ભાજપે વડા પ્રધાનનો ગઢ બચાવ્યો
દુનિયામાં શક્તિશાળી રાજકીય નેતાઓમાંના એક ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ગૃહ રાજ્ય ગુજરાતમાં ચૂંટણી યોજાઈ હતી. ૨૦૧૪માં ભારતના વડા પ્રધાન બન્યા પહેલાં ગુજરાતમાં ૨૦૦૨થી ૨૦૧૪ સુધી સતત ૩ ટર્મ સુધી તેઓ ગુજરાતના મુખ્ય પ્રધાન રહ્યા હતા. ગુજરાતની ચૂંટણીમાં જીત મેળવવા માટે મોદીએ ઘણી રેલીઓ અને સભાઓ ભરી હતી. ઘણા ઓછા અંતરથી ભાજપ વડા પ્રધાનનો ગઢ બચાવવામાં સફળ રહી છે. ગુજરાતમાંથી નરેન્દ્ર મોદી ત્રણ વાર મુખ્ય પ્રધાન તરીકે ચૂંટાયા હતા અને અહીંથી જ તેઓ વડા પ્રધાન પદે પહોંચ્યા હતા. ગુજરાતમાં તેમનો પરાજય થયો હોત તો તેમની પ્રતિભાને ધક્કો લાગવાની શક્યતા હતી. જીએસટી, નોટબંધી વગેરે નિર્ણયોની અસર ચૂંટણીમાં દેખાતાં ભાજપને ધાર્યા કરતા ઓછી બેઠકો મળી છે.
બીબીસી યુકે
•
મોદી તેમના ઇરાદામાં મજબૂત
પાકિસ્તાનના પ્રમુખ સમાચારપત્ર ધ ડોને પણ ગુજરાતની ચૂંટણીને મહત્ત્વ આપ્યું છે. તેણે લખ્યું છે કે પ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા બરકરાર રહી છે. ગૃહરાજ્યમાં તેમની પાર્ટી ચૂંટણી જીતી છે. મોદીએ એક રેલીમાં જણાવ્યું હતું કે, ૧૦૦ વર્ષોમાં તેમની પાર્ટીને કોઈ હરાવી શકે એમ નથી અને તેમની આ વાત સાચી પડી રહી હોય તેમ લાગે છે. હિન્દુસ્તાનમાં એક મજબૂત નેતા ઉભરી રહ્યા છે અને મોદી તેમના ઇરાદાઓમાં મજબૂત છે. ગુજરાતમાં ઇલેકશનના પરિણામો આવે ત્યાં સુધી રોમાંચ રહ્યો હતો કે, કોણ જીતશે? અને કાંટે કી ટક્કર વચ્ચે મોદીની ભાજપ પાર્ટીને ભારતના ગુજરાતમાં જીત મળી છે. ભારત આપણો પડોશી દેશ છે. ગુજરાત આપણા દેશને અડીને આવેલું છે. એક બોર્ડર પર આવેલું રાજ્ય છે ત્યારે ત્યાં થતી ચૂંટણી પ્રક્રિયા આપણા દેશ માટે પણ મહત્ત્વપૂર્ણ છે.
ધ ડોન પાકિસ્તાન
સત્તાધારી રાષ્ટ્રવાદી પક્ષે ચૂંટણી જીતી
દુનિયામાં શક્તિશાળી રાજકીય નેતાઓમાંના એક ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ગૃહ રાજ્ય ગુજરાતમાં ચૂંટણી યોજાઈ હતી. ૨૦૧૪માં ભારતના વડા પ્રધાન બન્યા પહેલા ગુજરાતમાં ૨૦૦૨થી ૨૦૧૪ સુધી સતત ૩ ટર્મ સુધી તેઓ ગુજરાતના મુખ્ય પ્રધાન રહ્યા હતા. તેઓ મુખ્ય પ્રધાન રહ્યા ત્યાં સુધી ગુજરાતમાં તેમની પાર્ટી ભાજપનું શાસન મજબૂત રહ્યું હતું અને તેમના ગુજરાત છોડ્યા પછીની આ પહેલી ચૂંટણીમાં ભાજપને વિરોધ પક્ષ કોંગ્રેસે મજબૂત સ્પર્ધા આપી હતી. જીએસટી, નોટબંધી વગેરે નિર્ણયોની અસર ગુજરાત ચૂંટણીમાં દેખાઈ હતી અને ભાજપને ધાર્યા કરતા ઓછી બેઠકો મળી હતી. દિવસના અંતે પરિણામ આવતા કોંગ્રેસ મજબૂત વિરોધ પક્ષ તરીકે ઉભરી આવ્યો અને ભાજપ ફરી એક વાર સત્તા પર આવ્યો છે.
એસએફ ગેટ(સાન ફ્રાન્સિસ્કો ક્રોનિકલ) યુએસ
•
હોમ સ્ટેટમાં ઓછા અંતરથી વિજય
પાડોશી દેશ ભારતના એક મુખ્ય રાજ્ય ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં ચૂંટણી યોજાઈ હતી, જેમાં બન્ને રાજ્યોમાં વડા પ્રધાન મોદીના પક્ષે વિજય મેળવ્યો હતો. ગુજરાતમાં ઘણા વર્ષો પછી મજબૂત વિપક્ષ જોવા મળ્યો છે. ગુજરાતની ચૂંટણીમાં જીત મેળવવા માટે વડા પ્રધાન મોદીએ રેલીઓ અને સભાઓ ભરી હતી. તેઓ એક લોકપ્રિય નેતા છે અને મજબૂત નેતા તરીકે તેમની છાપ આખી દુનિયામાં ઉભરી આવી છે. ખૂબ જ ઓછી બેઠકોની સરસાઈ મેળવીને ભાજપે ગુજરાતની ચૂંટણી જીતી છે. ગુજરાત એક વિકસિત રાજ્ય છે અને ભારત તેમજ વિદેશોમાં પણ તેના વિકાસ મોડલને વખાણવામાં આવે છે. ગુજરાતમાં મેટ્રો અને બુલેટ ટ્રેનની સુવિધા મોદીના શાસનમાં આવી રહી છે અને તેની અસર ગુજરાતની ચૂંટણી પરિણામોમાં જોવા મળી રહી હોય તેમ લાગે છે.
ચાઈના ડેઈલી ચીન
