નવી દિલ્હીઃ હિમાચલ પ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસની હાર થઇ છે, જ્યારે ભાજપનો ભવ્ય વિજય થયો છે. જોકે એક વિધાનસભા બેઠકના પરિણામે ભાજપ સહિત સૌ કોઇને ચોંકાવી દીધા છે. ભાજપના મુખ્ય પ્રધાનના ઉમેદવાર અને પ્રચારની કમાન સંભાળનારા પ્રેમ કુમાર ધૂમલ ખુદ હારી ગયા છે. હવે ભાજપ દ્વારા જે. પી. નડ્ડાને મુખ્ય પ્રધાન બનાવાય તેવી શક્યતાઓ છે. તેઓ હાલ કેન્દ્રમાં સ્વાસ્થ્ય પ્રધાન તરીકે કાર્યભાર સંભાળે છે.
ભાજપના આ કદાવર નેતાને કોંગ્રેસના ઉમેદવાર રાજિન્દર સિંહે હરાવ્યા છે. આ પરિણામો ઘણા ચર્ચામાં છે. પ્રેમકુમાર ધૂમલ ભાજપના કદાવર નેતા હોવાની સાથે સાથે પૂર્વ મુખ્ય પ્રધાન પણ છે. હિમાચલ પ્રદેશમાં ૬૮ બેઠકોમાંથી ભાજપે ૪૪ બેઠકો પર જીત મેળવી છે જ્યારે કોંગ્રેસને ૨૧ પર જીત મળી છે.
અહીં ડાબેરી પક્ષ સીપીઆઇ (એમ)ના ઉમેદવાર રાકેશ સિંહની પણ એક બેઠક - થીઓગ પર જીત થઇ છે. સીપીઆઇ(એમ)એ અહીં ૨૪ વર્ષ બાદ જીત મેળવી છે. આ ઉપરાંત અન્ય બે અપક્ષ ઉમેદવારો જીત્યા છે.
બીજી તરફ ભાજપ અહીં સરકાર તો બનાવી રહી છે પણ હવે તેણે પોતાના મુખ્ય પ્રધાન પદ માટે કોઇ બીજો ચહેરો શોધવો પડશે. માત્ર ધૂમલ જ નહીં હિમાચલ પ્રદેશના ભાજપના અધ્યક્ષ અને ત્રણ વખત ધારાસભ્ય રહી ચુકેલા સતપાલ સિંહ સત્તી પણ હારી ગયા છે. તેમને કોંગ્રેસના ઉમેદવાર સતપાલ સિંહ રાજયાદાએ ૩૧૯૬ મતોથી હરાવ્યા છે.
મોટા નેતાઓની હાર બાદ ભાજપ માટે મુખ્ય પ્રધાન પદનો ચહેરો શોધવાની કવાયત શરૂ થઇ ગઇ છે. બીજી તરફ કોંગ્રેસના હાલના મુખ્ય પ્રધાન વિરભદ્ર સિંહ આર્કી બેઠક પરથી જીતી ગયા છે. ૮૩ વર્ષીય વીરભદ્ર સિંહે ભાજપના નેતા રતન સિંહ પાલને ૬૦૫૧ મતોથી હરાવ્યા હતા. એટલે કે કોંગ્રેસનો મુખ્ય પ્રધાનનો ચહેરો અને પક્ષની કમાન સંભાળનારા વીરભદ્ર સિંહ તો જીતી ગયા પણ પક્ષ હારી ગયો. જ્યારે સામા પક્ષે ધૂમલ હારી ગયા પણ પક્ષ ભાજપે જીત મેળવી લીધી છે.
૩૩ હજાર મતદારોએ ‘નોટા’
હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણીના સોમવારે જાહેર થયેલા પરિણામમાં જાણવા મળ્યું છે કે ૦.૯ ટકા એટલે કે ૩૩,૦૦૦ મતદારોએ નોટાનો ઉપયોગ કર્યો છે. મતલબ કે ૩૩ હજાર મતદારો એવા હતા કે તેમને એક પણ ઉમેદવાર પસંદ પડયો ન હતો. હિમાચલ પ્રદેશમાં ભાજપને ૪૮.૭ ટકા જ્યારે કોંગ્રેસને ૪૧.૮ ટકા મતો મળ્યા છે. અપક્ષને ૬.૩ ટકા જ્યારે સીપીઆઇ (એમ)ને ૧.૫ ટકા મત મળ્યા છે. જ્યારે ૨૦૧૪ની લોકસભા ચૂંટણીમાં પ્રથમ વખત ‘નોટા’નું બદન દાખલ કરવામાં આવ્યું ત્યારે ૬૦ લાખ મતદારો એટલે કે ૧.૧ ટકા મતદારોએ નોટાનો ઉપયોગ કર્યો ન હતો.

