લંડનઃ યુકેમાં ક્રિસમસની ઉજવણીના માહોલમાં ત્રાસવાદ ફેલાવવા ISISની ધમકીના પગલે કાઉન્ટર ટેરરિઝમ ઓફિસર્સ અને MI5 દ્વારા ગુપ્તચર માહિતીના આધારે પાંચ પ્રોપર્ટીઝ પર ‘ઈસ્લામિક ઉગ્રવાદ’ સંબંધિત દરોડા પડાયા છે. આ સંદર્ભે શેફિલ્ડમાંથી ત્રણ અને ચેસ્ટરફિલ્ડમાંથી એક યુવાનની ધરપકડ કરાઇ છે. મંગળવારે વહેલી સવારે પડાયેલા દરોડા દરમિયાન વિસ્ફોટના અવાજ સાંભળ્યા હોવાનું ગભરાયેલા લોકોએ જણાવ્યું હતું. આ કાર્યવાહી નિહાળનાર લોકોના જણાવ્યા પ્રમાણે બોમ્બ ડિસ્પોઝલ અધિકારીઓ ‘પેકેજીસ’ દૂર કરતા જોવા મળ્યા હતા.
નોર્થ ઈસ્ટ કાઉન્ટર ટેરરિઝમ યુનિટ (NECTU)ના પ્રવક્તાએ પાંચ સ્થળોએ પોલીસ તપાસની વાતને સમર્થન આપ્યું છે. શેફિલ્ડમાં બર્નગ્રીવ, મીર્સબ્રૂક અને સ્ટોક્સબ્રીજના ચાર મકાનો પર દરોડા પડાયા હતા. ધરપકડ કરાયેલી પાંચ વ્યક્તિને પૂછપરછ માટે વેસ્ટ યોર્કશાયર પોલીસ સ્ટેશન લઈ જવાઇ હતી.
શેફિલ્ડના શિરબ્રૂક રોડ પરના ઘરમાં વહેલી સવારે ૫.૩૦ કલાકે દરોડા પડાયા ત્યારે વિસ્ફોટ સંભળાયો હોવાનું સ્થાનિક લોકોએ જણાવ્યું હતું. પોલીસે બર્નગ્રીવ એરિયામાં ફાતિમા કોમ્યુનિટી સેન્ટરને પણ સીલ લગાવી દીધું છે. બ્રૂન્સવિક રોડ પરના દરોડાના ઘર નજીક રહેતી એક વ્યક્તિએ સતત ત્રણ વિસ્ફોટ સાંભળ્યાનું જણાવ્યું હતું. તેણે છ સશસ્ત્ર પુરુષને રાઈફલો સાથે ઘરમાં ધસી જતા નિહાળ્યા હતા. તેણે કહ્યું હતું કે આ બિલ્ડિંગનો ઉપયોગ મસ્જિદ અને કોમ્યુનિટી સેન્ટર તરીકે થાય છે. અહીં દિવસ-રાત લોકો આવતા રહે છે. પોલીસ પ્રવક્તાએ જણાવ્યું હતું કે લોકોએ સાંભળેલો વિસ્ફોટ ઘરમાં પ્રવેશ માટે કરાયેલા ધડાકા હતા.

