આદિપુર: આશરે ૧૧ માસ પહેલાંથી આદિપુરમાં નવતર સેવાનો પ્રારંભ થયો છે. આ સેવા એટલે કીડિયારું પૂરવું. કેટલાક સેવાર્થીઓ જોગણીનાર માતાજીના મંદિર, પાતાળિયા હનુમાન (અંતરજાળ), ભચાઉનાં મોગલ માતાના મંદિર જેવા પવિત્ર ધામોમાંથી પાણી વગરના સુકાઈ ગયેલા ખડખડિયા નાળિયેર ભેગા કરે છે. આ નાળિયેરમાં પોતાના પૈસે ડ્રિલિંગ કરીને પેન્સિલ જેટલું કાણું કરાવે છે. એ પછી તલ, બાજરો, ઘી અને ખાંડનું મોટા જથ્થામાં મિશ્રણ તૈયાર કરાવે છે અને તે મિશ્રણ તથા કાણાંવાળા નાળિયેર સેવાર્થી બહેનોને પહોંચાડે છે. આ બહેનો એક એક નાળિયેરમાં આ મિશ્રણ ભરે છે અને નાળિયેરનું કાણું ગોળથી બુરી દે છે.
વિજયસ્વરૂપ હરિનારાયણ દંયતવાલ (બસીતા) કહે છે કે, લગભગ સવાસોથી દોઢસો ગ્રામનું એક એવાં સોથી વધારે તૈયાર કરાયેલાં આ શ્રીફળ તેઓ પોતાના વાહનમાં ભરીને નીકળે છે અને આ નાળિયેરથી શહેર - ગામડાંઓમાં કીડિયારાં ભરાય છે. તેઓ આવા શ્રીફળ વલાડિયા, માથક, અંતરજાળ, જોગણીનાર, ગળપાદર, મેઘપર, બોરીચી, કુંભારડી, કંડલા તેમજ રતનાલથી લઈને ધ્રંગ, લોડાઈ, હબાય સુધીના પટ્ટાના જંગલોમાં ફેંકતા આવે છે. આ વિસ્તારની કીડીઓ માટેનું આ ભોજન હોય છે.
વિજયભાઈ જણાવે છે કે, મારી માતાએ દાયકા સુધી કીડિયારું પૂર્યું હતું. તેમના નિધન બાદ જાણે માએ જ મને કહ્યું કે વિજુ, કીડીઓ ભૂખે મરે છે. તું કંઈક કર. એટલે મેં આ અંગે દોસ્તો પરિવારજનો સાથે વાત કરીને આ કાર્યનો પ્રારંભ થયો. પહેલા અઠવાડિયે આ રીતે જ શ્રીફળ ભરીને અમે ફેંકી આવ્યા હતા. તેના એક અઠવાડિયા પછી એ જગ્યાએથી શ્રીફળ ઉઠાવીને જોયું તો તેમાં ભરેલો મસાલો ખવાઈ ગયો હતો. બીજા અઠવાડિયે જોયું તો નાળિયેરમાંથી સુકાયેલી મલાઈ પણ ખવાઈને તે ખાલી કોચલું હતું. અમે એ જોઈને રાજી થયા હતા. આ સેવાયજ્ઞમાં વિજયભાઈ ઉપરાંત, ગૌતમ રામસ્વરૂપ દેઅતવાલ, રમણિકભાઈ આહિર, સદાભાઈ રામજીભાઈ કોઠીવાર, રાજાભાઈ મેમાભાઈ જરૂ, આત્મારામ સૂંઢા પણ જોડાયેલા છે.
વિજયભાઈ કહે છે, જ્યારે મંદિરોમાંથી શ્રીફળ ન મળે તો મંદિરનાં સંકુલમાંથી નંગદીઠ રૂ. ત્રણથી સાડાચારના ભાવે શ્રીફળ વેચાતા લઈ લઈએ ને એમાં મિશ્રણ ભરાવીએ છીએ. એક શ્રીફળ લગભગ રૂ. ૧૧થી ૧૨માં તૈયાર થાય છે. હવે તો આ સેવાકાર્યમાં કેટલાક ટ્રાન્સપોર્ટર્સનો સહયોગ પણ મળે છે. આમ ને આમ અત્યાર સુધીમાં લગભગ ૩૬ હજાર નાળિયેર ગામ શહેર કે જંગલોમાં નાંખવામાં આવ્યા છે. જેનાથી કીટકોની ભૂખ સંતોષાય છે.

