ તપાસ માગી હતી.
જેના આધારે કોર્ટે નવેમ્બર ૨૦૦૩માં સીબીઆઈ તપાસના આદેશ આપ્યા હતા.
પૈતૃક ગામ દડબીમાં ખેતી કરનાર અંશુલ માતા કુલવંત કૌર, નાના ભાઈ અરિદમન અને બહેન ક્રાંતિ તથા શ્રેયસી સાથે પિતાને ન્યાય અપાવવા લડત આપી રહ્યો છે. ‘પૂરા સચ’ આજે પણ પ્રકાશિત થાય છે, પણ અનિયમિત.

