ભાવનગર, બોટાદઃ સુરતમાં ભવ્ય કાર્યક્રમ પૂર્ણ કરી સોમવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી બોટાદ પહોંચ્યા હતા. વડા પ્રધાન બન્યા બાદ પ્રથમ વખત બોટાદ આવેલા મોદીનું ભવ્ય સ્વાગત કરાયું હતું. તેમણે અહીં ‘સૌની’ યોજનાનું લોકાર્પણ કર્યું હતું.
વડા પ્રધાને કેમ છો મજામાં! કહીને સંબોધન શરૂ કર્યું હતું. સંઘ અને બોટાદના વર્ષાજૂના નાતાને વાગોળી વડા પ્રધાને બોટાદને ભાજપની તીર્થભૂમિ ગણાવી હતી. બોટાદના કૃષ્ણસાગર તળાવમાં નર્મદાના પાણીના વધામણા કર્યા બાદ મોદી કાફલા સાથે જાહેર સભાના સ્થળ ગોપાળાનંદ નગર ખાતે પહોંચ્યા હતા. તેઓ સતત ૩૭ મિનિટ સુધી બોલ્યા હતા. તેઓએ કહ્યું કે બોટાદની ધરતી ભાજપના કાર્યકરો માટે તીર્થક્ષેત્ર છે. કારણ કે ૧૯૬૭માં જ્યારે જનસંઘને કોઇ ઓળખતું નહોતું એ સમયે બોટાદમાં પ્રથમ મ્યુનિસિપાલિટી જીતી હતી. જેને લઇને ખુદ પંડીત દીનદયાળ ઉપાધ્યાય બોટાદની જનતાનો આભાર માનવા આવ્યા હતા.
તેમણે કહ્યું હતું કે જેણે સૂક્કુભઠ્ઠ કૃષ્ણસાગર તળાવ જોયું છે તેને જ ખબર છે કે નર્મદા નીર શું છે. ગુજરાતનું ગામડું સમૃદ્ધ થશે તો ગુજરાતની પ્રગતિને કોઈ રોકી નહીં શકે અને પાણી જ ગુજરાતને સમૃદ્ધ કરી શકશે. ૧૬,૦૦૦ કરોડ રૂપિયાનું આયોજન પાણી માટે આ સરકારે કર્યું છે. જેના પૈસા ખર્ચી ગરીબ દીકરો માતાને નર્મદા યાત્રા કરાવતો તે માતા માટે ઘરઆંગણે નર્મદા આવી છે તેનાથી મોટો ચમત્કાર કયો? લોકોને વિનંતી કરતા જણાવ્યુ હતુ કે, પાણી પહોંચાડયું તે ઈશ્વરનો પ્રસાદ છે જેથી એક ટીપુ પાણી બગાડવાનો કોઈને અધિકાર નથી.
વડા પ્રધાને વધુમાં જણાવ્યું હતું કે, આગામી તબક્કામાં નર્મદાનું પાણી પાંચસો મીટર ઉંચે ચડશે, નેવાંના પાણી મોભે ચડાવવાનુ કામ ખેડૂતો સુખી થાય તે માટે કર્યું છે.

