ધ્રાંગધ્રાના પૂર્વ નગરપતિની હત્યા બાદ તોફાન

Wednesday 19th July 2017 10:48 EDT
 
 

ધ્રાંગધ્રા, વઢવાણ: ધ્રાંગધ્રાના નરસિંહપરામાં રહેતા પૂર્વ નગરપતિ ઇન્દ્રકુમાર ઝાલા (ઉં ૫૮), તેમની પુત્રી અંજનાબા સહિતના પરિવારજનો ટોયાટો કારમાં રાજસ્થાનના ઉદયપુરથી સાતમી જુલાઈએ પરત આવી રહ્યા હતા. તે સમયે કેટલાકે અદાવતમાં હરિપર ફાટક પાસે ઇન્દ્રકુમાર અને તેમના પરિવાર પર તલવાર અને ધોકાથી હુમલો કરીને ગાડીના કાચ ફોડવા સાથે આ પરિવારને માર માર્યો હતો. ઇન્દ્રકુમાર અને તેમના પુત્રી અંજનાબાને ગંભીર ઇજા થઈ હતી. તેથી બન્નેને સારવાર માટે ધ્રાંગધ્રાની હોસ્પિટલમાં અને ત્યાંથી વધુ સારવાર માટે સુરેન્દ્રનગરની હોસ્પિટલમાં લઈ જવાયા હતા. જ્યાં ઇન્દ્રકુમારનું મૃત્યુ થયું હતું. તેમનું મૃત્યુ થતાં ધ્રાંગધ્રા અને સુરેન્દ્રનગરની હોસ્પિટલ બહાર ક્ષત્રિય સમાજના ટોળાં ઉમટી પડ્યા હતા અને ધ્રાંગધ્રા સ્વયંભૂ બંધ થઈ ગયું હતું. એ પછી ૧૩મી જુલાઈએ ઇન્દ્રકુમારના બેસણામાં જઈ રહેલા ક્ષત્રિય સમાજના લોકોના વાહનો પર ધ્રાંગધ્રા-હળવદ વચ્ચે હાઈવે પર શક્તિનગર પાસે થયેલા હુમલાને પગલે વધુ હિંસા ફાટી નીકળતાં ત્રણ વ્યક્તિનાં મોત થયાં હતાં.
હળવદના ગોલાસણ ગામના રાણાભાઈ બબાભાઈ શિયાળનું તીક્ષ્ણ હથિયારના ઘા વાગવાથી મોત થયું હતું. જ્યારે ધ્રાંગધ્રા પાસેના સોલડી ગામે થયેલી જૂથ અથડામણમાં રાણાભાઈ કમાભાઈ ભરવાડ તથા અન્ય એકનું મોત થયું હતું. અથડામણની ઘટનાઓમાં સાત વ્યક્તિ ઘાયલ થયા હતા જે પૈકીના બેને મોરબીની હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. સોલડીની ઘટનામાં ઘવાયેલા એકની હાલત ગંભીર છે. આ અથડામણોમાં અનેક સ્થળે ખાનગી ગોળીબાર થયો હોવાનું પણ જાણવા મળે છે. તોફાનોમાં ૩૫થી વધુ વાહનોની તોડફોડ કરી સળગાવી દેવાયા હતા. તોફાનોને પગલે અમદાવાદ-કચ્છ હાઈવે પરનો વાહનવ્યવહાર ૧૩મીએ ખોરવાયો હતો. તંત્ર દ્વારા આ ઘટનાઓને પગલે એસઆરપીના જવાનોને સમગ્ર ધ્રાંગધ્રા-હળવદ પંથકમાં ઉતારી દેવાયા હતા. દરબારો-ભરવાડો વચ્ચેની આ અથડામણોના પડઘા સુરેન્દ્રનગર-વઢવાણ-હળવદમાં પણ પડતાં પથ્થરમારો થયો હતો, જેને પગલે ૧૨મી જુલાઈ બાદ દુકાનો બંધ થઈ ગઇ હતી. ડીઆઈજી કક્ષાના ત્રણ અધિકારીઓને શાંતિ સ્થાપવા અને સ્થિતિ પર કાબૂ મેળવવા તત્કાળ મેદાનમાં ઉતારાયા હતા.


comments powered by Disqus