કેવડિયાઃ સરદાર સરોવર પ્રોજેકટ રાષ્ટ્રાર્પણ કર્યા બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ નર્મદા નદીના પટમાં સાધુ બેટ ઉપર આકાર લઇ રહેલા સરદાર વલ્લભભાઇ પટેલ સ્મારક ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ના નિર્માણ સ્થળની મુલાકાત લીધી હતી. તેમણે તબક્કાવાર થઇ રહેલા નિર્માણની સૂક્ષ્માતિસૂક્ષ્મ જાણકારી મેળવીને, ઉપયોગી સૂચનો કર્યા હતા.
આ વિરાટ પ્રતિમાનો શિલાન્યાસ નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્ય પ્રધાન તરીકે ૩૧ ઓક્ટોબર ૨૦૧૩નાં રોજ કર્યો હતો. પ્રોજેક્ટનું કન્સ્ટ્રકશન વર્ક લાર્સન એન્ડ ટુબ્રો દ્વારા ૩૧ ઓક્ટોબર ૨૦૧૪થી ચાલે છે અને આગામી ૩૧ ઓક્ટોબર ૨૦૧૮ સુધીમાં આ પ્રોજેક્ટ પૂર્ણ થઇ જાય તેવા જોરદાર પ્રયાસો થઇ રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, ડેમના હેઠવાસમાં નર્મદા નદીની વચ્ચોવચ્ચ આવેલા સાધુ બેટ ખાતે આકાર લઇ રહેલી લોહપુરુષ સરદાર પટેલની પ્રતિમા વિશ્વમાં સૌથી ઊંચી પ્રતિમા હશે. ૧૮૨ મીટર ઊંચી સરદાર સાહેબની આ પ્રતિમા તેના પાયા સાથે ૨૪૦ મીટર ઊંચી હશે. આ પ્રતિમા સહિત આખું સ્ટ્રક્ચર ર૦ હજાર ચોરસ મીટર વિસ્તારમાં ફેલાયું છે. જેની અંદાજિત કિંમત રૂ. ર,૯૮૯ કરોડ છે.

