શ્રીહરિકોટા: ભારતે એક સાથે ૧૦૪ સેટેલાઇટ લોન્ચ કરી અંતરિક્ષ વિજ્ઞાન ક્ષેત્રે હનુમાનકૂદકો માર્યો છે. ઇંડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (‘ઇસરો’)એ પીએસએલવી-સી-૩૭ રોકેટના માધ્યમથી આ ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. એક સાથે સૌથી વધુ સેટેલાઇટ લોન્ચ કરવાનો વિશ્વવિક્રમ અત્યાર સુધી રશિયાના નામે હતો. તેણે એક સાથે ૩૭ સેટેલાઇટ લોન્ચ કર્યા હતા.
આંધ્ર પ્રદેશના શ્રીહરિકોટામાં આવેલા સતીષ ધવન સ્પેસ સેન્ટર પરથી ૧૫ ફેબ્રુઆરીએ સવારે પીએસએલવી-સી-૩૭એ ૧૦૪ સેટેલાઇટ્સ સાથે ૩૯મી ઉડાન ભરી હતી. ટેઇક-ઓફ્ફની ૧૭ મિનિટે રોકેટે સેટેલાઇટ્સને એક પછી એક પૃથ્વીની પરિભ્રમણ કક્ષામાં મૂકવાની કામગીરી શરૂ કરી દીધી હતી.
અંતરિક્ષમાં તરતા મૂકાયેલા ૧૦૪ ઉપગ્રહ પૈકી ૧૦૧ સેટેલાઇટ્સ અન્ય છ દેશોના છે. જેમાં અમેરિકાના ૯૬ તેમજ ઇઝરાયલ, યુનાઇટેડ આરબ અમિરાત, નેધરલેન્ડ, સ્વિત્ઝર્લેન્ડ તેમજ કઝાખસ્તાનના એક-એક સેટેલાઇટનો સમાવેશ થાય છે.
પીએસએલવીએ સૌપ્રથમ પોતાના મુખ્ય પેલોડ સમાન ભારતમાં સ્વદેશી ધોરણે તૈયાર થયેલા કાર્ટોસેટ-૨ શ્રેણીના ઉપગ્રહને કક્ષામાં તરતો મૂક્યો હતો. આ ઉપગ્રહ પૃથ્વી નિરીક્ષણ માટેનો ઉપગ્રહ છે. પછી ‘ઇસરો’ દ્વારા જ તૈયાર થયેલા બે નેનો સેટેલાઇટ આઇએનએસ-૧એ અને આઇએનએસ-બી તરતા મૂકાયા હતા. જ્યારે અન્ય દેશોના ૧૦૧ નેનો ઉપગ્રહોનું તો ૧૦ જ મિનિટમાં લોન્ચિંગ થયું હતું.
‘ઇસરો’ના ચેરમેન એ. એસ. કિરણકુમારે ૧૦૪ સેટેલાઇટ્સ એક જ ખેપમાં સફળતાપૂર્વક તરતા મૂકવા બદલ વિજ્ઞાનીઓને અભિનંદન આપ્યાં હતાં. રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ વિજ્ઞાનીઓની ટીમને અભિનંદન આપ્યાં હતાં.
ચીનનો પડકાર મોટો!
૧૦૪ ઉપગ્રહોને એક સાથે અવકાશમાં તરતા મૂકીને ‘ઇસરો’એ ઇતિહાસ રચી દીધો છે. અંતરિક્ષમાં ભારતની એ અનેરી સિદ્ધિ છે. ‘ઇસરો’એ વિશ્વને દેખાડી દીધું છે કે ઉપગ્રહ પ્રક્ષેપણના બજારમાં ભારત ખૂબ જ ઝડપથી પોતાનું સ્થાન નક્કર બનાવી રહ્યું છે. જોકે ચીન ભારતને પડકાર આપી શકે એમ છે. ૧૦૧ વિદેશી ઉપગ્રહોના સફળ લોન્ચ સાથે ‘ઇસરો’એ અત્યાર સુધીમાં કુલ ૧૮૦ વિદેશી ઉપગ્રહો અંતરિક્ષમાં તરતા મૂક્યા છે.
અંતરિક્ષ બજારમાં ભારતનો મોટો પ્લસ પોઇન્ટ એ છે કે સેટેલાઇટને લોન્ચ કરવામાં આવતો ખર્ચ બહુ ઓછો છે. અલબત્ત, ચીન આ મામલે પણ ભારતને ટક્કર આપી રહ્યું છે. ભારત અંતરિક્ષમાં ઉપગ્રહોને તરતા મૂકવાના વ્યાપારમાં ચીનને ખરા અર્થમાં ત્યારે જ ટક્કર આપી શકશે, જ્યારે તે વધુ વજનના ઉપગ્રહો અવકાશમાં તરતા મૂકતું થશે.
વિજ્ઞાનીઓમાં આનંદનું મોજું
‘ઇસરો’ના ચેરમેન કિરણ કુમારે ઉપગ્રહ અંતરિક્ષમાં તરતા થઇ ગયાની જાહેરાત કરી તે સાથે જ વિજ્ઞાનીઓમાં હર્ષોલ્લાસનું મોજું ફરી વળ્યું હતું. તેમણે કહ્યું હતું કે ‘ઈસરોની ટીમને આ અદભુત કાર્ય માટે હૃદયપૂર્વકના અભિનંદન.’ કિરણ કુમારે કહ્યું હતું કે આ ઉપગ્રહોએ પૃથ્વી પરના સ્ટેશનો ખાતે કમ્યુનિકેશન શરૂ કરી દીધું છે. આ લોન્ચીંગનો હેતુ ‘ઇસરો’ને સારામાં સારું વળતર મળે અને તે સાથે તેની ક્ષમતામાં પણ સુધારો થાય તેવો હતો. પ્રોજેક્ટ ડિરેક્ટર બી. જય કુમારે કહ્યું હતું કે ઈસરોએ તેના ગ્રાહકોની અપેક્ષા મુજબની કામગીરી કરી બતાવી છે. વડા પ્રધાન મોદીએ પણ ઈસરોની આ ‘અસાધારણ સિદ્ધિ’ ગણાવીને તેની ટીમને અભિનંદન આપ્યા હતા.
‘ઇસરો’નો દેશી નુસખો
‘ઇસરો’એ પીએસએલવી રોકેટ દ્વારા એકસાથે ૧૦૪ ઉપગ્રહ છોડ્યાં છે. સૌથી મજાની વાત એ છે કે ઈસરોએ આ માટે જે દેશી નુસ્ખો અજમાવ્યો છે તેનાથી વિશ્વભરના વૈજ્ઞાનિકો અચંબિત બન્યાં છે. ફટાકડાની ગોળ ઘૂમતી ચકરડીના આઈડિયાનો અવકાશમાં આબાદ ઉપયોગ કરીને તમામ ઉપગ્રહને એકબીજા સાથે ટકરાય નહીં તે રીતે તરતા મૂકાયા છે.
ફટાકડાની આઈટેમમાં ચકરડી નામનો નાનો ફટાકડો આવે છે. ચકરડી ગોળ ફરતી જાય છે તે સાથે તેમાંથી અગ્નિ નીકળવાની દિશા બદલાતી જાય. ઈસરોએ આ ચકરડીનો આઈડિયા અવકાશમાં સફળ રીતે અજમાવ્યો. ઈસરોના ડિરેક્ટર ડો.તપન મિશ્રાએ કહ્યું કે રોકેટ અવકાશમાં પહોંચી ગયા બાદ અમે રોકેટને ઉંઘું કરી નાખ્યું. બાદમાં તેને ગોળ ફેરવવાનું શરૂ કર્યું. ત્યારપછી તેમાંથી એક પછી એક ઉપગ્રહને છૂટા કરવાની સાથે જ દરેક ઉપગ્રહ તેની ભ્રમણ-કક્ષામાં એકબીજા સાથે અથડાયા વગર ગોઠવાવા લાગ્યા હતા.
‘ઇસરો’ની ભાવિ યોજના
‘ઇસરો’ આવનારા દિવસોમાં સૂર્ય, જ્યુપિટર (ગુરુ) અને વિનસ (શુક્ર) પર પોતાની હાજરી નોંધાવવાની તૈયારીમાં વ્યસ્ત છે. આ ઉપરાંત ચંદ્ર અને મંગળ પર બીજું સ્પેસક્રાફ્ટ રવાના કરવાની યોજના પણ છે.
ભારતનું અંતરિક્ષમાં પ્રથમ...
• ૫૮ વર્ષ પહેલાં પ્રથમ લોન્ચીંગઃ ભારતે પોતાનું પ્રથમ રોકેટ લોન્ચીંગ ૨૧ નવેમ્બર ૧૯૬૩માં હાથ ધર્યું હતું. તેને અમેરિકા પાસેથી ખરીદવામાં આવ્યું હતું. માત્ર લોન્ચિંગક્ષમતા પારખવા તેનો ઉપયોગ થયો હતો.
• ૫૪ વર્ષ પહેલા પ્રથમ રોકેટઃ ભારતમાં બનેલું પ્રથમ રોકેટ રોહિણી-૭૫ હતું. તેને ૨૦ નવેમ્બર ૧૯૬૭ના રોજ લોન્ચ કર્યું હતું. રોકેટ ટેકનોલોજી તૈયાર કરવાની શક્તિ પારખવા તેનું લોન્ચીંગ થયું હતું.
• ૪૨ વર્ષ પહેલાં પ્રથમ સેટેલાઈટઃ આર્યભટ્ટ ભારતનો પ્રથમ સેટેલાઈટ હતો. તે ૧૯ એપ્રિલ ૧૯૭૫ના રોજ લોન્ચ થયો હતો. ૩૬૦ કિલોના ઉપગ્રહને ‘આર્યભટ્ટ’ નામ આપવામાં આવ્યું હતું.
• ૩૮ વર્ષ પહેલાં પ્રથમ RSSઃ ૭ જૂન ૧૯૭૯ના રોજ ‘ઇસરો’એ પ્રથમ રિમોટ સેન્સિંગ સેટેલાઈટ (RSS) ભાસ્કર-૧ લોન્ચ કર્યો હતો. તેની મદદથી જંગલ, પ્રાણી અને સમુદ્રની જાણકારી મેળવી શકાતી હતી.
• ૨૪ વર્ષ પહેલાં પ્રથમ PSLVઃ પોલર સેટેલાઇટ લોન્ચ વ્હીકલ (PSLV) ‘ઇસરો’નું પ્રથમ ઓપરેશનલ લોન્ચ વ્હીકલ છે. ૨૦ સપ્ટેમ્બર ૧૯૯૩ના રોજ તેણે પ્રથમ ઉડાન ભરી હતી. જોકે પ્રથમ લોન્ચિંગ નિષ્ફળ રહ્યું હતું.

