કુલભૂષણ કેસઃ ભારતનો વિજય ફાંસીની સજા સામે કાયમી સ્ટે

Wednesday 17th May 2017 06:06 EDT
 
ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસમાં સોમવારે જાધવ કેસની સુનાવણી દરમિયાન એટર્ની હરીશ સાલ્વે (ડાબે) સાથે ભારતીય અધિકારીઓ.
 

નવી દિલ્હી, હેગ (નેધરલેન્ડ)ઃ કુલભૂષણ જાધવના મામલામાં ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ (આઇસીજે)એ પોતાનો ચુકાદો આપી દીધો છે. આઇસીજેમાં ભારતની મોટી જીત મળી છે. આઇસીજેએ કહ્યું કે, કુલભૂષણ જાધવ મુદ્દે અંતિમ ચુકાદો ન આપે ત્યાં સુધી પાકિસ્તાન તેને ફાંસીની સજા આપી નહીં શકે. ત્રણ દિવસ પહેલા આંતરરાષ્ટ્રીય અદાલતે ભારત અને પાકિસ્તાનની દલીલો સાંભળી હતી.

આઇસીજેના પ્રેસિડેન્ટે ચુકાદો સંભળાવતા જણાવ્યું હતું કે કુલભૂષણ જાધવની ફાંસીની સજા કેસની અંતિમ સુનાવણી સુધી મુલત્વી રાખવાનો નિર્ણય બેન્ચના તમામ સભ્યોએ સર્વસંમતિથી લીધો છે. આંતરરાષ્ટ્રીય કોર્ટની ૧૧ જજીસની બેન્ચે પાકિસ્તાનની જેલમાં કેદ કુલભૂષણ જાધવની અટકાયત અંગે કહ્યું હતું કે તેની ધરપકડના મુદ્દે હજુ પણ વિવાદ છે.
આઇસીજેએ કહ્યું હતું કે ફાંસીની સજામાં માફીની અપીલ માટે પાકિસ્તાને ૧૫૦ દિવસની સમયમર્યાદા આપી છે તે ઓગસ્ટમાં પૂરી થઇ રહી છે. આના પરથી એવું લાગે છે કે ઓગસ્ટ બાદ ક્યારેય પણ તેને ફાંસી આપી શકાય છે.

આઇસીજેએ જણાવ્યું હતું કે, ભારત અને પાકિસ્તાન બંનેએ સ્વીકાર્યું છે કે કુલભૂષણ જાધવ ભારતીય નાગરિક છે. કોર્ટે કહ્યું હતું કે બંને દેશો વચ્ચે ૧૯૭૭થી વિયેના સંધિ અમલમાં છે. આ સંધિની જોગવાઈ મુજબ જાધવને કોન્સુલર એક્સેસ મળવા જોઈએ.

કોર્ટે વધુમાં જણાવ્યું હતું કે, પાકિસ્તાન સાબિત નથી કરી શક્યું કે કુલભૂષણ જાધવ જાસૂસ કે આતંકવાદી છે. હાલ કુલભૂષણ પાકિસ્તાનમાં છે અને પાકિસ્તાને તેને ફાંસીની સંભળાવી હોવાથી કુલભૂષણના જીવને જોખમ હોવાનું પણ આંતરરાષ્ટ્રીય કોર્ટે માન્યું હતું.

આંતરરાષ્ટ્રીય કોર્ટે કહ્યું હતું કે વિયેના સંધિની જોગવાઈ મુજબ જાધવને કોન્સુલર એક્સેસ મળવા જોઈએ. આંતરરાષ્ટ્રીય કોર્ટે ભારતીય સમય મુજબ બપોરે ૩-૩૦ કલાકે પોતાનો ચુકાદો સંભળાવ્યો હતો. ભારતે પોતાની દલીલોની રજૂઆત કરીને માગ કરી હતી કે જાધવની મોતની સજાને તાત્કાલિક રદ કરવામાં આવે. ભારતે આશંકા વ્યક્ત કરી હતી કે પાકિસ્તાન આઇસીજેમાં સુનાવણી પૂરી થાય તે પહેલા જ જાધવને ફાંસી આપી શકે છે.
જયારે આંતરરાષ્ટ્રીય કોર્ટે સુનાવણી શરૂ કરી તો ભારતે દમદાર રીતે પોતાની દલીલો રજૂ કરી હતી.
૪૬ વર્ષીય નૌસેનાના પૂર્વ અધિકારી કુલભૂષણ જાધવની ગત વર્ષે ત્રીજી માર્ચના રોજ ધરપકડ કરવામાં આવી હતી. પાકિસ્તાનની એક સૈન્ય અદાલતે તેમને જાસૂસી અને વિધ્વંસક ગતિવિધિઓના આરોપમાં મોતની સજા સંભળાવી હતી. ભારતે જાધવના મામલાને આઠ મેના રોજ આંતરરાષ્ટ્રીય અદાલતમાં રજૂ કર્યો હતો. ભારતે આરોપ લગાવ્યા હતા કે પાકિસ્તાન વિયેના સમજૂતીનો ઉલ્લંઘન કરી રહ્યું છે અને સબૂતો વિના દોષિત જાહેર કરવા માટે મુકદમો ચાલી રહ્યો છે.
અધિકાર ક્ષેત્રનો વિવાદ
આંતરરાષ્ટ્રીય કોર્ટે પાકિસ્તાનનો એ વિરોધ પણ ફગાવી દીધો હતો કે આ કેસ તેના અધિકારક્ષેત્રમાં આવતો નથી. અલબત્ત, કોર્ટે એમ પણ કહ્યું હતું કે આ મુદ્દે મતભેદ છે. કોર્ટે ભારત અને પાકિસ્તાનની સંધિઓનો સંદર્ભ આપતાં કહ્યું હતું કે ૧૯૭૭થી જ ભારત અને પાકિસ્તાન વિયેના સંધિનો એક ભાગ છે.
કુલભૂષણ જાધવના કેસમાં કોર્ટે કહ્યું હતું કે તેને (ભારતીય) કોન્સ્યુલરની મદદ મળવી જોઇએ.

ઉલ્લેખનીય છે કે બંને પડોશી દેશ ૧૮ વર્ષ અગાઉ આઈસીજેમાં આમનેસામને હતા. તે સમયે ઈસ્લામાબાદે તેમના એક નૌસૈનિક વિમાનને ઉડાવી દેવાના મામલે આંતરરાષ્ટ્રીય કોર્ટને મધ્યસ્થી કરવાની અનુરોધ કર્યો હતો.

ભારતનું પલડું ભારે, પાક.ને પછડાટ

પાકિસ્તાની લશ્કરી કોર્ટ દ્વારા મૃત્યુદંડની સજા પામેલા ભારતીય કુલભૂષણ જાધવના કેસ મામલે ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ (આઇસીજે)માં સોમવારે યોજાયેલી સુનાવણીમાં ભારતનો હાથ ઉપર રહ્યો છે. કોર્ટે આ કેસમાં પાકિસ્તાનનો પુરાવો પણ રેકોર્ડ પર લેવાનો ઇનકાર કર્યો હતો. ભારત અને પાકિસ્તાને કોર્ટ સમક્ષ દલીલો રજૂ કરી દીધી છે અને હવે સહુની નજર ચુકાદા પર છે.
આંતરરાષ્ટ્રીય કાનૂનવિદોના મતે સુનાવણી બાદ આ કેસમાં ભારતનું પલડું ભારે છે. આઇસીજેમાં ભારતનું પ્રતિનિધિત્વ વરિષ્ઠ કાનૂનવિદ્ હરીશ સાલ્વેએ કર્યું હતું. તેમણે વિગતવાર દલીલો કરતાં આ કેસમાં પાકિસ્તાને માનવ અધિકારોનો સરેઆમ ભંગ કર્યો હોવાનું જણાવ્યું હતું.
આઇસીજેમાં ૧૧ જજની બેન્ચ સમક્ષ કેસની સુનાવણી થઇ હતી. જસ્ટિસ અબ્રાહમે ભારત અને પાકિસ્તાનને દલીલ માટે ૯૦ મિનિટનો સમય આપ્યો હતો. સાલ્વેની સાથે વિદેશ મંત્રાલયના જોઇન્ટ સેક્રેટરી દીપક મિત્તલ, જોઇન્ટ સેક્રેટરી વી. ડી. શર્મા, નેધરલેન્ડ સ્થિત ભારતીય દૂતાવાસના ફર્સ્ટ સેક્રેટરી કાજલ ભટ્ટ વગેરે હાજર રહ્યા હતા.
ભારતે જણાવ્યું હતું કે, પાકિસ્તાને જાધવને જાસૂસ ગણીને ફરમાવેલી ફાંસીની સજાને તાત્કાલિક રદબાતલ કરાય. બંને દેશ વચ્ચે સ્થિતિ ગંભીર છે અને અમને આશંકા છે કે આંતરરાષ્ટ્રીય અદાલતનો ચુકાદો આવતાં પહેલાં જ પાકિસ્તાન કુલભૂષણ જાધવને ફાંસી આપી દેશે.
ભારત તરફથી હેગ ખાતેની આંતરરાષ્ટ્રીય અદાલતમાં દલીલ કરતાં એટર્ની સાલ્વેએ જણાવ્યું હતું કે, મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને જ અહીં અરજી કરાઈ છે. બીજી તરફ પાકિસ્તાને ભારતની દલીલને ખોટી ગણાવી હતી. પાકિસ્તાને જણાવ્યું હતું કે જાધવે કબૂલ્યું છે કે તે પાકિસ્તાનમાં હિંસા ફેલાવવા આવ્યો હતો. દેશની સુરક્ષા સાથે પાકિસ્તાન બાંધછોડ કરી શકે નહીં. આંતરરાષ્ટ્રીય અદાલત કોઈ દેશની આંતરિક સુરક્ષાના મામલે હસ્તક્ષેપ કરી શકે નહીં.
ઉલ્લેખનીય છે કે ભારત સરકાર કુલભૂષણ મામલે આઇસીજેમાં પહોંચી જતાં ઊંઘતું ઝડપાયેલું પાકિસ્તાન કેસના સમર્થનમાં કોઇ નક્કર પુરાવા આપી શક્યું નથી. કુલભૂષણની કથિત કબૂલાતના વીડિયોને પાકિસ્તાન અત્યાર સુધી સૌથી મહત્ત્વનો પુરાવો ગણાવતું રહ્યું છે. આથી જ તેણે સુનાવણી દરમિયાન આ પુરાવાને કોર્ટમાં રજૂ કરવા આઇસીજે પાસે મંજૂરી માંગી હતી. જોકે કોર્ટે તેને નકારી દીધી હતી.

પાકિસ્તાનનો આદેશ રદ કરોઃ હરીશ સાલ્વે

સાલ્વેએ જણાવ્યું કે, પાકિસ્તાને એકાએક ભારતીય નાગરિક જાધવની ધરપકડ કરી હતી. પાકિસ્તાની લશ્કરી કોર્ટે તેને જાતે જ જાસૂસ જાહેર કરીને ફાંસીની સજા સંભળાવી દીધી છે. પાકિસ્તાની લશ્કર જાણે પોતે જ સરકાર હોય અને દેશ ચલાવતું હોય તેમ વર્તન કરી રહ્યું છે. પાકિસ્તાને જે નિર્ણય લીધો છે તે હ્યુમન રાઇટ્સ અને ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસની વિરુદ્ધ છે. પાકિસ્તાન આ રીતે વિયેના સંધિનો ભંગ કરી રહ્યું છે. પાકિસ્તાને જાધવના સ્વાસ્થ્ય અંગે પણ કશું જણાવ્યું નથી. તેને વકીલ રાખવાની મનાઈ ફરમાવાઇ હતી. આજદીન સુધી તેને કોન્સ્યુલર એક્સેસ માટે પરવાનગી અપાઇ નથી. પાકિસ્તાનની સૈન્ય કોર્ટ આ માટે મનાઇ ફરમાવી રહી છે, જે અયોગ્ય છે. સાલ્વેએ વધુ જણાવ્યં હતું કે, પાકિસ્તાનના ઈરાદા ઉપર અમને વિશ્વાસ નથી. અમને સતત લાગે છે કે, આંતરરાષ્ટ્રીય અદાલતમાં સુનાવણી પૂરી થયા પહેલાં પાકિસ્તાન જાધવને ફાંસીએ લટકાવી દેશે.
સાલ્વેએ જણાવ્યું હતું કે પાકિસ્તાન દ્વારા જે રેકોર્ડેડ ટેપ રજૂ કરાઇ છે તે ખોટી છે, તેની સાથે ચેડાં કરાયા છે. ફોરેન્સિક તપાસમાં પાકિસ્તાનના તમામ જુઠ્ઠાણાં ખુલ્લાં પડી ગયા છે. ભારત આઇસીજેને અરજ કરે છે કે તેઓ પાકિસ્તાન દ્વારા તકનો લાભ લેવા માટે અપાયેલો નિર્ણય રદ કરે. સાલ્વેએ પાકિસ્તાનની ઝાટકણી કાઢતાં જણાવ્યું કે, પાકિસ્તાને હજી સુધી આંતરરાષ્ટ્રીય સ્તરે પુરાવા આપ્યા નથી. પુરાવા હોય તો આપો નહીં તો વાસ્તવિકતા શું છે તે જણાવો.

ભારતની દલીલ સદંતર ખોટીઃ પાકિસ્તાન

પાકિસ્તાને કોર્ટને જણાવ્યું હતું કે ભારત ખોટી દલીલ કરે છે કે અમે જાધવને સામાન્ય કાર્યવાહી પૂરી કરીને ફાંસીની સજા સંભળાવી દીધી. અમે યોગ્ય કાયદાકીય કામગીરી કરીને જ જાધવને ફાંસીની સજા સંભળાવી છે. તે ઉપરાંત જાધવને દયાઅરજી માટે ૧૫૦ દિવસની મુદત આપી છે, તેની પાસે ઓગસ્ટ સુધીનો સમય છે. પાકિસ્તાન તરફથી મોહમ્મદ ફૈઝલે જણાવ્યું કે ભારતે કોર્ટને પોલિટિકલ થિયેટર બનાવી દીધી છે. જાધવે ધરપકડ બાદ જાતે જ કબૂલ્યું છે કે, તેને ભારતે મોકલ્યો હતો. તે પાકિસ્તાનમાં નિર્દોષોની હત્યા માટે અને હિંસા ફેલાવવા આવ્યો હતો. અમે તેની પાસેથી નકલી પાસપોર્ટ જપ્ત કર્યો હતો. તેના ઉપર તેણે મુસ્લિમ નામ ધારણ કરેલું બતાવ્યું હતું. પાકિસ્તાને આઇસીજેને જણાવ્યું કે અમારી પાસે નક્કર પુરાવા છે. જોકે પાકિસ્તાને વીડિયો અને અન્ય પુરાવા રજૂ કરવા મંજૂરી માગતા કોર્ટે માગ ફગાવી હતી.

ભારતની મુત્સદ્દીગીરી, પાકિસ્તાન ઊંઘતું ઝડપાયું

જાધવને ફાંસીની સજા સામે આઇસીજેએ સ્ટે ફરમાવતાં પાકિસ્તાન ઊંઘતું ઝડપાયું હતું. ભારતની આ ચાલથી પાકિસ્તાનને રાજદ્વારી મામલે ધોબીપછાડ ખાવી પડી છે.
ભારતનાં વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે જાધવ માટે ૧૬ વખત કોન્સ્યુલર એક્સેસ આપવા પાકિસ્તાનને વિનંતી કરાઈ હતી પણ તેના દ્વારા સતત ઈનકાર કરાયો હતો. પાકિસ્તાને જાધવના પરિવારને વિઝા આપવાનો પણ ઈન્કાર કર્યો હતો. આમ જાધવનો જીવ જોખમમાં હોવાથી ભારતને આખરે આંતરરાષ્ટ્રીય કોર્ટમાં જવાની ફરજ પડી છે.
જ્યારે પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાને લૂલો બચાવ કરતાં કહ્યું કે ભારત આ મામલે આઇસીજેમાં જઇને લોકોનું ધ્યાન બીજે ભટકાવા માગે છે. ભારત આ પગલાં દ્વારા પાકિસ્તાનમાં તેના દ્વારા આચરાતી આતંકી પ્રવૃત્તિથી લોકોનું ધ્યાન બીજે વાળવા માગે છે. આઇસીજે દ્વારા સ્ટે આપવાના નિર્ણયને પાકિસ્તાનને પોતાની આંતરિક બાબતમાં દખલસમાન ગણાવ્યો હતો. સાથોસાથ તેણે દાવો કર્યો હતો કે આઇસીજેએ લક્ષ્મણ રેખા ઓળંગી છે.


comments powered by Disqus