અમદાવાદઃ ગુજરાતના રાજ્યપાલ ઓ. પી. કોહલીએ જણાવ્યું હતું કે પુસ્તકાલયથી જ્ઞાન, સ્વાધ્યાય, સિદ્ધિ અને શિક્ષણ પ્રાપ્ત થાય છે. દરેક બાળકના જ્ઞાન માટે દરેકના ઘરમાં પુસ્તકાલય હોવું જરૂરી છે. શાળાની બહાર વધુ શિક્ષણ પ્રાપ્ત કરવા બાળકોએ ઘરમાં શાળા સિવાયના અન્ય પુસ્તકો રાખવા જોઈએ.
મહેસાણા જિલ્લાના વીસનગર તાલુકાના વીસનગરથી આઠ કિ.મી. દૂર સાવ નાના કડા ગામે ૧૭ જાન્યુઆરીએ રાજ્યપાલ દ્વારા ગુજરાતના સૌપ્રથમ ગ્રામ્ય વિસ્તારમાં ૫૦ લાખના ખર્ચે તૈયાર કરવામાં આવેલા પુસ્તકાલયની લોકાર્પણ વિધિ કરવામાં આવી હતી. આ પ્રસંગે આવા નાના ગામમાં ભૂતપૂર્વ મુખ્યપ્રધાન આનંદીબહેન પટેલ, શિવાનંદ આશ્રમના અધ્યક્ષ સ્વામી આધ્યાત્માનંદજી તથા સફાઈ આંદોલનના આગેવાન જયેશભાઈ પટેલ, ગુજરાતના ગ્રંથાલય નિયામક કૌશિકભાઈ શાહ, લંડનના ગુજરાતી સાપ્તાહિક ‘ગુજરાત સમાચાર’ અને અંગ્રેજી સાપ્તાહિક ‘એશિયન વોઈસ’ના પ્રકાશક-તંત્રી સી. બી. પટેલ સહિત ગુજરાતના શિક્ષણકારો, સાહિત્યકારો વગેરે હાજર રહ્યા હતાં.
આ પુસ્તકાલય ગુજરાતના સાહિત્યકાર-લેખક ડો. મફતલાલ પટેલે તૈયાર કરાવ્યું છે. કડા ગામ ડો. મફતલાલ પટેલનું વતન છે. આ પુસ્તકાલય ૧૦૦ વર્ષ પહેલાં શરૂ કરવામાં આવ્યું હતું તથા ૧૦ વર્ષ પહેલાં મકાન જૂનું થયું હોવાને કારણે તૂટી ગયું હતું. આથી ડો. પટેલે ૫૦ લાખ રૂપિયાના ખર્ચે પુસ્તકાલય તૈયાર કર્યું છે. તેમાં પુસ્તકો ઉપરાંત અન્ય સુવિધાઓ કોમ્પ્યુટર, ઈ-મેઈલ, વાઈફાઈ, ફેક્ત વગેરેની સવગડતાઓ રાખવામાં આવી છે.
ડો. મફતલાલ પટેલે આ પ્રસંગે સી. બી. પટેલનું શાલ ઓઢાવી સન્માન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે સી. બી. પટેલ લંડનથી ખાસ અહીં ગુજરાતમાં આવ્યા છે. મારા ટૂંકા આમંત્રણને માન આપીને તેઓ તેમના વ્યસ્ત કાર્યક્રમમાં પણ મારા કાર્યક્રમમાં હાજર રહ્યાં છે. લંડનમાં તેઓ સામાજિક સેવાઓમાં ખૂબ ભાગ લઈ રહ્યા છે તથા આર્થિક મદદ પણ કરી રહ્યા છે.
આ કાર્યક્રમ સંચાલકે સી. બી. પટેલની સાથે આવેલા ગુજરાતના વરિષ્ઠ પત્રકાર હિન્દુસ્તાન સમાચાર ન્યૂઝ એજન્સીના બ્યુરો ચીફ ભુપતરાય પારેખનો પણ પરિચય આપ્યો હતો અને તેમણે આ સમારંભ વિશે મોકલેલા સમાચારનો ખાસ ઉલ્લેખ કર્યો હતો.
રાજ્યપાલ કોહલીએ આ નવા બંધાયેલા પુસ્તકાલયની લોકાર્પણ વિધિ કરી હતી. તેઓ પુસ્તકાલયમાં ફર્યા હતા અને જુદીજુદી સગવડતાઓ જોઈ હતી. તેમની સાથે પૂર્વ મુખ્યપ્રધાન આનંદીબહેન પટેલ, સ્વામી આધ્યાત્માનંદજી તથા લંડનના શ્રી સી. બી. પટેલ અને ડો. મફતલાલ પટેલ વગેરે હતા.
આ પ્રસંગે યોજાયેલા કાર્યક્રમમાં બોલતા રાજ્યપાલે વધુમાં જણાવ્યું હતું કે દરેક શહેરો કે ગામડાંઓમાં પુસ્તકાલય વગરની શાળા નક્કામી છે તથા શાળા વગરનું પુસ્તકાલય નકામું છે. પુસ્તકાલય દ્વારા જ્ઞાનને સર્વોચ્ચ શિખર ઉપર લઈ જવામાં આવે છે. નવા નવા વિચારો પ્રાપ્ત થાય છે. પુસ્તકાલય એ જ્ઞાનની સીડી ચઢવાનું સાધન છે અને પુસ્તકાલય ખુદ પોતે જ એક યુનિવર્સિટી છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે શાળાની બહાર શિક્ષણ મેળવવું હોય તો પુસ્તકાલય જરૂરી છે. પુસ્તકાલય શિક્ષણ સંસ્થા છે. તેઓ માત્ર વિદ્યાર્થીઓને જ નહીં, પરંતુ દરેક ગામ અને શહેરના લોકોને જ્ઞાન પૂરું પાડે છે.
રાજ્યપાલે કહ્યું હતું કે બાળકોને શિક્ષણ આપવામાં આવે છે તેમાં બુક કલ્ચરનું શિક્ષણ આપવું જોઈએ. જો બાળકો પુસ્તકો ખરીદતા થશે અને દરેકના ઘરમાં પુસ્તકાલય શરૂ થશે તો વિદ્યાર્થીઓ તેમના શિક્ષણમાં ખૂબ આગળ વધી શકશે. પુસ્તકાલય એ ખુલ્લી યુનિવર્સિટી છે.
તેમણે કહ્યું હતું કે દરેક ઘરમાં બે વસ્તુ હોવી જરૂરી છેઃ એક પુસ્તકાલય અને બીજો બગીચો હોવો જોઈએ. બગીચો પ્રકૃતિ માટે જરૂરી છે, પુસ્તકાલય જ્ઞાન માટે જરૂરી છે. તેમણે કહ્યું હતું કે મોટા શહેરોમાં જેઓ ભંગાર વેચે છે તેમાં અતિ મહત્ત્વના પુસ્તકો મળતા હોય છે. હું દિલ્હીમાં શિક્ષણ સંસ્થામાં કામ કરતા હતો ત્યારે મેં જોયું હતું કે દિલ્હીમાં ભંગાર વેચવાવાળાને ત્યાં અતિ મહત્ત્વના દુર્લભ પુસ્તકો મળતાં હતાં.
તેમણે લોકાર્પણ કરવામાં આવેલા પુસ્તકાલય વિશે જણાવ્યું હતું કે આવડા નાના ગામમાં ઘણી બધી સગવડતાવાળું સુંદર પુસ્તકાલય બનાવવામાં આવ્યું છે તેની પાછળ ડો. મફતલાલ પટેલે ઘણા વર્ષો મહેનત કરી હતી અને લોકફાળો પણ એકત્રિત કર્યો હતો. આવું સુંદર પુસ્તકાલય જુદી જુદી સગવડતાવાળું દરેક ગામમાં હોવું જરૂરી છે.
ભૂતપૂર્વ મુખ્યપ્રધાન આનંદીબહેન પટેલે આ પ્રસંગે જણાવ્યું હતું કે અહીં કડા ગામના લોકોએ આટલું સુંદર જુદી જુદી સગવડતાવાળું પુસ્તકાલય તૈયાર કર્યું છે તેવું પુસ્તકાલય દરેક ગામમાં હોવું જરૂરી છે. શાળા અને શિક્ષણ સંસ્થાની બહાર શિક્ષણ મેળવવાનું બીજું સાધન તે પુસ્તકાલય છે. ભારતમાં શિક્ષણ મેળવવામાં આપણે ઘણા પાછળ છીએ. ભારતની સ્વતંત્રતા પછી શિક્ષણના ક્ષેત્રે આપણે ઘણા પાછળ હતાં. હું ગુજરાતમાં ૧૯૯૮માં શિક્ષણપ્રધાન બની ત્યારે શિક્ષણ સુધારવા માટે અને વધુ શિક્ષણ અપાવવા માટે મારે ઘણો સંઘર્ષ કરવો પડ્યો હતો. શિક્ષકો મળતા ન હતા. મેં ૧૦ વર્ષમાં શિક્ષણપ્રધાન તરીકે આંગણવાડી અને પ્રાથમિક શાળાઓ વધારવા માટે ઘણું કામ કર્યું હતું. આપણે આપણા બાળકને નવ-દસ વર્ષની ઉંમર સુધી શિક્ષણ પ્રાપ્ત થાય તે માટે માતા-પિતાએ ઘણો સંઘર્ષ કરવો જોઈએ. બાળક માતાના ગર્ભમાં હોય ત્યારથી જ ગર્ભમાંના બાળકને શિક્ષણ મળે તે માટે માતાએ પણ ઘણું જ્ઞાન મેળવવું જોઈએ અને તે પુસ્તકાલયમાંથી મળી શકે.
શ્રીમતી પટેલે વધુમાં કહ્યું હતું કે હું શિક્ષણપ્રધાન તરીકે પ્રથમવાર જર્મની ગઈ હતી. જર્મનીમાં પ્રાથમિક શાળાની મુલાકાત લેતાં બાળકો જોવા મળ્યા ન હતાં. પરંતુ માતા-પિતા જોવા મળ્યાં હતાં. માતા ગર્ભમાના બાળકને શિક્ષણ મળે તે માટે શાળાઓમાં આવતા હતા.
તેમણે કહ્યું હતું કે તેઓ મુખ્યપ્રધાન બન્યા બાદ પોલીસ વિભાગમાં ૩૩ ટકા મહિલાઓ માટે અનામતની પ્રથા દાખલ કરી હતી. દીકરીઓએ સનદી અધિકારી કે પોલીસ અધિકારી બનવા માટે પ્રયત્નો કરવા જોઈએ. તેમણે કહ્યું હતું કે રાજ્ય સરકાર તરફથી દીકરીનો વિકાસ થાય તે માટે ૯૦ હજાર અને દીકરાના વિકાસ માટે ૭૫ હજારની રકમની સહાયતા આપવામાં આવે છે.
તેમણે વધુમાં કહ્યું હતું કે ગામડાઓમાં શૌચાલયો હોતા નથી. આની નાની દીકરીઓ-યુવતીઓને અને મહિલાઓને રાત્રે શૌચાલયમાં જવું પડે છે. તેથી બળાત્કારના બનાવો, મારપીટના બનાવો, દીકરીને ભગાડી જવાના બનાવો બનતાં હતાં. એક ગામમાં તો નાની બાળા રાત્રે ખુલ્લામાં શૌચાલય ગઈ હતી ત્યારે ચાર પાંચ કૂતરાઓ આ નાની બાળાને ખેંચીને લઈ ગયા હતાં. રાત્રે આ બાળાનો અવાજ સાંભળનાર કોઈ હતું નહીં. છેલ્લે બાળાને કૂતરાથી મુક્ત કરીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. પરંતુ તે બચી શકી ન હતી. નવસારી જિલ્લાના આદિવાસી ગામનો આ બનાવ હતો.
તેમણે કહ્યું હતુંકે નરેન્દ્ર મોદી વડા પ્રધાન બન્યા બાદ બીજી ઓક્ટોબરથી ભારતભરમાં દરેક ઘરોમાં શૌચાલય બને તેવી ઝુંબેશ શરૂ કરી છે. દરેક યુવકોએ તેના માતા-પિતાને એક શૌચાલય બાંધીને તેની ભેટ આપવી જોઈએ.
તેમણે રાજ્યપાલ વિશે જણાવ્યું હતું કે હું ૧૯૯૪માં રાજ્યસભાની સભ્ય બની હતી. ત્યારે રાજ્યપાલ રાજ્યસભાના સભ્ય હતાં. તેઓ શિક્ષણશાસ્ત્રી છે. વિદ્વાન છે, જ્ઞાની છે. તેમના દ્વારા આજે આ અમારા કડા ગામમાં પુસ્તકાલયની લોકાર્પણ વિધિ કરવામાં આવી છે, તેનો મને ખુબ આનંદ છે.
સમારંભની શરૂઆતમાં આ પુસ્તકાલયનું બાંધકામ કરનાર ડો. મફતલાલ પટેલે જણાવ્યું હતું કે, ૧૦૦ વર્ષ પહેલાં વડોદરાના ગાયકવાડી રાજાઓએ આ ગામમાં પુસ્તકાલય બાંધ્યું હતું. ત્યારબાદ ૧૦ વર્ષ પહેલાં આ પુસ્તકાલયનું મકાન જર્જરિત થઈ જવાને કારણે તૂટી ગયું હતું. આથી મેં કલકત્તાથી રાજા રામમોહન રાય ફાઉન્ડેશન દ્વારા છ લાખ રૂપિયા નવા પુસ્તકાલયના બાંધકામ માટે મેળવ્યાં હતાં તથા ગુજરાતના કોંગ્રેસના રાજ્યસભાના સભ્ય સ્વ. પ્રવિણ રાષ્ટ્રપાલે ૫ લાખ રૂપિયા આપ્યા હતા અને મારા પરિવાર તરફથી ૧૧ લાખ રૂપિયા આપવામાં આવ્યાં હતાં. આ ઉપરાંત આ ગામના લોકો જેઓ જુદા જુદા શહેરોમાં અને વિદેશમાં રહે છે તેમની પાસેથી ૩૦ લાખ રૂપિયાનો ફાળો એકત્રિત કરી ગુજરાતના સૌ પ્રથમ આવા નાના ગામમાં ૫૦ લાખ રૂપિયાના ખર્ચે જુદી જુદી સગવડતાઓ સાથેનું પુસ્તકાલય તૈયાર કરવામાં આવ્યું છે.
તેમણે કહ્યું હતું કે આજે આ કાર્યક્રમમાં આ પુસ્તકાલય માટે દાન આપનારાઓનું સ્વાગત કરવામાં આવ્યું છે તથા દેશવિદેશથી ખાસ કરીને લંડનથી સી. બી. પટેલ જેઓ ‘ગુજરાત સમાચાર’ સાપ્તાહિકના પ્રકાશક-તંત્રી છે તેઓ અહીં હાજર છે. શિવાનંદ આશ્રમના સ્વામી આધ્યાત્માનંદજી તથા ગુજરાતના ગ્રંથાલય નિયામક કૌશિકભાઈ શાહ તથા ગુજરાતમાં ગ્રામ્ય વિસ્તારમાં સફાઈ આંદોલનને વેગ આપનાર માનવ સાધના ટ્રસ્ટના જયેશભાઈ પટેલ વગેરે હાજર છે.
સ્વામી આધ્યાત્માનંદજી અને અન્ય કેટલાક આગેવાનોએ પ્રવચનો કરી આટલું સુંદર પુસ્તકાલય સાવ નાના ગામમાં બનાવવા બદલ ડો. મફતલાલ પટેલને અભિનંદન આપ્યા હતા.
રાજ્યપાલ ઓ. પી. કોહલી, ભૂતપૂર્વ મુખ્યપ્રધાન આનંદીબહેન પટેલ, સ્વામી આધ્યાત્માનંદજી, કૌશિકભાઈ શાહ, જયેશભાઈ પટેલ, સી. બી. પટેલ વગેરેનું શાલ ઓઢાવી સ્મૃતિચિહ્ન અર્પણ કરી તથા જુદા જુદા સાત પુસ્તકોનું તેમના હસ્તે વિમોચન કરી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું.

