• ૧૪ ટકા પાટીદાર
પાટીદાર મતો વહેંચાયાઃ સૌરાષ્ટ્ર અને સુરતમાં વિરોધાભાસી પેટર્ન
અનામત માટે ગુજરાતમાં લાંબુ આંદોલન ચાલ્યા બાદ પણ પાટીદારો સંપૂર્ણ ભાજપથી વિમુખ નથી થયા. પાટીદાર મતો ભાજપ-કોંગ્રેસ વચ્ચે વહેંચાયા છે. પાટીદારોએ કોંગ્રેસને ફાયદો કરાવ્યો છે પણ ધાર્યો હતો એટલો નહીં. ક્યાંક ધાર્યા પરિણામો આપ્યા છે તો ક્યાંક આશ્વર્યજનક રીતે ભાજપને મતો આપ્યા છે.
ક્યાં ભાજપની પડખે રહ્યાં?ઃ પાટીદાર આંદોલનની સૌથી વધારે અસર જ્યાં હતી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહની સભામાં જ્યાં ખુરશીઓ ઉછળી હતી તે સુરતમાં આશ્વર્યજનક રીતે ભાજપે એકેય બેઠક ગુમાવી નથી. મતલબ સ્પષ્ટ છે કે અહીંના મોટા ભાગના પાટીદારો ભાજપ સાથે રહ્યા છે. આ રીતે અમદાવાદમાં આંદોલનનું એપી સેન્ટર અને પાટીદારોના ગઢ એવા નિકોલમાં ભાજપે જીત મેળવી છે. આંદોલનનો પહેલો પલિતો જ્યાં ચંપાયો હતો તે વિસનગરમાં પણ ભાજપના ઋષિકેશ પટેલનો વિજય થયો છે. આંદોલન વેળા ખુબ તોફાનો થયા હતા એવા મહેસાણામાં નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ જીત્યા છે. રાજકોટ જિલ્લાની બેઠકો પર પણ પાટીદાર ફેક્ટર વર્તાયું નથી તો કેશોદમાં કડવા પાટીદારોનો ઝોક ભાજપતરફી વર્તાયો છે.
ક્યાં ‘હાથ’ને મળ્યો સાથ?ઃ સુરત બાદ પાટીદાર આંદોલનની સૌથી વધારે અસર જ્યાં વર્તાઈ હતી મોરબીમાં પાટીદારોએ પોતાનો રોષ કચકચાવીને ઈવીએમમાં ઠાલવ્યો. મોરબીમાં સતત છ ટર્મથી જીતતા ભાજપના ધારાસભ્ય કાંતિ અમૃતિયાને હરાવ્યા અને મોરબીની ત્રણેય બેઠકો કોંગ્રેસને ધરી દીધી. આ રીતે આંદોલનગ્રસ્ત અમરેલી જિલ્લાની પાંચમાંથી ચાર બેઠકો પર પાટીદારોએ ભાજપની વિરુદ્ધમાં મતદાન કર્યું. અમરેલીમાં કોંગ્રેસના પરેશ ધાનાણી સામે ભાજપના બાવકુ ઉંધાડે પરાજયનો સ્વાદ ચાખવો પડ્યો. ઉંઝામાં કડવા પાટીદારોએ ભાજપની વિરુદ્ધ એ હદે મતદાન કર્યુ કે સતત છ ટર્મથી જીતતા અને અગાઉ ઉમિયાધામના પ્રમુખ રહેલા નારાયણભાઈ પટેલ હારી ગયા. પાટીદારોએ ધોરાજીમાં પાસમાંથી આવેલા લલિત વસોયાને જીતાડ્યા છે તો જૂનાગઢની માણાવદર, વિસાવદર અને કંઈક અંશે તાલાલામાં કોંગ્રેસની જીત માટે પાટીદાર મતો અસરકારક રહ્યા છે.
હાર્દિક પટેલ હવે શું કરશે?
ભાજપની જીત તો થઈ પણ બહુમતી પાતળી રહી છે એમાં હાર્દિક પટેલનો પણ ફાળો છે એટલે હાર્દિકની જાહેરાત મુજબ તે વધુ મજબૂતીથી આંદોલન ચાલુ રાખશે. જોકે, કેટલાક રાજકીય સમીકરણોના પગલે થોડા વધુ લોકો હાર્દિકનો સાથ છોડી જાય તેવી શક્યતા છે. બીજી એક શક્યતા પણ છે કે ભાજપ ધારણા જેટલી મજબૂતીથી ન જીત્યું હોવાથી જેમણે ભાજપ સાથે જોડાવાનું વિચારી રાખ્યું હતું તેવા પાસના હોદ્દેદારો કદાચ પોતાનો નિર્ણય બદલી પણ નાખે.
• ૪૨ ટકા
અલ્પેશ ફેક્ટર અલ્પ રહ્યું, મતો વહેંચાયા પણ કોંગ્રેસને ધાર્યો ફાયદો ન થયો
પાટીદાર આંદોલનની સાથે શરૂ થયેલા ઓબીસી આંદોલનના પગલે ચૂંટણીમાં ઓબીસી મતદારોના વલણ પર પણ સૌની નજર હતી. ઓબીસી મતો વહેંચાયેલા જોવા મળ્યા પણ એથી કોંગ્રેસને ધાર્યો ફાયદો થયો નથી. ઓબીસી મતદારોએ ઓબીસી આંદોલનના નેતાને તો ચૂંટી કાઢ્યો છે પણ સંપૂર્ણપણે ભાજપથી વિમુખ થઈને મતદાન કર્યુ નથી.
ઓબીસી ફેક્ટર કોંગ્રેસને ધારણા પ્રમાણે મદદરૂપ થયું નથી. જો આમ થયુ હોત તો કોંગ્રેસે સરળતાથી સરકાર બનાવી શકી હોત. કોંગ્રેસને ૧૧૫-૨૦ બેઠકો મળી હોત. ઓબીસી મતદારો સંપૂર્ણપણે કોંગ્રેસની તરફેણમાં ગયા એનુ એક કારણ રહ્યું કે કોંગ્રેસે ઓબીસી નેતા અલ્પેશ ઠાકોરને પડખે લીધા બાદ પાટીદાર નેતા હાર્દિક પટેલને પણ પડખે લીધો. આંદોલનોના શરૂઆતના તબક્કા જોઈએ તો બંન્ને નેતા અને બંન્ને વર્ગ એક-બીજાના વિરોધી હતા. આમ પણ ઓબીસી મતો અને પાટીદાર મતો સાથે રહેતા નથી.
બીજી તરફ ભાજપે પણ કોંગ્રેસ જેટલા ઓબીસી ઉમેદવારો ઉતારીને સમીકરણ સાચવી લીધું હતું. જેનો ફાયદો ભાજપને મળ્યો. બનાસકાંઠામાં અલ્પેશ ઠાકોર ફેક્ટરના કારણે કોંગ્રેસને ફાયદો થયો છે. તાજેતરમાં ગુજરાતમાં આવેલા પૂરથી ત્રસ્ત મતદારોએ વિરોધી મતદાન કરતા ભાજપના પ્રધાન શંકર ચૌધરી વાવ બેઠક પરથી હારી ગયા છે. અહીં નોંધનીય છે કે, શંકર ચૌધરીને હરાવનારા ઉમેદવાર ગેનીબેન ઠાકોરને કોંગ્રેસમાંથી અલ્પેશ ઠાકોરે જ ટિકિટ અપાવી હતી.
• ૧૫ ટકા આદિવાસી
કોંગ્રેસની પરંપરાગત વોટ બેન્કમાંથી અમિત શાહે માઇક્રો પ્લાનિંગ કરીને ફાયદો મેળવ્યો
આદિવાસી પરંપરાગત રીતે કોંગ્રેસ સાથે રહ્યા પણ આદિવાસી પટ્ટામાં સરકારના જમીનસુધારણા અને આદિવાસીઓ માટે કરેલા અન્ય કામોનો ભાજપને ફાયદો થયો છે. આદિવાસી વિસ્તારોમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ધર્માંતર અટકાવવા વિવિધ કાર્યો કરાય છે તેનો ફાયદો પણ ભાજપને મળે છે. મહુવામાં કોંગ્રેસના દિગ્ગજ નેતા તુષાર ચૌધરીને મળેલી હાર સૂચક છે તો ભાજપે પોલીસમાંથી રાજીનામુ અપાવડાવીને ભીલોડાથી મેદાનમાં ઉતારેલા અધિકારી પી. સી. બરંડાએ પરાજયનો સ્વાદ ચાખવો પડ્યો છે. આંદોલન ઈફેક્ટથી જે પાટીદાર મતો તુટે તેને સરભર કરવાની ગણતરી સાથે અમિત શાહે આદિવાસી પટ્ટા પર કરેલુ માઈક્રો પ્લાનિંગ ભાજપની તરફેણમાં રહ્યું છે.
• ૭ ટકા દલિત
ઉનાકાંડ આંદોલનની અસર તો દેખાઈ પણ દલિતો ભાજપથી સંપૂર્ણ વિમૂખ ન થયા
ઉનાકાંડ અને પછી દલિતોમાં ફાટી નીકળેલા આક્રોશ તથા દલિત નેતા જીજ્ઞેશ મેવાણીના ઉદયથી ચૂંટણીમાં દલિતો કોના તરફે ઢળે છે તેના પર સૌની નજર હતી. વડગામ બેઠક પરથી જીજ્ઞેશે ભવ્ય વિજય મેળવ્યો છે. મતદાનમાં ઉનાકાંડની અસર તો વર્તાઈ પણ દલિતો ભાજપથી સંપૂર્ણ વિમુખ ન જણાયા.
• ૯ ટકા મુસ્લિમ
કોંગ્રેસ - ભાજપ બન્નેને લાભ
કોંગ્રેસે ૬ મુસ્લિમ ઉમેદવાર મેદાનમાં ઉતાર્યા હતા જ્યારે ભાજપે એકેય મુસ્લિમને ટિકિટ આપી નહોતી. વાંકાનેર બેઠક પર કોંગ્રેસના મોહંમદ પીરજાદાએ વિજય મેળવ્યો છે. મુસ્લિમો પરંપરાગત રીતે કોંગ્રેસની વોટબેંક છે. કોંગ્રેસે મોટા ભાગે તે જાળવી છે. ૨૦૦૨માં મોદીએ સદભાવના ઉપવાસ અને અન્ય રીતે મુસ્લિમોને ભાજપ તરફ વાળવા પ્રયાસ કર્યો હતો. આજે સ્થિતિ અલગ છે. ટ્રિપલ તલાક મુદ્દે પણ ભાજપે મુસ્લિમોને આકર્ષવા પ્રયાસ કર્યો. ટ્રિપલ તલાક મુદ્દે મુસ્લિમ મહિલાઓનો ભાજપ તરફનું સોફ્ટ કોર્નર નકારી શકાય નહીં.
• અન્ય સવર્ણ
ભાજપની આ પરંપરાગત વોટબેન્ક જળવાઈ રહી
સવર્ણો પરંપરાગત રીતે ભાજપની વોટબેંક રહી છે અને ચૂંટણીમાં પણ ભાજપે તેને જાળવી રાખવામાં સફળતા મેળવી છે. જોકે, જૂનાગઢ બેઠક પર લોહાણા જ્ઞાતીના મહેન્દ્ર મશરૂની હાર ભાજપ માટે આઘાતજનક છે. જૂનાગઢમાં મહેન્દ્ર મશરૂ સતત ટર્મથી જીતતા હતા. જોકે, તેમની સામે જીતનારા ઉમેદવાર ભીખાભાઈ જોશી પણ બ્રાહ્મણ સમાજમાંથી આવે છે. એટલે એક સવર્ણ ઉમેદવાર સામે બીજા સવર્ણ ઉમેદવારની જીત થઈ છે. કોંગ્રેસે જ્યારથી ખામ થીયરી અમલમાં મુકી ત્યારથી સવર્ણ સમાજ મોટેભાગે કોંગ્રેસની વિરોધી પાર્ટીમાં રહ્યો છે.

