દેહરાદૂનઃ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના પ્રચારક રહેલા ત્રિવેન્દ્ર સિંહ રાવતે ઉત્તરાખંડનું મુખ્ય પ્રધાન સંભાળ્યું છે. દહેરાદુનના પરેડ ગ્રાઉન્ડમાં ૧૭ માર્ચે યોજાયેલા શપથગ્રહણ સમારોહમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી, પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ઉપરાંત ગૃહ પ્રધાન રાજનાથ સિંહ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ૫૭ વર્ષના રાવતે રાજ્યના નવમા મુખ્ય પ્રધાન તરીકે કાર્યભાર સંભાળ્યો છે. રાવત સાથે પ્રધાન તરીકે શપથ લેનારા જાણીતા નામોમાં સતપાલ મહારાજ, પ્રકાશ પંત, હરક સિંહ રાવત, મદન કૌશિક વગેરેનો સમાવેશ થાય છે.
ત્રિવેન્દ્ર સિંહ રાવત દહેરાદુનની ડોઈવાલા વિધાનસભા બેઠક પરથી જીત્યા છે. તેઓ આ બેઠક પરથી ત્રીજી વખત ચૂંટાયા છે. અગાઉની ભાજપની સરકારમાં તેઓ કૃષિ પ્રધાન હતાં. આ વખતની ચૂંટણીમાં તેમણે કોંગ્રેસના ઉમેદવાર હીરા સિંહ બિષ્ટને ૨૪ હજાર કરતાં વધુ મતોથી હરાવ્યાં હતાં. ત્રિવેન્દ્ર સિંહના નામ પર આગલા દિવસે જ પક્ષે મંજૂરીની મહોર લગાવી દીધી હતી. પત્રકાર તરીકે કામ કરી ચૂકેલા રાવત ભાજપના રાષ્ટ્રીય સચિવ રહી ચૂક્યા છે અને અમિત શાહના નજીકના ગણાય છે. ૨૦૧૪ની લોકસભાની ચૂંટણીમાં તેમણે અમિત શાહ સાથે ખૂબ કામ કર્યું હતું. સંઘે પણ તેમના નામ પર મહોર લગાવી હતી. રાવત સાથે મુખ્ય પ્રધાન પદની દોડમાં સતપાલ મહારાજ અને પ્રકાશ પંતના નામ ચર્ચામાં હતા, પણ રાવતને સર્વસંમતિથી નેતા તરીકે ચૂંટી કાઢવામાં આવ્યા હતા.
ઉત્તરાખંડ વિધાનસભા ગૃહની કુલ ૭૦ બેઠકોમાંથી ભાજપે ૫૭ બેઠકો પર કબજો જમાવ્યો છે.
રાવત રાજ્યમાં ભાજપના પાંચમા મુખ્ય પ્રધાન છે. ભાજપે ઉત્તરાખંડમાં પહેલી સરકાર ૨૦૦૦માં બનાવી હતી. તે સમયે ઉત્તર પ્રદેશથી તે અલગ પડીને એક નવું રાજ્ય બન્યું હતું. નિત્યાનંદ સ્વામી રાજ્યના પહેલા મુખ્ય પ્રધાન હતાં.
કોણે કોણે લીધા શપથ?
રાવતે મુખ્ય પ્રધાન પદના શપથ લીધા તો સતપાલ સિંહ મહારાજ, પ્રકાશ પંત, હરક સિંહ રાવત, મદન કૌશિક, યશપાલ આર્ય, અરવિંદ પાંડે, સુબોધ ઉનિયાલ, રેખા આર્ય ને ધનસિંહ રાવતે પ્રધાન તરીકે શપથ લીધા હતા. કોંગ્રેસ છોડીને જે ચાર નેતાઓ ભાજપમાં આવ્યાં હતાં તે તમામને કેબિનેટમાં જગ્યા મળી છે. કોંગ્રેસમાંથી આવેલા રેખા આર્યએ રાજ્યપ્રધાન તરીકે શપથ લીધા હતા.
સંઘના મજબૂત અને સક્રિય કાર્યકર
રાવત એ ઠાકુર નેતા છે. સંઘ પરિવાર સાથે તેમના મજબૂત સંબંધોને કારણે તેમની ઉત્તરાખંડના મુખ્ય પ્રધાન તરીકે પસંગી કરવામાં આવી છે. ૧૯૮૩થી ૨૦૦૨ સુધી તેઓ સંઘપ્રચારક રહ્યા હતા. ઠાકુરસમાજમાં તેઓ સારું પ્રભુત્વ ધરાવે છે. તેમણે અગાઉ સંઘમાં મહત્ત્વના હોદો પર કામગીરી કરી છે. તેઓ અમિત શાહના નિકટના મનાય છે. રાવત ભાજપના વડા અમિત શાહ સાથે નિકટનો સંબંધ ધરાવે છે. ભાજપની નેતાગીરીને તેમના પર વિશ્વાસ છે. ૨૦૧૪ની લોકસભાની ચૂંટણીમાં રાવતને યુપીમાં પ્રાદેશિક ચૂંટણી ઇન્ચાર્જ બનાવવામાં આવ્યા હતા. જ્યાં ભાજપનો જંગી મતોથી વિજય થયો હતો. રાવતનો જન્મ ૨૦ ડિસેમ્બર ૧૯૬૦માં પૌડીના ખૈરાસૈણ ખાતે થયો હતો. તેમણે પોસ્ટ ગ્રેજ્યુએટ સાથે પત્રકારત્વનો ડિપ્લોમા મેળવ્યો છે.

