ભાજપનું ૧૯ રાજ્યોમાં શાસનઃ પાંચમાં કોંગ્રેસ

Sunday 24th December 2017 05:42 EST
 
 

નવી દિલ્હીઃ ગુજરાતમાં ભાજપનું શાસન ફરી એક વાર નિશ્ચિત થઈ ગયું છે. આ જીત સાથે ભાજપ દેશમાં હવે પશ્ચિમ બંગાળની કોમ્યુનિસ્ટ પાર્ટી બાદ બીજો પક્ષ બની ગયો છે, જેની સત્તા કોઈ પણ રાજ્યમાં સૌથી વધુ શાસન કરશે. બીજી તરફ હિમાચલ પ્રદેશમાં જોરદાર જીત મેળવ્યા બાદ ભાજપના તાજમાં એક વધુ હીરો ઉમેરાયો છે. ભાજપની હવે દેશનાં ૧૯ રાજ્યોમાં સરકાર હશે, આમાંથી મોટા ભાગનાં રાજ્યોમાં પક્ષે પોતાની તાકાત પર સત્તા મેળવી છે તો કેટલાંક રાજ્યોમાં અન્ય પક્ષે ભાજપને ટેકો આપી સરકારમાં સ્થાન જમાવ્યું છે.
૨૦૧૧ની વસ્તી ગણતરી અનુસાર હવે ૧૯ રાજ્યોની ૮૧.૬૧ કરોડની જનસંખ્યા પર ભાજપ અને તેણે ટેકો આપેલા પક્ષની સરકારનો કબજો છે એટલે કે દેશની ૬૫.૨૮ ટકા વસ્તી પર હવે ભાજપનું રાજ છે. બીજી તરફ ગુજરાતમાં ભાજપને ટક્કર આપ્યા બાદ કોંગ્રેસના ગ્રાફમાં પતનનો સિલસિલો યથાવત્ છે. હિમાચલનો સાથ છૂટતાં જ કોંગ્રેસે હવે માત્ર પાંચ રાજ્યોમાં લગભગ ૯.૩૯ કરોડની વસ્તી એટલે કે ૭.૫૧ ટકા પર જ તેની સત્તા છે. આમાંથી પણ ત્રણ રાજ્યોમાં ટૂંક સમય બાદ ચૂંટણીનો સામનો કોંગ્રેસે કરવાનો છે, જોકે કોંગ્રેસનું ગુજરાતમાં જે રીતે પ્રદર્શન રહ્યું અને કોંગ્રેસ જો આ જુસ્સો જાળવશે તો ૨૦૧૯ના લોકસભા ચૂંટણીમાં ફરી રસપ્રદ મુકાબલો જોવા મળી શકે.

કર્ણાટકમાં મોટો પડકાર

આવતાં વર્ષે ત્રણ પૂર્વોત્તર રાજ્યો સાથે કર્ણાટકમાં વિધાનસભાની ચૂંટણી થવાની છે. અહીં કોંગ્રેસની સરકાર સત્તા પર છે. કેટલાક સમય પહેલાં કોંગ્રેસના એક મોટા નેતા એવા એસ. એમ. કૃષ્ણાએ પક્ષ સાથે છેડો ફાડી ભાજપનું કમળ પકડયું છે. અહીં કોંગ્રેસના પ્રધાનો અને નેતાઓ પર ભ્રષ્ટાચારના ગંભીર આરોપ મુકાયા છે. આ પરિસ્થિતિમાં રાજ્યમાં કોંગ્રેસ માટે કપરાં ચડાણ છે. કોંગ્રેસ સામે કર્ણાટકમાં સત્તા જાળવી રાખવાનો મોટો પડકાર છે. ભાજપ અગાઉથી જ દક્ષિણનાં રાજ્યોમાં પોતાનું વિસ્તરણ કરવાની તૈયારીમાં લાગી ગયો છે.


comments powered by Disqus