સુરતઃ તાપી જિલ્લાના બાજીપુરા ખાતે ખેડૂતો, પશુપાલકો અને આદિવાસીઓેની વિશાળ જાહેરસભાને સંબોધતા વડા પ્રધાને જણાવ્યું હતું કે દેશમાં ૭૦-૭૦ વર્ષ સુધી જુદી જુદી સરકારો ચાલી, પરંતુ આજેય અનેક રાજ્યોમાં ગરીબ લોકો સરકાર પાસે શું માગે છે? અનેક રાજ્યો એવા છે કે જે સરકાર પાસે હેન્ડપંપ માગે છે એક હેન્ડપંપ લગાવી દો તો ત્રણ-ચાર ચૂંટણી જીતી જવાય છે. જોકે ગુજરાતે વિકાસનું નવું મોડલ દેશ સમક્ષ મૂક્યું છે. ગુજરાતના લોકો હેન્ડપંપ નહીં, ફોરલેન (હાઇ વે) માગે છે. ગતિશીલ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ રાજ્યને હેન્ડપંપ મુક્ત બનાવવાનું વચન આપ્યું છે. બહેનોના રસોડા સુધી પાઇનલાઇનથી પાણી પહોંચાડવા માટે રાજ્ય સરકાર આગળ વધી રહી છે. રસોડામાં ચકલી ખોલોને પાણી આવે તે દિવસો દૂર નથી.
વડા પ્રધાને બાજીપુરામાં સુમુલ દાણ ફેકટરી, આઇસક્રીમ પ્લાન્ટ, મધ પ્લાન્ટ સહિતની વિવિધ યોજનાઓનું લોકાર્પણ કર્યું હતું. રાજ્ય સરકારના પાણી પુરવઠા બોર્ડની રૂ. ૯૫૮ કરોડની સિંચાઇ યોજનાનું ખાતમુહૂર્ત તથા રૂ. ૪૪૦ કરોડની પીવાના પાણીની યોજનાનું લોકાર્પણ કરાયું હતું.
ટેકાના ભાવે કઠોળ ખરીદવાની સમયમર્યાદા એક સપ્તાહ લંબાવવાની જાહેરાત પણ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કરી છે. તેમણે કહ્યું હતું કે અસંખ્ય ખેડૂતોની રજૂઆતને ધ્યાને લઇ ભારત સરકારે દેશના ખેડૂતો પાસેથી ટેકાના ભાવે કઠોળ ખરીદવાની સમયમર્યાદા એક સપ્તાહ લંબાવી છે. દાળના ભાવો અમને વારસામાં મળ્યા હતા. એ સમયે મેં દેશના ખેડૂતોને વિનંતી કરી હતી કે તમારે જે પાકો લેવા હોય તે લો, પરંતુ વચ્ચે કઠોળ પણ વાવો. મારી વિનંતીને માન આપી ખેડૂતો કઠોળનું વાવેતર કરતા આજે દેશમાં કઠોળનું વિક્રમસર્જક ઉત્પાદન થયું છે. લોકોને સસ્તી દાળ મળતી થઇ ગઇ છે.

