ઉદારમના બિઝનેસમેન સર એન્ડી ચંદેનું નિધન

Wednesday 19th April 2017 10:27 EDT
 
 

નાઈરોબી, લંડનઃ અગ્રણી બિઝનેસમેન અને પરોપકારી શ્રી જયંતીલાલ કેશવજી ચંદેનું ગુરુવાર, ૬ એપ્રિલ, ૨૦૧૬ના રોજ કેન્યાની રાજધાની ખાતે ૮૮ વર્ષની વયે અવસાન થયું હતું. ‘સર એન્ડી ચંદે’ના લોકપ્રિય નામથી જાણીતા શ્રી જયંતીલાલ ચંદેનો જન્મ ૭ મે ૧૯૨૮ના રોજ કેન્યાના મોમ્બાસા ખાતે થયો હતો. તેમના માતાપિતાએ ભારતથી આફ્રિકામાં સ્થળાંતર કર્યું હતું. તેમને ઓગસ્ટ ૨૯ ૨૦૦૩ના દિવસે માનદ નાઈટ કમાન્ડર ઓફ ધ મોસ્ટ એક્સેલન્ટ ઓર્ડર ઓફ બ્રિટિશ એમ્પાયર સન્માનની નવાજેશ કરાઈ હતી, જે ટાન્ઝાનિયાના નાગરિકને અપાયેલું સર્વ પ્રથમ સન્માન હતું. ટાન્ઝાનિયાના પૂર્વ પ્રેસિડેન્ટ બેન્જામિન મ્કાપાએ શોકસંદેશામાં આઘાત વ્યક્ત કરી દિલસોજી પાઠવી હતી.
સર એન્ડી ચંદેની અંતિમવિધિ દારેસલામના કિજિટોન્યામા હિન્દુ ક્રીમેટોરિયમ ખાતે કરવામાં આવી હતી. હિન્દુ પ્રાર્થના અને શ્લોકોના ઉચ્ચાર સાથે તેમના માસાકી નિવાસેથી મૃતદેહને ક્રીમેટોરિયમ લઈ જવાયો હતો. આ સમયે ટાન્ઝાનિયામાં યુએસએ, બ્રિટન અને કેનેડાના વિવિધ રાજદ્વારીઓ સહિત સેંકડો લોકો ઉપસ્થિત રહ્યા હતા. તેઓ પત્ની અને યુગાન્ડાના પ્રસિદ્ધ ઉદ્યોગપતિ મૂળજીભાઈ માધવાણીના પુત્રી જયાલક્ષ્મી માધવાણી અને ત્રણ પુત્રો અને ત્રણ ગ્રાન્ડચીલ્ડ્રન સહિતના પરિવારને વિલાપ કરતો મૂકી ગયા છે.
પૂર્વ પ્રેસિડેન્ટ મ્કાપાએ શોકસંદેશામાં સર એન્ડીને ટાન્ઝાનિયાના મહાન અને વફાદાર નાગરિક ગણાવી દેશના અર્થતંત્રના વિકાસમાં તેમના બિઝનેસ કૌશલ્ય અને જ્ઞાનના અનન્ય પ્રદાનની પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે સર ચંદેએ બુરુગુનીમાં સ્કૂલ ઓફ ડેફમાં અને સામાજિક સેવાઓમાં સમય સમર્પિત કર્યો હતો. તેમણે TANU અને સરકારી અખબારો માટે સર ચંદેએ પૂર્વગ્રહ વિના આપેલી સલાહને પણ યાદ કરી હતી. સર ચંદે અવસાન સમયે બોર્ડ ઓફ ગવર્નર્સ ઓફ શાબાન રોબર્ટ સેકન્ડરી સ્કૂલના ચેરમેન અને દારે સલામ સેકન્ડરી એજ્યુકેશન સોસાયટીના પ્રેસિડેન્ટ હતા. સર ચંદેને ૨૦૦૩માં NRI ઈન્સ્ટિટ્યૂટ ઓફ લંડન દ્વારા ‘Pride of Indian Gold Award’ તેમજ પૂર્વ ભારતીય વડા પ્રધાન આઈ.કે. ગુજરાલના હસ્તે ‘હિંદ રત્ન’ એવોર્ડ એનાયત કરાયો હતો. આ ઉપરાંત, તેમને ૨૦૦૩માં ઈન્ટરનેશનલ કોંગ્રેસ ઓફ નોન-રેસિડેન્ટ ઈન્ડિયન્સ દ્વારા ‘નોન-રેસિડેન્ટ ઈન્ડિયન ઓફ ધ યર’ જાહેર કરવામાં આવ્યા હતા.
તેમણે તાનેસ્કો, નેશનલ મિલિંગ કોર્પોરેશન, ઈસ્ટ આફ્રિકન સ્ટાન્ડર્ડ ન્યૂઝપેપર (ડેઈલી ન્યૂઝના પ્રકાશક ટાન્ઝાનિયા સ્ટાન્ડર્ડ ન્યૂઝપેપર્સ), ટાન્ઝાનિયા રેલવેઝ કોર્પોરેશન, ટાન્ઝાનિયા હાર્બર્સ ઓથોરિટી, એર ટાન્ઝાનિયા કોર્પોરેશન, નેશનલ બેન્ક ઓફ કોમર્સ અને બાર્કલેઝ બેન્ક સહિત વિવિધ કંપની બોર્ડ્સના ચેરમેન તરીકે સેવા આપી હતી. તેઓ ફ્રીમેસન્સના પૂર્વ ડિસ્ટ્રિક્ટ ગ્રાન્ડ માસ્ટર ઓફ ઈસ્ટ આફ્રિકા (કેન્યા, યુગાન્ડા, ટાન્ઝાનિયા અને સેશેલ્સ)નું સ્થાન પણ શોભાવ્યું હતું.
સર ચંદે ‘એશિયન વોઈસ’ની સ્થાપના સમયથી જ તેની સાથે સંકળાયેલા હતા. સાંપ્રત બાબતો વિશે તેમના નિયમિત લખાણો અને વિચારોને વાચકોએ માણ્યા હતા. સર ચંદેનું નિધન અમારા માટે અંગત ખોટ સમાન છે. સર ચંદેના વચેટ પુત્ર અનુજ ચંદેએ જણાવ્યું હતું કે પરિવારને પિતા માટે ભારે ગૌરવ છે, જેઓ સમગ્ર દેશ માટે સન્માનીય વારસો મૂકી ગયા છે અને તેમણે સંખ્યાબંધ લોકોને પ્રેરણા પૂરી પાડી હતી. તેમણે કહ્યું હતું કે,‘પરિવાર અને ખાસ કરીને મારી માતા માટે આ ખોટ પૂરી શકાય તેવી નથી. પરંતુ તેઓ અમારા હૃદયમાં જે મૂકતા ગયા છે તેને અમે આગળ ધપાવીશું.’


comments powered by Disqus