સુરત, બોટાદ, સેલવાસઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના તેમના બે દિવસના પ્રવાસ દરમિયાન એક દોરે અનેક મોતી પરોવવાની કળા આબાદ રીતે દર્શાવી ભાજપ માટે વિધાનસભા ચૂંટણીમાં વિજયની વરમાળા ગૂંથવાનું શરૂ કરી દીધું છે. સુરતમાં ઐતિહાસિક રોડ શો અને પાટીદાર સમુદાયના શ્રેષ્ઠીઓએ કરોડો રૂપિયાનાં દાન થકી ઊભી કરેલી હોસ્પિટલના લોકાર્પણ સાથે રાજ્યમાં રાજકીય અને સામાજિક રીતે સૌથી પાવરફૂલ પાટીદાર સમુદાયને પ્રેમવશ કર્યો છે. સૌરાષ્ટ્રની ડઝનબંધ બેઠકો પર સુરતના પાટીદારોનો રાજીપો સીધી અસર કરતો હોય છે.
મોદીએ સુરત સાથે જ સૌરાષ્ટ્રને પણ ‘સૌની’ (સૌરાષ્ટ્ર-નર્મદા અવતરણ ઇરિગેશન) યોજના દ્વારા સર કર્યું છે. આ સાથે સુમુલ ડેરી અને સેલવાસના કાર્યક્રમો દ્વારા દક્ષિણ ગુજરાતના ગ્રામ્ય વિસ્તારો અને ખાસ કરીને આદિવાસી પટ્ટાના લોકો સાથે પણ તાદાત્મ્યને વધુ મજબૂત બનાવ્યું છે. રાજ્યમાં કૃષિ મહોત્સવ શરૂ થાય એ પહેલાં જ પાટીદારો, આદિવાસીઓ અને સૌરાષ્ટ્રવાસીઓ વચ્ચે વડા પ્રધાને કરેલી આ રાજકીય વાવણીને લાભકારક લણણીમાં ફેરવવાની કવાયત ભાજપના વ્યૂહબાજોએ આરંભી છે.
સોમવારે વડા પ્રધાને સુરતમાં કતારગામ ખાતે સમસ્ત પાટીદાર સ્વાસ્થ્ય ટ્રસ્ટ દ્વારા રૂ. ૫૦૦ કરોડના ખર્ચે તૈયાર થયેલી કિરણ મલ્ટી-સ્પેશ્યાલિટી હોસ્પિટલનું લોકાર્પણ કર્યું હતું. આ ટ્રસ્ટમાં ડાયમંડ, સિલ્ક, બિલ્ડીંગ કન્સ્ટ્રક્શન સાથે સંકળાયેલા પાટીદારોનો સિંહ ફાળો છે અને તેમનો પ્રભાવ સુરત ઉપરાંત સૌરાષ્ટ્રના સામાજિક, આર્થિક અને રાજકીય વ્યવસ્થા પર સારો એવો છે.
પાટીદારોની નારાજગી અને આંદોલનમાં ક્યાંથી દોરીસંચાર થતો હતો તેની પણ વિગતો જગજાહેર છે. આથી તેમને હવે ભાજપ તરફ વાળવા માટે વડા પ્રધાને પોતાની રીતે પ્રયાસ કર્યો હતો. કિરણ હોસ્પિટલ સંકુલમાં ઉપસ્થિત પાટીદાર સમુદાયને તેમણે પોતાની શૈલીથી સંબોધિત કર્યા હતા.
‘પદથી કોઇ વ્યક્તિ મોટો હોતો નથી, લોકોનો પ્રેમ મોટો હોય છે,’ તેમ કહી વડા પ્રધાને ઉમેર્યું કે, ‘મથુર સવાણી એ મારા પાટીદાર મિત્ર છે. પાટીદાર પરિવારોમાં હું મોટો થયો છું. એમની માતાના હાથના રોટલા ખાધા છે અને એમને મેં મોટા થતાં જોયા છે. સુરતના લોકોમાં મેં ગઇકાલે પ્રેમ જોયો. એક પોતીકાપણું, પરિવારની ભાવના મને થઇ છે. એટલું જ નહીં, મને રાત્રે ફોન આવ્યા કે ખિચડી મોકલાવું, રોટલા મોકલાવું. આજે તો એક પરિવારે મને ભાવતી જાડી ભાખરી જ નાસ્તા માટે મોકલી આપી. આ પરિવાર ભાવના જ મારા માટે જીવનનું અમૂલ્ય સૌભાગ્ય છે. દરેક પરિવાર મારા માટે ચિંતા કરે છે એ મારા માટે આનાથી જીવનમાં કોઇ મોટું સૌભાગ્ય નથી. જીવનમાં માણસ મોટો નહીં તેનો પ્રેમ મહત્વનો છે. જે આપે આપ્યો છે તે માટે હું આભારી રહીશ.’
વડા પ્રધાન આ પછી અન્ય એક પાટીદાર અગ્રણી એવા હરિકૃષ્ણ એક્સપોર્ટસના સવજીભાઇ ધોળકીયાના ડાયમંડ એકમના લોકાર્પણ કાર્યક્રમમાં ગયા હતા. અહીં તેમણે ‘હું સુરતના ડાયમન્ડ ઉદ્યોગ માટે ઇઝરાયલ જવાનો છું’ એમ કહી ડાયમંડ ઉદ્યોગ સાથે સંકળાયેલા પાટીદારોને ચોક્કસ મેસેજ આપ્યો હતો. આ પછી તેમણે વિશાળ સંકુલમાં ઉપસ્થિત હીરાઘસુઓ અને પરિવારજનોની વચ્ચે ખુલ્લી મોટરકારમાં ફરી અભિવાદન ઝીલ્યું હતું. આ બન્ને પાટીદાર સમુદાયના સમારંભમાં રાજ્યના આગેવાનો ઉપરાંત પૂર્વ મુખ્ય પ્રધાન આનંદીબહેન પટેલ પણ સતત ઉપસ્થિત રહ્યાં હતાં.
વડા પ્રધાન સુરતથી સીધા તાપી જિલ્લાના વ્યારા તાલુકાના બાજીપુરા ખાતે સુમુલ ડેરીના પશુદાણ, આઇસ્ક્રીમ, ગીર અમૃતમ્ દૂધ, મિલ્ક પાવડર અને બેકરી પ્રોડક્ટના રૂ. ૪૦૦ કરોડના ખર્ચે તૈયાર થયેલા પ્લાન્ટ્સનું લોકાર્પણ કરવા પહોંચ્યા હતા. અહીં વ્યારા, વલસાડ, નવસારી અને સુરત જિલ્લાના લગભગ ત્રણેક લાખ આદિવાસી સમાજના લોકોને મોદીએ સંબોધન કર્યું હતું. આમ, વડા પ્રધાનના આ ત્રણ કાર્યક્રમથી જ દક્ષિણ ગુજરાતની ૩૬ બેઠકો પર ભાજપ માટેની સ્થિતિમાં ઘણું પરિવર્તન આવે તેવી ગણતરી મુકાઇ છે.
પાટીદાર આંદોલનથી સુરત શહેરની જ ૧૨ બેઠકો પૈકી અડધોઅડધ બેઠક પર જોખમ ગણાતું હતું તે સ્થિતિ ખાસ્સી સુધરશે એવું ભાજપ માને છે. હાલ ૩૬માંથી ૨૯ બેઠક ભાજપ પાસે છે તેમાં હવે ભાજપ આદિવાસી વિસ્તારમાં યાત્રા યોજ્યા પછી વડા પ્રધાનના કાર્યક્રમથી સ્થિતિ ખાસ્સી સુધરશે એવી ગણતરી મુકાઇ રહી છે.
• ‘લોકનાયક’ મોદીને સત્કારવા મહેરામણ ઉમટ્યોઃ લોકનાયક મોદીનું રવિવારે સુરતમાં અદ્ભુત, અદ્વિતીય અને અવિસ્મરણીય સ્વાગત કરાયું હતું. તેમને સત્કારવા ગૌરવપથ ઉપર માનવ મહેરામણ ઉમટ્યો હતો. લાખથી વધુ સુરતીઓએ માનવ દીવાલ રચી હતી. લાડીલા નેતાની એક ઝલક માટે લોકો કલાકો રાહ જોઇને ઉભા રહ્યા હતા. રોડ-શોમાં ૨૦ હજારથી વધુ બાઇક જોડાયા હતા, જેનું નેતૃત્વ મહિલા બાઇકર્સ કરતી હતી. વડા પ્રધાનના કાફલાને એરપોર્ટથી સર્કિટ હાઉસનું ૧૨ કિલોમીટરનું અંતર કાપતા સવા બે કલાક લાગ્યા હતા.
• દેશની ઉન્નતિ સરકારથી નહીં પણ સમાજથીઃ આપણો દેશ નેતાઓથી ચાલ્યો નથી કે નેતાઓએ બનાવ્યો નથી. આપણો દેશ ચાલ્યો છે તો જનશક્તિના ભરોસે. ગામેગામ ધર્મશાળા, ગૌશાળા, પુસ્તકાલય, પાણીની પરબ આ બધુ સરકારે નથી બનાવ્યું, સમાજે બનાવ્યું છે.
• થેંક્યું સુરત! વડા પ્રધાનનું ટ્વિટઃ રોડ-શો દરમિયાન સુરતીઓનો પ્રેમ અને આદરસત્કાર જોઈ વડા પ્રધાન આફરીન પોકારી ગયા હતા. રાતે ટ્વિટ કરી સુરતનો આભાર માન્યો હતો. ટ્વિટમાં લખ્યું હતું કે, થેંક્યુ સુરત! તમારી લાગણી અને આશીર્વાદ મારું સંભારણું બની રહેશે.
• દમણગંગા પાસપોર્ટ કેન્દ્રનો આરંભઃ વડા પ્રધાને દમણગંગામાં સર્કિટ હાઉસ, લેખાભવન, વાઇફાઇ હોટસ્પોટ, પાસપોર્ટ કેન્દ્ર સહિતની સુવિધાનું લોકાર્પણ કર્યું હતું.

