લંડનઃ યુકેમાં ચાર દાયકા કરતા વધુ સમયથી હિંદુ કોમ્યુનિટીના સેવક અને સાચા અર્થમાં ધર્મ રક્ષક રહેલા શ્રી સુદર્શન ભાટિયાનું નિધન થયું છે. તેમણે ઘણી સ્થાનિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓને સેવા આપી હતી. સાઉથોલનું વિશ્વ હિંદુ કેન્દ્ર (VHK) તેમના માટે બીજા ઘર જેવું હતું. તેના પ્રમુખ તરીકે તેમણે ૨૦ વર્ષ સુધી સેવા આપી હતી.
તેમણે ઘણાં સેમિનારો, યજ્ઞો, કથા તેમજ મોટાપાયે તહેવારોની ઉજવણી કરી હોવાથી હિંદુ યુવક અને યુવતીઓ માટે તેઓ પ્રેરણારૂપ હતા. VHK ખાતે વૈદિક જ્ઞાનના પ્રસાર માટે તેમણે ઘણાં સાધુ અને સાધ્વીઓને આમંત્રિત કર્યા હતા અને જ્ઞાન આપ્યું હતું. તેઓ શાંતિપૂર્વક શીખવાડનારા અને કાર્ય કરનારા સનાતની હતા.
સુદર્શનજીનો જન્મ ૧૯૪૯માં ભારતમાં થયો હતો અને તેઓ શિક્ષણ ક્ષેત્રે કારકિર્દી બનાવવા માટે ૧૯૭૯માં યુકે આવ્યા હતા. તેઓ એક સફળ બિઝમેસમેન બન્યા હતા. તેમણે યુકેમાં હિંદુઓ માટે માર્ગ મોકળો કરવા તેમના વ્યવસાયિક કૌશલ્યનો ઉપયોગ કર્યો હતો અને સાઉથોલમાં હિંદુ કોમ્યુનિટીના હૃદયમાં તેમણે સ્થાન મેળવ્યું હતું. તેમણે બે મોટી હિંદુ સંસ્થાઓ હિંદુ ફોરમ ઓફ યુરોપ અને નેશનલ કાઉન્સિલ ઓફ હિંદુ ટેમ્પલ્સના પ્રમુખ તરીકે સેવા આપી હતી.

