ચંદીગઢઃ રાજ્ય વિધાનસભાની ૧૧૭માંથી ૭૭ સીટો પર જીત હાંસલ કરીને કોંગ્રેસે ફરી સત્તા હાંસલ કરી છે. પંજાબનાં મુખ્ય પ્રધાનપદે કેપ્ટન અમરિન્દર સિંહે બીજી વખત અને રાજ્યના ૨૬મા મુખ્ય પ્રધાન તરીકે ૧૮ માર્ચે શપથ લીધા હતા. ગવર્નર વી. પી. સિંહ બડનોરે તેમને હોદ્દો અને ગુપ્તતાના શપથ લેવરાવ્યા હતા. તેમની સાથે નવ પ્રધાનોએ પણ શપથ લીધા હતા. અમરિન્દર સિંહ પછી બીજા ક્રમે બ્રહ્મ મોહિન્દર સિંહે જ્યારે નવજોત સિંહ સિદ્ધુએ ત્રીજા સ્થાને શપથ લીધા હતા. વડા પ્રધાન મોદીએ કેપ્ટન અમરિન્દર સિંહને ટ્વિટ કરીને અભિનંદન આપ્યાં હતાં.
૧૯૬૫ના ભારત-પાકિસ્તાન યુદ્ધમાં ભારતીય સેનામાંથી કેપ્ટન તરીકે યુદ્ધ લડી ચૂકેલા અમરિન્દર સિંહ વહીવટી તંત્ર પરની તેમની કુનેહ માટે બહુ જાણીતા છે. નવી સરકારની રચના સાથે જ કેપ્ટને પંજાબના વહીવટી તંત્રમાં સાફસૂફી શરૂ કરી છે. કલમના એક જ ઝાટકે ૧૨ આઈએએસ ઓફિસરોની બદલી કરવામાં આવી છે. તેમણે તમામ પ્રધાનોને લાલ લાઇટ વાળી ગાડી વાપરવાની મનાઇ ફરમાવી છે. તો પ્રધાનોના વિદેશ પ્રવાસો પર પણ પ્રતિબંધ લાદયો છે. આ ઉપરાંત તેમણે વહીવટી ખર્ચમાં કરકસરના આદેશ પણ આપ્યા છે.
કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી સહિત પક્ષના ટોચના નેતાઓ કેપ્ટનના શપથવિધિ સમારોહમાં હાજર રહ્યા હતા. જોકે સૌથી વધુ ચોંકાવનારી હાજરી અરુસા આલમની હતી. આ પાકિસ્તાની મહિલા પત્રકારે ૨૦૦૭માં એક પત્રકાર પરિષદમાં પોતાને કેપ્ટન અમરિન્દર સિંહની મિત્ર ગણાવી હતી ત્યારથી તેના અને કેપ્ટનના સંબંધો અંગે અનેક વાતો ચર્ચાતી રહે છે.
સિદ્ધુ હાથ ઘસતા રહી ગયા
ભાજપમાંથી કોંગ્રેસમાં જોડાયેલા અને અમૃતસર ઇસ્ટ પરથી ચૂંટાયેલા નવજોત સિંહ સિદ્ધુને કેબિનેટ પ્રધાન બનાવાયા છે. તેમની ઇચ્છા નાયબ મુખ્ય પ્રધાન પદની હતી, જોકે કેપ્ટને તેમની ઇચ્છા સંતોષી નથી. સિદ્ધુને બીજો ફટકો એ પડયો છે કે કેપ્ટને તેમને ઓછું મહત્ત્વનું લોકલ બોડીનું ખાતું સોંપ્યું છે.
સિદ્ધુની સાથે મનપ્રીત બાદલ, સાધુ સિંહ ધર્મસોત, તૃપ્ત રાજિન્દર સિંહ બાજવા, રાણા ગુરજિત સિંહ, ચરણજિત સિંહ ચન્નીએ કેબિનેટ પ્રધાન તરીકે શપથ લીધા હતા. જ્યારે અરુણા ચૌધરી અને રઝિયા સુલતાનાએ રાજ્યકક્ષાના સ્વતંત્ર હવાલો સંભાળનાર પ્રધાનો તરીકે શપથ લીધા હતા. આ ઉપરાંત પરગટ સિંહ અને ઓ.પી. સોનીએ પણ શપથ લીધા હતા.
આકરા મિજાજના અમરિન્દર સિંહ
કેપ્ટન અમરિન્દર સિંહ તેમના લશ્કરી મિજાજના સ્વભાવ અને કાર્યપદ્ધતિ માટે જાણીતા છે. સપ્ટેમ્બર ૨૦૧૫માં સોનિયા ગાંધીનાં નિવાસસ્થાન ૧૦ જનપથ પર એક દિવસ રાહુલ ગાંધી અને અમરિન્દર સિંહ વચ્ચે ટપાટપી થઈ હતી. રાહુલે તેમને યોગ્ય સન્માન આપ્યું નહોતું અને તેમને બેસવા પણ કહ્યું નહોતું. આ વખતે સોનિયા ગાંધીએ હસ્તક્ષેપ કર્યો હતો અને કહ્યું હતું કે રાહુલ... તુમ મત ભુલો, તુમ અપને દિવંગત પિતા કે દોસ્ત સે બાત કર રહે હો. આ પછી રાહુલ ઠંડા પડ્યા હતા.
ઉલ્લેખનીય છે કે ૧૯૮૦માં શાળા સમયના મિત્ર રાજીવ ગાંધી તેમને કોંગ્રેસમાં લઈ આવ્યા હતા. ૧૯૮૦માં તે પહેલી વખત લોકસભાની ચૂંટણી જીતી ગયા હતા. ૧૯૮૪માં ઓપરેશન બ્લૂ સ્ટાર પછી તેમણે કોંગ્રેસ છોડી દીધી હતી. ૧૯૮૪માં અકાલી દળમાં જોડાયા અને અકાલી દળ સરકારમાં કૃષિ પ્રધાન બન્યા. ૧૯૯૨માં તેમણે અકાલી દળ (પૈથિક) બનાવ્યું અને ૧૯૯૮માં તેનો કોંગ્રેસમાં વિલય થઈ ગયો. ૨૦૧૬ સુધી તેઓ લોકસભામાં વિપક્ષના નાયબ નેતા પદે પણ હતા. કેપ્ટને કેટલાક પુસ્તક લખ્યા છે, તેમના પુસ્તકો મહદઅંશે યુદ્ધ અને શીખો ઉપર આધારિત છે.
મોદીલહેરમાં જેટલીને હરાવ્યા હતા
જાણીતા પત્રકાર ખુશવંત સિંહે અમરિન્દર સિંહની આત્મકથા ‘કેપ્ટન અમરિન્દર સિંહ - ધ પીપલ્સ મહારાજા’માં લખ્યું હતું કે કોંગ્રેસે જ્યારે તેમને અમૃતસર બેઠક પરથી લોકસભા ચૂંટણી લડવા કહ્યું ત્યારે તેમણે ના પાડી હતી. આ પછી સોનિયા ગાંધીએ તેમને ફોન પર કહ્યું કે ‘આપ મેરે ખાતીર યહ ચુનાવ લડેંગે’ ત્યારે તેમણે હા પાડી હતી. આ પછી પ્રિયંકા ગાંધીએ પણ તેમને રાજીવ ગાંધી સાથે મિત્રતાની યાદ અપાવી હતી અને તેમના પિતા ખાતર આ ચૂંટણી લડવા સમજાવ્યા હતા. મોદી લહેર વચ્ચે તેમણે જેટલીને એક લાખ કરતાં પણ વધુ મતોથી હરાવીને અમૃતસરની બેઠક પર જીત અપાવી હતી.

