નવી દિલ્હીઃ ગુરમીત રામ રહીમ સિંહ પોતાને ‘મેસેન્જર ઓફ ગોડ’ તરીકે ઓળખાવે છે અને આ જ નામ પરથી તેણે બે ફિલ્મ પણ બનાવી છે. ફિલ્મમાં મુખ્ય અભિનેતા તરીકે તે સુપર પાવર ધરાવતી વ્યક્તિ તરીકે રજૂ થયો હતો, જે સમાજ અને દેશમાં પ્રવર્તતા દૂષણો અને દુશ્મનોનો ખાતમો બોલાવે છે. તેના દાવા પ્રમાણે ફિલ્મ લેખન, નિર્દેશન, સ્ટંટ, સિનેમેટોગ્રાફી જેવા તમામ પાસામાં તે હોલીવુડના કોઇ પણ નિષ્ણાત કરતાં કાબેલિયત ધરાવે છે.
તેણે ‘લવ ચાર્જર’ ટાઇટલ ધરાવતું મ્યુઝિક વીડિયો આલ્બમ પણ બહાર પાડ્યું હતું. બાબાએ તેની વગના જોરે આ આલ્બમને રિવ્યુ માટે અમેરિકાની ટીવી ચેનલના પ્રાઇમ ટાઇમમાં રજૂ થતા 'ટુ નાઇટ' શોમાં પહોંચાડ્યું હતું. જોકે આ ટીવી શોના હોસ્ટ જીમી ફાલને કોઇની સાડીબારી નહીં રાખતા આ મ્યુઝિક વીડિયોનો ઠેકડી ઉડાડતો રિવ્યુ કર્યો હતો. ફાલને રિવ્યુ આપતા કહ્યું હતુંઃ 'મસ્ટ નોટ હીયર મ્યુઝિક'. ન જ સાંભળવું જોઇએ તેવું સંગીત.
પાંચ કરોડથી વધુ અનુયાયીઓ ધરાવતા ૫૦ વર્ષીય રામ રહીમ ૨૦૧૪ પહેલાં પંજાબ અને હરિયાણામાં કોંગ્રેસની વોટ બેન્ક ગણાતા હતા. કોંગ્રેસે તેને પાળ્યા-પોષ્યા હતા. આ પછી ૨૦૧૪ની લોકસભાની ચૂંટણી પૂર્વે સમય પારખીને તેઓ ભાજપના સમર્થક બની ગયા. લોકસભાની ચૂંટણી વેળા પંજાબ-હરિયાણામાં તેના સમર્થકોને સંકેત પાઠવી દેવાયો હતો કે ગુરુજી ભાજપને સમર્થન આપી રહ્યા છે.
વિધાનસભાની ચૂંટણીમાં હરિયાણામાં ભાજપે બહુમતી મેળવી અને ખટ્ટરના નેતૃત્વમાં ભાજપ સરકાર રચાઇ તેમાં પણ રામ રહીમની કૃપાએ નિર્ણાયક ભૂમિકા ભજવ્યાનું જગજાહેર છે. બદલામાં ખટ્ટરે તેના હરિયાણાના સિરસા સ્થિત હેડ ક્વાર્ટર પર ચાર હાથે કૃપા સ્તરે વરસાવી હોવાનું મનાય છે. તેનું હેડ ક્વાર્ટર ૭૦૦ એકરમાં ફેલાયેલું છે.
રામ રહીમનો પ્રભાવ ઘટી રહ્યો હોવાનું પરિણામ એ આવ્યું કે ભાજપ-અકાલી દળે હાથ મિલાવ્યા હોવા છતાં પંજાબમાં કોંગ્રેસનું શાસન આવ્યું. જોકે પંજાબમાં ભાજપનો જે કંઇ પણ નોંધપાત્ર દેખાવ થયો છે તે રામ રહીમને આભારી છે. રામ રહીમની વોટબેંક અને અનુયાયીઓ હરિયાણામાં વ્યાપક છે. આથી જ હરિયાણાની ખટ્ટર સરકારે તેને વીવીઆઇપીઓને જ અપાતી ઝેડ પ્લસ સિક્યોરિટી આપી હતી અને રામ રહીમ બુલેટપ્રુફ કારમાં જ ફરતો હતો. ૨૦૦૭માં રામ રહીમે ગુરુ ગોવિંદ સિંહની નકલ કરતો ગેટઅપ ધારણ કરીને શીખ સમુદાયનો રોષ વહોરી લીધો હતો. જેના પગલે હિંસા ફાટી નીકળી હતી. ૨૦૦૮માં ખાલિસ્તાન લિબરેશન ફોર્સની ટુકડીએ તેના કાફલા પર હુમલો કર્યો હતો. આ બોંબ વિસ્ફોટ દરમિયાન એક કારમાં ધડાકા સાથે આગ ફાટી નીકળી હતી અને ૧૧ અનુયાયીઓ ઘાયલ થયા હતા.
૨૦૦૨માં તેના પર બે સાધ્વીઓએ બળાત્કારનો આરોપ મૂક્યો હતો. ૨૦૧૫માં રામ રહીમે તેના ૪૦૦ પુરુષ અનુયાયીઓની એમ કહીને નસબંધી કરાવી હતી કે આમ કરવાથી જ તેઓ પરમાત્માની પ્રાપ્તિ કરી શકે છે. ૨૦૦૨માં જે પત્રકારે રામ રહીમ સામે થયેલા બળાત્કારના આરોપનો પર્દાફાશ કર્યો હતો તેની રહસ્યમય રીતે હત્યા થઇ હતી. આ કેસમાં પણ ગુરમીત સામે કોર્ટ કાર્યવાહી થઇ હતી. આમ વિવાદ તેની સાથે વર્ષોથી જોડાયેલો જ રહ્યો છે. આ વર્ષે જ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડનવીસે રામ રહીમને વર્ષની સૌથી બહુમુખી પ્રતિભા ધરાવતી વ્યક્તિ તરીકેનો એવોર્ડ એનાયત કર્યો હતો.

