રાજકારણી નટુ તેમના મતવિસ્તારમાં મતદારોને મળવા ગયા ત્યારે લોકોએ તેમનો ઓટોગ્રાફ લેવા ધસારો કર્યો. આ ભીડમાં ઊભેલા ગટુએ રસ્તામાં પડેલો કાગળનો ચોળાયેલો ટુકડો નટુની સામે ધરીને ‘ઓટોગ્રાફ, પ્લીઝ’ કહ્યું.
ગંદો કાગળ જોઈને અકળાયેલા નટુએ કાગળ પર ગધેડાનું ચિત્ર દોરી દીધું. આ ચિત્ર જોઈને ગટુએ રાજકારણી નટુને કહ્યું, ‘સાહેબ, મેં તમારો ઓટોગ્રાફ માગ્યો હતો, ફોટોગ્રાફ નહીં.’
•
શિક્ષક નટુઃ ગટુ, તું આજે કેમ મોડો આવ્યો?
વિદ્યાર્થી ગટુઃ સાહેબ, રસ્તા પર લગાવેલા સાઇન બોર્ડને કારણે હું મોડો પડ્યો.
શિક્ષક નટુઃ તું મોડો પડ્યો એની સાથે સાઇન બોર્ડને શો સંબંધ છે?
વિદ્યાર્થી ગટુઃ સાહેબ, સાઇનબોર્ડ પર લખ્યું હતું કે આગળ સ્કૂલ છે, ધીમે જાઓ.
•
પતિઃ હું તારી આ રોજ રોજની ફરમાઈશોથી ત્રાસી ગયો છું. હવે હું આત્મહત્યા કરવા જઈ રહ્યો છું.
પત્નીઃ આમ શું કરો છો? જતાં જતાં એક સારામાંની સફેદ સાડી તો અપાવતા જાવ!
•
ટીનુને એની મમ્મીએ માર્યો. ટીનુ રિસાઈને ઘરના ઓટલા પર બેસી ગયો.
સાંજે પપ્પાએ આવીને પૂછયુંઃ શું થયું?
ટીનુંઃ પપ્પા, મને તમારી પત્ની સાથે ફાવતું નથી, મને મારી અલગ પત્ની જોઈશે!
•
પ્રકાશકઃ તમારા માટે એક સારા સમચાર છે અને બીજા મીઠા સમાચાર છે.
લેખકઃ સારા સમાચાર પહેલા આપો.
પ્રકાશકઃ ગૌરીને તમારી નવલકથા ખૂબ ગમી છે અને એ રીતસર એને આખી પચાવી ગઈ છે!
લેખકઃ અને માઠા સમાચાર શું છે?
પ્રકાશકઃ ગૌરી મારી ગાયનું નામ છે.
•
પુત્રીઃ મા, હું રમેશ સાથે ક્યારેય લગ્ન નહીં કરું. એ તદ્દન નાસ્તિક છે. નર્કમાં માનતો જ નથી.
માઃ તું ફિકર ન કર દીકરી. લગ્ન થઈ જવા દે, પછી એ આપોઆપ માનતો થઈ જશે.
•
બે ચોર રેડીમેડ સ્ટોરમાં ચોરી કરવા ઘૂસ્યા.
શર્ટ પરના ભાવનું પ્રાઇસ ટેગ જોઈને એક ચોરે બીજાને કહ્યુંઃ ‘જો તો ખરો! આ લોકો તો લૂંટવા જ બેઠા છે!’
•
પતિઃ તું રોટલી તો સારી બનાવે છે પણ મારી મમ્મી જેવી નથી બનતી. મમ્મી જેવી રોટલી બનાવ ને!
પત્નીઃ હા ચોક્કસ. મમ્મી જેવી રોટલી તો હું બનાવું, પણ પહેલાં તમે તમારા પપ્પા જેવો લોટ બાંધતા તો શીખી જાઓ!
•
નટુએ ગુજરાત રેસ્ટોરન્ટમાં ભોજન કર્યાં પછી વોશબેસિન પર હાથ ધોયા. પછી વિચિત્ર અવાજમાં કોગળાં કરીને મોઢું સાફ કર્યું. બિલ ચૂકવવા તે કાઉન્ટર પર ગયો. રેસ્ટોરન્ટનો માલિક ગટુ કાઉન્ટ પર બેઠો હતો. ગટુએ ચીડાઈને નટુને પૂછ્યું, ‘ભાઈ તમે આ પહેલાં કોઈ સારી રેસ્ટોરન્ટમાં ખાધું છે કે નહીં?’
નટુએ જવાબ આપ્યો, ‘ખાધું છે ને. આગલા ચાર રસ્તા પરની ગુજરાત કોન્ટિનેન્ટલ હોટેલમાં હું ગઈકાલે જ જમ્યો હતો.
ગટુએ પૂછ્યું, ‘ત્યાં પણ હાથ ધોતી વખતે આવા જ અવાજો કાઢ્યા હતા?’
નટુઃ હા એ તો મારી આદત છે.
ગટુઃ તો પેલા ગુજરાત કોન્ટિનેન્ટલના માલિકે તમને કશું ન કહ્યું?
નટુએ જવાબ આપ્યો, ‘કહ્યું ને... તેમણે મને તેમની પાસે બોલાવ્યો અને પ્રેમથી મારા ખભા પર હાથ મૂકીને કહ્યું કે જો ભાઈ આવા અવાજો કાઢવા હોય તો અહીંથી થોડે આગળ આવેલી ગુજરાત રેસ્ટોરન્ટમાં જમવા જજો.
•
નટુ (તેના ભાવિ જમાઈ ગટુને)ઃ બેટા, તું દારૂ પીએ છે?
ગટુઃ આ પ્રશ્ન છે કે આમંત્રણ?
