હવે ‘ડાન્સિંગ હિલેરી' અને 'પોસ્ટકાર્ડ ફ્રોમ હોલમાર્ક'નો ખતરો

Wednesday 17th May 2017 06:27 EDT
 
 

નવી દિલ્હીઃ દુનિયાભરમાં રેન્સમવેર વાયરસના કારણે હાહાકાર મચી ગયો છે. લગભગ ૧૫૦ દેશો આ વાયરસથી પ્રભાવિત થયા હોવાનું મનાય છે. દરમિયાન આ વાયરસને પગલે ‘ડાન્સિંગ હિલેરી’ અને ‘પોસ્ટકાર્ડ ફ્રોમ હોલમાર્ક’ જેવા વાયરસનો પણ ખતરો કરોડો યુઝર્સ ઉપર મંડરાઈ રહ્યો છે.
એક ઓટો જનરેટ મેઈલ કેટલાક ઈ-મેઈલ એડ્રેસમાં આવી શકે છે, જેમાં લખેલુ હોય છે: પોસ્ટકાર્ડ ફ્રોમ હોલમાર્ક. હોલમાર્ક કંપનીએ કોઈ ગ્રીટિંગ કાર્ડ મોકલ્યું હશે એમ સમજીને જો એના પર ક્લિક કરીએ કે તરત જ એ કમ્પ્યુટરની સાથે જેટલી પણ સિસ્ટમ જોડાયેલી હોય એ તમામનો ડેટા ગુમ થઈ જતો હોવાની ચેતવણી વહેતી
થઈ છે.
સાથે સાથે એક બીજો વાયરસ પણ આવ્યો છે, જેનું નામ છે ‘ડાન્સિંગ હિલેરી’. વીડિયો કે જીઆઈએફ ફાઈલના સ્વરૂપે રહેલો આ વાયરસ એવો છે કે ઉપરથી કોઈ વીડિયો હોવાનું લાગે, પણ તેના પર ક્લિક થાય એ સાથે જ એ વાયરસ એક્ટિવ થઈ જાય છે અને તે પણ તમામ ડેટા ગુમ કરી દેતો હોવાની અફવાએ જોર પકડયું હતું.
સોશિયલ મીડિયા પર આ બંને વાયરસ અંગે વિવિધ વાતો શેર થતી હોવાથી નિષ્ણાતોએ સાવચેત રહેવાનું સૂચન કર્યું છે. શક્ય હોય તો ઓનલાઈન ટ્રાન્ઝેક્શન્સ ન કરવાની સલાહ અપાઈ છે અને અજાણ્યા ઈ-મેઈલ અથવા જરૂરી ન હોય એવી વીડિયો-જીઆઈએફ ફાઈલ ન ઓપન કરવાની સલાહ અપાઈ હતી.
આ વાયરસના કારણે લોકોમાં દહેશત ફેલાઈ છે. લોકોએ સિસ્ટમ અપડેટ કરવાની, નવા એન્ટિ વાયરસ સોફ્ટવેર અપડેટ કરવાની અને સિસ્ટમમાં રહેલા ડેટાના સુરક્ષિત રીતે હાર્ડ ડ્રાઈવ કે પેનડ્રાઈવમાં લેવાના વ્યાપક સૂચનો સાયબર સિક્યુરિટી નિષ્ણાતોએ આપી છે.


comments powered by Disqus