ગ્રેનફેલ ટાવર વિકરાળ આગમાં ભસ્મીભૂતઃ ૭૯ના મોત થયાં

Wednesday 21st June 2017 06:15 EDT
 
 

લંડનઃ પશ્ચિમ લંડનમાં ૨૭ માળના ગ્રેનફેલ ટાવરમાં લાગેલી ભીષણ આગને લગભગ એક સપ્તાહ વીતવા આવ્યું છે પરંતુ અસરગ્રસ્તોની વિપદા ઓછી થઈ નથી. મેટ પોલીસે જણાવ્યું હતું કે વિકરાળ આગમાં સ્વાહા થયેલા ટાવરમાં ગુમશુદા અથવા મૃત્યુ પામેલા લોકોનો સત્તાવાર આંક અત્યારે ૭૯નો છે પરંતુ કાટમાળની કરાતી તપાસના પગલે તેમાં વધારો થઈ શકે છે. પાંચ મૃતકોની ઓળખ થઈ શકે છે પરંતુ, ઓળખવિધિ ધીમી અને મુશ્કેલ બની રહેશે. આગ અગાઉ ટાવરમાં મુલાકાતે આવેલા લોકો, જેમની ગુમ થયાની માહિતી સગાં, પરિવાર કે મિત્રો દ્વારા ન અપાઈ હોય તેમના માટે માહિતી આપવા પોલીસે અપીલ કરી છે. ઘટનાને નજરે જોનારા એક સામાજિક કાર્યકરે દાવો કર્યો હતો કે, આગ એટલી ભયાનક હતી કે ઓછામાં ઓછાં ૧૦૦ લોકો મૃત્યુ પામ્યા હશે. ટાવરના ૨૩મા માળે આવેલા એક ફ્લેટમાં ફ્રીઝમાં બ્લાસ્ટ થયા બાદ આગ ફાટી નીકળી હોવાનું અનુમાન છે.
સ્થાનિક સમય પ્રમાણે મંગળવારે મધરાતે એક વાગ્યે ફાટી નીકળેલી આગે જોતજોતામાં સમગ્ર ટાવરને ઝપટમાં લઈ લીધું હતું. એલ્યુમિનિયમ સુરક્ષા આવરણ (કેડિંગ) હોવાના કારણે આગની લપટો વધુ વિનાશક બની હતી. આગ લાગી ત્યારે ટાવરમાં ૪૦૦થી વધુ લોકો હાજર હોવાનું મનાય છે. NHS દ્વારા જણાવાયું હતું કે ૧૪ લોકો હજુ આગથી ઈજાની સારવાર મેળવી રહ્યાં છે, જેમાંથી આઠ પેશન્ટની હાલત ગંભીર છે.

ID નથી તો ૫,૦૦૦ પાઉન્ડની રોકડ રાહત નહિ

વિકરાળ આગમાં ગ્રેનફેલ ટાવર ભસ્મીભૂત થયાના એક સપ્તાહ પછી પણ બચી ગયેલાં લોકોએ કારમાં અને પાર્કમાં સૂવાની ફરજ પડી રહી છે. તેમની પાસે નાણા નથી અને તેમને ઈરાદાપૂર્વકના ઘરબારવિહોણા જાહેર કરાય તેવો ભય પણ સતાવી રહ્યો છે. સરકારે ટાવરના બચી ગયેલા લોકોને ૫,૦૦૦ પાઉન્ડની રોકડ રાહત આપવાની જાહેરાત પણ તેમના માટે હાંસીપાત્ર બની ગઈ છે. આ રાહત મેળવવા લોકો પાસે ઓળખપત્ર માગવામાં આવે છે. આ લોકોના પણ આગમાં સ્વાહા થઈ ગયાં હોય તો તે શું આપી શકશે? કેટલાક લોકો પાસે યોગ્ય ફોર્મ નહિ હોવાની દલીલો પણ કરાઈ હતી. રાહતના પ્રયાસો પણ અધકચરાં જણાયા હોવાથી લોકોમાં રોષ પ્રવર્તી રહ્યો છે. મોટા ભાગના બચી ગયેલા લોકો હવે ઘટનાસ્થળેથી દૂર રહેવા જતા રહ્યાં છે. જો લોકો આ વિસ્તારની બહાર જવાનો ઈનકાર કરે અને તેમને ઈરાદાપૂર્વકના ઘરબારવિહોણા જાહેર કરવામાં આવે તેનો અર્થ એવો થાય કે સત્તાવાળાઓ તેમના વસવાટની જવાબદારી ધરાવશે નહિ.

ક્વીને ગ્રેનફેલ ટાવરની મુલાકાત લીધી

ક્વીન અને પ્રિન્સ વિલિયમે દુર્ઘટના સ્થળની મુલાકાત લીધી હતી. તેઓ આગમાં બચી ગયેલા લોકોને મળ્યા ત્યારે લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા. સેન્ટરના મેઈન હોલમાં ઘરવિહોણા પરિવારોને આશ્રય અપાયો છે ત્યાં લોકો ભારે આક્રંદ કરી રહ્યા હતા. ક્વીને ફાયરફાઈટર્સ તથા પીડિતો અને ઘરવિહોણા થયેલા પરિવારોને મદદ માટે આગળ આવેલા વોલન્ટિયર્સને મળીને તેમની કામગીરીની પ્રશંસા કરી હતી. બન્નેએ આગમાં ખાક થઈ ગયેલા બિલ્ડીંગની પાસે જ આવેલા વેસ્ટવે સ્પોર્ટ્સ એન્ડ ફીટનેસ સેન્ટર પર પોણો કલાક જેટલો સમય ગાળ્યો હતો.
પ્રિન્સ વિલિયમે જણાવ્યું હતું કે આ ઘટના તેમણે અત્યાર સુધીમાં જોયેલી સૌથી ભયાનક ઘટનાઓ પૈકી એક હતી. ક્વીન રેડ ક્રોસ વોલન્ટિયર્સને પણ મળ્યા હતા. લોકોએ મુલાકાત બદલ ક્વીનની ભારે પ્રશંસા કરી હતી અને જણાવ્યું હતું કે કોમ્યુનિટીના લોકોની સંભાળ રાખવા માટે ક્વીન જેવી વ્યક્તિ છે તેનું અમને ગૌરવ છે.
પ્રિન્સે વોલન્ટિયર્સ સાથે દુર્ઘટનાની ચર્ચા પછી કહ્યું હતું,‘ તમને આવી ઘટના ફરી ક્યારેય જોવી ગમે જ નહીં. હું ફરી પીડિતોની મુલાકાતે આવીશ’

થેરેસા પીડિતોના રોષનો ભોગ

થેરેસા મેને ગ્રેનફેલ ટાવર દુર્ઘટના અંગે લોકોના ભારે રોષના ભોગ બનવું પડ્યું હતું. તેઓ કેન્સિંગ્ટનમાં આવ્યા ત્યારે ટોળાએ ‘કાયર’ અને ‘શરમ છે તમને’ની બૂમો પાડી હતી. લોકોના વધતા રોષ વચ્ચે તેઓ કારમાં બેસીને રવાના થઈ ગયા હતા. આગમાં પોતાનું સર્વસ્વ ગુમાવી દેનારા લોકોને મળવા માટે તેઓ સેન્ટ ક્લેમેન્ટાઈન ચર્ચ ગયા હતા. પીડિતોની મુલાકાત પહેલા ન લેવા બદલ તેમની ભારે ટીકા થઈ હતી. રોષે ભરાયેલા લોકો તેમના બહાર આવવાની રાહ જોઈને એકઠા થયા હતા. પોલીસે કડક બંદોબસ્ત ગોઠવવો પડ્યો હતો. લોકોએ ‘અમને તમે અહીં જોઈતા નથી. જતા રહો.’ ની બૂમો મારી હતી. એક વ્યક્તિએ તો મોટા અવાજે ‘તમે DUP ના તમારા મિત્રો પાસે પાછા જાવ’ કહ્યું હતું. થેરેસા મે ચર્ચના દરવાજેથી બહાર નીકળીને ઝડપથી કાર તરફ જતા રહ્યા હતા.

વડા પ્રધાન થેરેસા મે સામે પ્રવર્તતો રોષ

થેરેસા મે સરકારે રવિવારે જાહેરાત કરી હતી કે ટાવરની આગમાં જે લોકોના ઘર નાશ પામ્યા હશે તેમને સરકાર ૫,૫૦૦ પાઉન્ડ તત્કાળ રાહત તરીકે આપશે. વડા પ્રધાને શુક્રવારે પાંચ મિલિયન પાઉન્ડનું ભંડોળ જાહેર કર્યું હતું તેમાથી આ સહાય આપવામાં આવશે. આ દુર્ઘટના પ્રત્યે વડા પ્રધાનનું વલણ ઉદાસીન હોવાના પ્રત્યાઘાતો પછી થેરેસા મેએ અસરગ્રસ્તોની મુલાકાત લીધી હતી. થેરેસા મેએ કહ્યું હતું કે આ કરુણાંતિકામાં ફસાયેલાં લોકોને મદદ કરવા સરકાર શક્ય તમામ કરી રહી છે. સરકાર દ્વારા અસરગ્રસ્તોને અન્ય હાઈ રાઈઝ ટાવર બ્લોક્સમાં હંગામી વસવાટ ઓફર કરાયો હતો પરંતુ, હવે લોકોના મનમાં ભય વ્યાપી ગયો હોવાથી ત્યાં જવા લોકો રાજી નથી. એક વ્યક્તિને હોટેલમાં એકોમોડેશન ઓફર કરાયું હતું પરંતુ, તેના બાળકો ઊંચી ઈમારતમાં પ્રવેશતા ડરતા હોવાથી તેણે ઓફર નકારી હતી. લાંબા ગાળાના હાઉસિંગની વ્યવસ્થા થઈ શકે તે અગાઉ ૧૦૦થી વધુ લોકોને હોટેલ્સમાં ખસેડાયા હતા જ્યારે ઘણા લોકો પોતાના રીલેટીવ્ઝ સાથે રહેવા ગયા છે.

અને દસમા માળેથી બાળક ફેંકાયું...

કેટલાક સાક્ષીઓએ જણાવ્યું કે, આ ગ્રેનફેલ ટાવરના ૧૨૦ ફ્લેટોમાં ૬૦૦ જેટલા લોકો રહેતા હતાં. બાળકોની તીણી ચીસોથી વાતાવરણ કરુણા અને ગ્લાનિથી ભરાઈ ગયું હતું. દસમા માળે બારીમાંથી ડોકાતી એક વ્યક્તિના હાથમાં નાનું બાળક હતું. તેના ચહેરા પર ભારે વ્યથા હતી. આગથી ભડભડ બળતા ૨૭ માળના એપાર્ટમેન્ટમાથી બચવાનો એક માત્ર માર્ગ દાદર હતો. એ પણ કાટમાળ પડવાથી બ્લોક થઇ ગયો હતો. એ વ્યક્તિની મથામણ એ હતી કે હાથમાં રહેલું બાળક નીચે ફેંકવું કે નહીં. ભયંકર માનસિક અવઢવમાં એ વ્યક્તિ ફસાયેલી હતી. આખરે એણે એની જિંદગીનો સૌથી કપરો નિર્ણય લઈ જ લીધો. તે વ્યક્તિએ હાથમાં પકડેલાં બાળકનાં ચહેરા પર અંતિમ વહાલ વરસાવતી હોય તેમ ધીરેથી પપ્પી કરી અને પછી બાળકને દસમા માળેથી નીચે ફેંકી દીધું. નીચે ૬૦૦ વ્યક્તિઓ હાથ ઊંચા કરીને, ક્લોથ બેગ્સ ફેલાવીને ઊભી હતી - એ બેબીને ઝીલવા. સદ્ભાગ્યે રેસ્ક્યુ ટીમના એક સભ્યના હાથમાં આ બાળક ઝીલાઈ ગયું હતું. બાળક એકદમ હેમખેમ હતું. દસમા માળની બારીએ ઊભેલી એ વ્યક્તિએ આ દૃશ્ય જોયું તો તેના ચહેરા પર સંતોષ હતો - જાણે કે હવે પોતાનું મોત આવે તો પણ તેને કોઈ ગમ નથી. આ પછી એ વ્યક્તિ ટોળા સામે હાથ હલાવીને બારી પાસેથી અદૃશ્ય થઈ. આ વ્યક્તિ સંભવતઃ મૃત્યુ પામ્યાનું મનાય છે.

આગથી બચવાના પ્રયાસ પણ જીવલેણ નીવડ્યા

સૂત્રો અને ઘટનાને નજરે જોનારાઓએ જણાવ્યું કે, કેટલાક લોકોએ પોતાના બાળકોને દસમા માળેથી નીચે ફેંક્યા હતાં. તો કેટલાક આગથી બચવા માટે જાતે કૂદી પડ્યા હતા. આ કારણસર ઈજાગ્રસ્તોની સંખ્યામાં વધારો થયો હતો. ઘણા લોકોએ બેડશિટ્સ અને ધાબળા ઓઢીને અગનજ્વાળાઓ વચ્ચેથી બહાર નીકળવાનો પ્રયાસ કર્યો હતો. તો ઘણા લોકોએ બારીઓમાંથી બૂમો મારીને મદદ માટે લોકોને બોલાવ્યાં હતાં. જોકે તે સમયે આગ એટલી ભીષણ હતી કે ત્યાં પહોંચવું અશક્ય હતું. આગ લાગ્યાની જાણકારી આપતો ફોન આવ્યાની માત્ર છ મિનિટમાં ૨૦૦ જેટલા ફાયર ફાઇટર્સ ત્યાં પહોંચી ગયા હતા, પણ આગ એટલી ભીષણ હતી કે ટાવરની નજક જવું કે અંદર પ્રવેશવું જીવલેણ સાબિત થાય તેમ હતું. આ સંજોગોમાં ફાયર ફાયટર્સ માટે દૂર ઉભા રહીને પાણીનો મારો ચલાવવા સિવાય શરૂઆતમાં કોઈ વિકલ્પ નહોતો.
એનએચએસે જણાવ્યું હતું કે, અનેક લોકોને હાડકાં તૂટવા, વાગવું સહિતની ઈજાઓ થઈ છે. કેટલાક લોકો ગંભીર રીતે દાઝેલા છે. ઘણાને શ્વાસમાં ધુમાડો જવાની ગૂંગળામણ પણ થઇ છે. કેટલાકની હાલત ગંભીર છે.

ઓછામાં ઓછાં ૧૦૦નાં મોત?

ઘટનાને નજરે જોનારા એક સામાજિક કાર્યકરે દાવો કર્યો હતો કે, આગ એટલી ભયાનક હતી કે ઉપરનાં ત્રણ માળમાં કશું જ બચ્યું નહીં હોય. તંત્ર દ્વારા ભલે મૃતાંક જાહેર કરવામાં આવતો ન હોય, પણ ઓછામાં ઓછાં ૧૦૦ લોકો મૃત્યુ પામ્યા હશે. ટાવરના સૌથી ઉપરના ત્રણ માળમાં તો એક પણ વ્યક્તિ જીવતી નહીં હોય તેવી તેણે શંકા વ્યક્ત કરી છે. આગ થોડી અંકુશમાં આવી પછી લોકો બહાર આવ્યાં હતાં. ઘણા લોકોને ઈજા થઈ હતી. ઘણાના હાથ-પગ તૂટ્યા હતા અને ઘણાં ધુમાડાને કારણે ગૂંગળાયેલાં જણાતાં હતા. મોડી રાત્રે આગ લાગી હોવાથી ઘણાબધાં લોકો તેમાં ફસાઈ ગયાં હતાં. એક તરફ આગને કારણે લોકો ઘરમાંથી નીકળી શકે તેમ નહોતાં તો બીજી તરફ જે લોકોને ભાગવાનો મોકો મળ્યો હતો તેમના રસ્તામાં આગ વિલનની જેમ ઊભી હતી.

સોશિયલ મીડિયા ઉપર મદદનો પુકાર

ઘણા લોકોએ મદદ માગવા માટે સોશિયલ મીડિયાનો પણ ઉપયોગ કર્યો હતો. ટાવરમાં ફસાયેલી એક મહિલાએ ટ્વિટ કર્યું હતું કે હું મારા ફલેટમાં ફસાઈ ગઈ છું. મારા ઘરમાં ધુમાડો ફેલાયેલો છે. મને ઝડપથી બચાવવા માટે મદદ મોકલો નહીંતર હું મૃત્યુ પામીશ. તેણે ટાવરની અંદર પ્રવર્તતી સ્થિતિ અંગે માહિતી આપી હતી. તેણે ટ્વીટમાં જણાવ્યું હતું કે ‘લોકો મરી રહ્યાં છે, લોકો ફસાયા છે, લોકો બારીઓમાંથી કૂદી રહ્યાં છે, પણ હું ઘર છોડી શકું તેમ નથી.’
બીજી તરફ કેટલાક લોકો દ્વારા પોતાના લાપતા સ્વજનોને શોધવા માટે ફેસબુક, વ્હોટ્સ એપ અને અન્ય સોશિયલ મીડિયા ઉપર અભિયાન ચલાવાયું છે. અનેક સામાજિક સંસ્થાઓ, લોકો અને સેલેબ્સ દ્વારા પીડિતોને ભોજન, કપડાં, પાણી અને અન્ય મદદ પહોંચાડવામાં આવી છે.

મૃતકનો ફોટો ફેસબુક પર મૂક્યો, ૩ મહિનાની જેલ

ગ્રેનફેલ ટાવરની આગમાં મોતનો શિકાર એક વ્યક્તિની તસવીર ખેંચીને ફેસબુક પર પોસ્ટ કરનારા ઓમેગા મ્વાઇકોંબો (૪૩)ને ૩ મહિનાની જેલની સજા થઈ છે. તેને કમ્યુનિકેશન્સ એક્ટ હેઠળ દોષિત ઠેરવવામાં આવ્યો છે. જેનો ફોટો પોસ્ટ કર્યો હતો તેની હજુ ઓળખ થઈ શકી નથી પણ એક વ્યક્તિએ બીબીસીને ફોન કરીને જણાવ્યું કે તે તેના ભાઈ મુહમ્મદનો ફોટો હોઈ શકે છે. આ ટાવરની નજીક જ રહેતા ઓમેગાએ બુધવારે સવારે એક બોડી બેગ ખોલીને તેમાં રખાયેલા મૃત પુરુષની તસવીર ખેંચી. એક વીડિયો અને બે તસવીર ફેસબુક પર પોસ્ટ કરી દીધી હતી. આ પછી પોલીસે તેની ધરપકડ કરી અને શનિવારે વેસ્ટમિન્સ્ટર મેજીસ્ટેટ્સ કોર્ટે તેને સજા સંભળાવી હતી.


comments powered by Disqus