ભારતમાં લોકોને સલાહ: એક-બે દિવસ એટીએમ - નેટબેન્કિંગ ટાળો

Wednesday 17th May 2017 06:25 EDT
 
 

નવી દિલ્હીઃ રેનસમવેર વાઈરસ એટેકને ધ્યાનમાં રાખીને ભારતની અડધો ડઝનથી વધુ બેન્કોએ એટીએમ સિસ્ટમ ડાઉન કરી દીધી હતી. જોકે અફરાતફરીથી બચવા માટે બેન્કોના નામ જાહેર કરવામાં આવ્યા નથી. બેન્કોએ લોકોને સલાહ આપી છે કે જો શક્ય હોય તો એક-બે દિવસ એટીએમ અને નેટ બેન્કિંગના ઉપયોગને ટાળો.
બીજી તરફ રેનસમવેર એટેકને પહોંચી વળવા માટે સરકારે યુદ્ધના ધોરણે પગલાં ભર્યા છે. જેવી આશંકા હતી તેવા કોઈ ભારે હુમલા સોમવારે એવા કોઇ ભારે હુમલા થયા નથી. કેરળ, મહારાષ્ટ્ર અને આંધ્ર પ્રદેશમાં અમુક મામલા બહાર આવ્યા છે.
માહિતી ટેક્નોલોજી મંત્રાલયની કમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ સર્ટ-ઇનએ બધા સરકારી મંત્રાલયો અને વિભાગોને સુરક્ષા સિસ્ટમ અપગ્રેડ કરવાનું કહ્યું છે.
આ સાથે જ ભારતીય રિઝર્વ બેન્ક, પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, સંરક્ષણ મંત્રાલય, નાણા મંત્રાલય, ભાભા પરમાણુ કેન્દ્ર, ભાખરા નંગલ ડેમ સહિત બધા સંવેદનશીલ અને સુરક્ષાની દૃષ્ટિએ મહત્વની સંસ્થાઓને પણ એલર્ટ કરવામાં આવ્યા છે. દુનિયાના ૧૫૦થી વધુ દેશોમાં બે લાખ કમ્પ્યુટર્સ પર બળજબરીથી વસૂલાત માટે ભારે સંખ્યામાં રેન્સમવેર એટેકના મામલા સામે આવ્યા છે.

સરકારી વિભાગોની ૫૦ લાખ સિસ્ટમ અપગ્રેડ

સરકારે બધા મહત્વનાં મંત્રાલયો, વિભાગોના વરિષ્ઠ અધિકારીઓના કમ્પ્યુટરને સાઇબર હુમલાને પહોંચી વાળવાની દૃષ્ટિએ અપગ્રેડ કર્યા છે. આશરે ૫૦ લાખ સિસ્ટમને નેશનલ ઇન્ફોર્મેટિક સેન્ટરે અપગ્રેડ કરી છે. સાથે માહિતી ટેક્નોલોજી મંત્રાલયે વૈશ્વિક સાઇબર હુમલા પ્રત્યે લોકોને જાગૃત કરવા માટે એક વેબ આધારિક કાર્યક્રમ પણ ચલાવ્યો છે. કાર્યક્રમમાં લાખો લોકોએ ભાગ લીધો.
એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે માહિતી ટેક્નોલોજી પ્રધાન રવિશંકર પ્રસાદના ફેસબુક એકાઉન્ટ પર પણ વેબનારના વીડિયો નાખવામાં આવી રહ્યા છે.

કેરળમાં બે ગ્રામ પંચાયતો પર એટેક

કેરળમાં તરિયોડ પંચાયત અને અરુવાપુલમ પંચાયત કાર્યાલયોમાં સોમવારે કામકાજ શરૂ થતા કમ્પ્યુટર્સ પર વાઇરસ હુમલાની ખબર પડી. ખંડણીમાં ૩૦૦ ડોલર બિટકોઇન માગવામાં આવ્યા. અગાઉ, આંધ્ર પોલીસ અને મહારાષ્ટ્ર પોલીસની સિસ્ટમ પણ વાઇરસની અસર થઇ.


comments powered by Disqus