નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે રાઇટ ટુ પ્રાઇવસી અધિકારનું અર્થઘટન કરતા ઠરાવ્યું હતું કે અસાધ્ય બીમારીથી પીડાતી વ્યક્તિને તેના જીવનનો અંત આણવાના અધિકાર પણ રાઇટ ટુ પ્રાઇવસીના અધિકારમાં આવે છે. રાઇટ ટુ પ્રાઇવસીના અધિકારને મૂળભૂત અધિકાર તરીકે માન્યતા આપતા સુપ્રીમ કોર્ટે સંખ્યાબંધ અધિકારનો ઉલ્લેખ કર્યો છે. જેમાં ટેલીફોન ટેપિંગ, પર્સનલ ડેટાનું ઇન્ટરનેટ દ્વારા હેકિંગ પણ રાઇટ ટુ પ્રાઇવસીનો ભાગ છે. મૂળભૂત અધિકારોમાં સરકારની દરમિયાનગીરી કે પગલાં સામે બંધારણ રક્ષણ પૂરું પાડે છે.
જસ્ટીસ જે. ચેલેશ્વરમે કહ્યું હતું કે લોકોએ શું પહેરવું, શું ખાવું એ નક્કી કરવા જેવી બાબતોમાં સરકારે પડવું ન જોઈએ. કેમ કે શું ખાવું, કેમ રહેવું, શું પહેરવું એ કોઈ કહે તો કોઈ પણ વ્યક્તિને ન ગમે. રાઈટ ટુ પ્રાઈવસીના ચુકાદા સાથે જ સુપ્રીમ કોર્ટે આ સ્પષ્ટતા કરી હતી.
૪૪ પાનાંના પોતાના અલગ ચુકાદામાં જસ્ટીસ ચેલેમશ્વરે આ વાત નોંધી હતી. તેમણે કહ્યું હતું કે મહિલાને અધિકાર છે, તેણે માતા બનવું કે નહીં. એ રીતે લોકોની સામાજિક કે અંગત જિંદગીમાં સરકાર દખલ કરે તો એ ચલાવી શકાય નહીં. રાજ્ય જ્યારે પ્રજાના અંગત જીવનમાં દખલગીરી કરે છે ત્યારે રાઇટ ટુ પ્રાઇવસીનો પ્રશ્ન ઉદ્દભવે છે. અસાધ્ય રોગથી પીડાતી બીમાર વ્યક્તિને જિંદગીનો અંત આણવાની સ્વતંત્રતા પણ રાઇટ ટુ પ્રાઇવસીની બાબત છે. જોકે મુદ્દો સુપ્રીમકોર્ટ સમક્ષ નિર્ણય માટે હજુ પડતર પડયો છે.
જસ્ટીસ ચંદ્રચુડે બીજા ૩ જજો વતી લખેલા ચૂકાદામાં કહ્યું હતું કે રાઈટ ટુ પ્રાઈવસીનો ખ્યાલ સમજીને તેની જાળવણી કરવી જોઈએ. જેમ કે વ્યક્તિએ પોતાનું એચઆઈવી સ્ટેટસ જાહેર કરવું કે નહીં, બેંકના તેના કસ્ટમર સાથે સબંધોની વિગતો, બેંક એકાઉન્ટની વિગતો જાહેર કરવી કે નહીં.

