ભાજપમાં કહીં ખુશી કહીં ગમ
ગુજરાત વિધાનસભાની આગામી નવમી અને ૧૪મી ડિસેમ્બરે એમ બે તબક્કે યોજાનારી ચૂંટણીના ૧૮૨ પૈકી ૭૦ ઉમેદવારોનું લિસ્ટ ભાજપે ૧૭મી નવેમ્બરે જાહેર કર્યું હતું. બેઠકના જાહેર કરાયેલા આ લિસ્ટમાં પ્રથમ તબક્કાની ૮૯ પૈકી ૪૫ બેઠકના અને બીજા તબક્કાની ૯૨ પૈકી ૨૫ બેઠકનાં નામ જાહેર કરાયા હતા. ભાજપના પ્રથમ લિસ્ટમાં ૪૯ ધારાસભ્ય રિપિટ થયા હતા અને કોંગ્રેસમાંથી આવેલા પાંચને ટિકિટ અપાઈ હતી. આ યાદીમાં ૧૬ નવા ચહેરાનો સમાવેશ થતો હતો.
૭૦ નામ જાહેર થયા તેમાં પહેલાં તબક્કાની ચૂંટણીના કચ્છ-સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતની ૮૯ બેઠકોમાંથી ૪૨ અને બીજા તબક્કામાં અમદાવાદ-ઉત્તર મધ્ય ગુજરાતની ૯૩માંથી ૨૮ બેઠકો પર ભાજપના ઉમેદવારો નક્કી કર્યા હતા.
ભાજપની પહેલી યાદીએ સ્પષ્ટ કર્યું કે, મુખ્ય પ્રધાન વિજય રૂપાણી, નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ સાથેના ૧૭ પ્રધાનો અને એ જ રીતે ૫૫ સિંટિંગ ધારાસભ્યોને રિપિટ કરીને અને ૨૦૧૨ની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પોતાના તમામ ઉમેદવારો જાહેર કરે પછી જ યાદી પ્રસિદ્ધ કરવાની રણનીતિ બદલીને ભાજપે પોતાના આત્મ વિશ્વાસનો સ્પષ્ટ સંકેત આપી દીધો હતો. જે ધારાસભ્યોને રિપિટ કર્યા તેમાં ૪૯ ધારાસભ્યો ભાજપના મેન્ડેટ પર ચૂંટાયેલા છે, આ ઉપરાંત સાવલીના એક અપક્ષ કેતન ઈનામદાર તેમજ કોંગ્રેસમાંથી રાજીનામું આપીને આવેલા પાંચ એમ કુલ ૬ ધારાસભ્યોનો પણ સમાવેશ થતો હતો. મહુવામાં ભાવનાબહેનને બદલે તેમના પતિ રાઘવજીભાઈ મકવાણાને ટિકિટ મળી છે. આ સિવાય નવા ૧૫ પૈકી આઠ ઉમેદવારો અગાઉ ચૂંટણી લડી ચૂક્યા અને આઠમાંથી પાંચ તો ધારાસભ્ય તરીકે પણ રહી ચૂક્યા હતા. થોડા સમય અગાઉ કોંગ્રેસના ચાર ધારાસભ્યોને અલગ અલગ બોર્ડ નિગમમાં સમાવી લેવાયા હતા જ્યારે બાકીના પૈકી પાંચને ટિકિટ અપાઈ હતી. જસદણના કોંગ્રેસના ધારાસભ્ય ભાજપમાં આવ્યા છતાં તેમને ટિકિટ ન અપાઈ અને આ બેઠક પર પૂર્વ ધારાસભ્ય, પાટીદાર સમાજના આગેવાન ડો. ભરતભાઈ બોઘરાને ટિકિટ મળી હતી.
વઢવાણમાં મહિલા ધારાસભ્યો વર્ષાબહેન દોશીને ટિકિટ ન મળતાં ધનજીભાઈ પટેલની પસંદગી થઈ હતી. ભાજપના સૂત્રોએ જણાવ્યું કે મુજબ વર્ષાબહેનને તેમનું નબળું પર્ફોમન્સ નડી ગયું છે. તેથી તેમને રિપીટ કરાયા નથી. પક્ષના નેતાઓના જણાવ્યા અનુસાર, પાટીદારોની સાથોસાથ ઓબીસી, દલિત સહિતના ઉમેદવારોને પણ પૂરતું પ્રાધાન્ય અપાયું છે. ૧૭મી નવેમ્બરે બહાર પડેલા પ્રથમ લિસ્ટમાં પોરબંદરના ધારાસભ્ય અને કેબિનેટ મિનિસ્ટર બાબુભાઈ બોખીરિયાનું નામ ન આવતાં ભારે આશ્ચર્ય ફેલાયું હતું કારણ કે બાબુભાઈ બોખીરિયાના ડમી ઉમેદવાર તરીકે તેમનાં પત્નીએ ફોર્મ ભરી દીધું હતું. બીજા દિવસે એટલે કે ૧૮મી નવેમ્બરે જ ભાજપના અન્ય ૩૬ ઉમેદવારોનું બીજા ક્રમનું લિસ્ટ જાહેર કરાયું હતું.
નિર્મલા વાધવાણીનું પત્તું કટ
પાસનાં કન્વીનર કેતન પટેલ, અમરીશ પટેલ અને શ્વેતા પટેલ ૧૮મીએ કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયાની હાજરીમાં વિધિવત રીતે ભાજપમાં જોડાઈ ગયા હતા. આ નવા કાર્યકરોને ટિકિટની ફાળવણી બાબતે ચર્ચા વચ્ચે જ ભાજપે ૧૮મી નવેમ્બરે બહાર પાડેલી બીજી યાદીમાં કેબિનેટ પ્રધાન બાબુભાઈ બોખીરિયા, ગૃહ પ્રધાન પ્રદીપસિંહ જાડેજાના નામો જાહેર કરાયા હતા. જ્યારે મહિલા પ્રધાન ડો. નિર્મલાબહેન વાઘવાણી સહિત સંસદીય સચિવ શામજી ચૌહાણનું પત્તુ કાપી દેવાયું હતું. બીજી યાદીમાં કુલ ૧૦ ધારાસભ્યોની ટિકિટ કાપી લેવાઈ હતી. જેમાં પૂર્વ પ્રધાન રણજીત ગિલિટવાળા અને મંગુભાઈ પટેલનો પણ સમાવેશ થતો હતો. જ્યારે ૨૮ નવા ચહેરાઓમાં ગોંડલના જયરાજસિંહ જાડેજાને બદલે તેમનાં પત્ની ગીતાબાને ટિકિટ મળી હતી. જોકે, અમદાવાદ શહેર ભાજપ પ્રમુખ જગદીશ પંચાલને નિકોલથી રિપિટ કરાયા છે. ભાજપે બીજી યાદીમાં પણ ઞ્જાતિગત સમીકરણોને સાચવવાનો પૂરો પ્રયાસ કર્યો છે. રિઝર્વેશન હેઠળની ૧૨ બેઠકોમાં આદિવાસી અને ૨ એસસી બેઠકો માટે નામ જાહેર કર્યા છે. એસસી બેઠકમાં બંને નવા ચહેરાને લોહાણા, એક સિંધિ, બે ક્ષત્રિય સાથે ઠાકોર-બારૈયા અને કોળી સહિત કુલ ૯ ઓબીસીને સ્થાન આપ્યું છે.
રસાકસી પછી કોંગ્રેસના ઉમેદવારોની જાહેરાત
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાની ૮૯ બેઠકો પૈકી કોંગ્રેસે આખરે ૭૭ ઉમેદવારોની જાહેરાત કરી છે. પ્રથમ તબક્કાની આ યાદીમાં ૧૪ સિટિંગ ધારાસભ્યો રિપિટ થયા છે. પૂર્વ વિપક્ષી નેતા શક્તિસિંહ ગોહિલ અબડાસાના બદલે કચ્છની માંડવી બેઠક પરથી ચૂંટણી લડશે. ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુની રાજકોટ ઇસ્ટને બદલે વેસ્ટ કરાઈ છે. છેલ્લે ચૂંટણી હારેલા અર્જૂન મોઢવાડિયા ફરી વાર પોરબંદર બેઠક પરથી ચૂંટણી લડશે. કોંગ્રેસની પહેલી યાદીમાં મોટા ભાગના નવા ચહેરાઓને સ્થાન અપાયું છે. જોકે ૭૭માંથી માત્ર બે જ મહિલા ઉમેદવારને ટિકિટ મળી છે. કોંગ્રેસ ૭૭માંથી કુલ ૨૦ પાટીદારોને ટિકિટ આપી છે. આ ઉપરાંત ૩ ક્ષત્રિય, ૧ બ્રાહ્મણ, ૩ મુસ્લિમ, ૧ મરાઠી, ૧ જૈન, ૧ ભગત ઉમેદવારને ટિકિટ અપાઈ છે. ઓબીસીના કુલ ૨૯ પૈકી કોળી સમાજના ૧૯ ઉમેદવારોને ટિકિટ મળી છે. આ ઉપરાંત ૪ આહિર, ૧ સતવારા, ૨ મેર, ૧ રબારી અને ૧ ટંડેલ ઉમેદવારનો પણ ઓબીસી ઉમેદવારોમાં સમાવેશ કરાયો છે. અનામત હેઠળની એસીસી બેઠક માટે ૭ અને એસટી બેઠકો માટે ૧૧ ઉમેદવારને નામ જાહેર કરાયાં છે.
કોંગ્રેસે જે ૭૭ ઉમેદવારો જાહેર કર્યાં છે તેમાં ચાર પૂર્વ સાંસદો છે. જેમાં સોમા ગાંડા પટેલ લીંબડી વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડશે. વીરજી ઠુમ્મર લાઠીથી કંવરજી બાવળિયા જસદણ અને તુષાર ચૌધરીને મહુવાની એસટી બેઠક પરથી ટિકિટ અપાઈ છે. ધોરાજી બેઠક પર લલિત વસોયા અને કામરેજ પર નિલેશ કુમ્બાનીનો સમાવેશ થાય છે. શક્તિસિંહ ગોલિહ, વાંકાનેરમાં મોહંમદ જાવિદ પીરઝાદા, રાજકોટ (વેસ્ટ) ઇન્દ્રનિલ રાજ્યગુરુ, માણાવદરમાં જવાહર ચાવડા, વિસાવદરમાં હર્ષદ રિબડિયા, માંગરોળમાં બાબુ વાજા, ઉના પૂંજા વંશ, અમરેલી પરેશ ધાનાણી, પાલિતાણા પ્રવીણ રાઠોડ, માંડવી આનંદ ચૌધરી, વ્યારા પૂના ગામિત, ડાંગ મંગળ ગાવિત, ધરમપુર ઈશ્વર પટેલ અને કપરાડામાં જિતુ ચૌધરી રિપિટ ઉમેદવારો છે.
પૂર્વ સાંસદોએ ઝંપલાવ્યું
કોંગ્રેસે ચાર પૂર્વ સાંસદોને મેદાને ઉતાર્યા છે. સોમા ગાંડા પટેલને લીંબડી વિધાનસભા બેઠક પરથી ચૂંટણી જંગમાં ઉતાર્યા છે. વીરજી ઠુમ્મર લાઠીથી કુંવરજી બાવળિયા જસદણ અને તુષાર ચૌધરીને મહુવાની એસટી બેઠક પરથી ટિકિટ અપાઈ છેે.
ભરતસિંહ સોલંકી નારાજ
ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી ૧૮મી નવેમ્બરે અમદાવાદથી સીધા બોરસદ જવા રવાના થયા હતા. તેથી રાજકીય વર્તુળોમાં અટકળો વહેતી થઈ કે, ભરતસિંહ સોલંકી હાઈકમાન્ડથી નારાજ છે. નારાજગી પાછળનું કારણ એવું મનાય છે કે, ભરતસિંહ સોલંકીએ પોતાના જે માણસોના નામ સૂચવ્યા હતા તે તમામની બાદબાકી કરાઈ છે. રાહુલ ગાંધીએ સ્પષ્ટ સંભળાવી દીધું હતું કે, અમારી ટીમે જે સર્વે કર્યાં છે તેમાંથી એક પણ નામ અલગ અલગ સર્વેમાં આવતાં નથી. આ નારાજગીના કારણે જ ભરતસિંહ દિવસભર પ્રદેશ કોંગ્રેસ કાર્યાલયે ફરક્યા જ નહોતા. હકીકતે ૧૮મીએ ડેમેજ કંટ્રોલ માટે તેમની હાજરી ખૂબ જરૂરી હતી, છતાં તેઓ આવ્યા નહોતા.
પાસના બે ઉમેદવાર પાછા ખેંચાયા
કોંગ્રેસ પ્રથમ તબક્કા માટે બાકી રહી ગેયલા ૯ નામોની સોમવારે રાતે જાહેરાત કરી છે. ૯ નવા ઉમેદવારોની સાથે જૂનાગઢ, ભરૂચ, કામરેજ અને વરાછા રોડની બેઠક એમ કુલ ચાર બેઠકો પર ઉમેદવારો બદલી નાંખ્યા છે. આમ પ્રથમ તબક્કાની ૮૯ બેઠકો પૈકી કોંગ્રેસ ૮૬ બેઠકો પર ચૂંટણી લડશે. બાકી ત્રણ બેઠકો પર કોંગ્રેસ છોટુ વસાવા સાથે ગઠબંધન કરશે. છોટુ વસાવાને કોંગ્રેસે ઝઘડિયા, માંગરોળ અને ડેડિયાપાડા બેઠક ફાળવી છે.
કોંગ્રેસે પ્રથમ યાદી જાહેર કરી એ પછી પાસ દ્વારા ભારે વિરોધ કરવામાં આવ્યો હતો. આ વિરોધ વંટોળ બાદ પાસના બંને આગેવાનોને કાપીને નવા બે ઉમેદવાર જાહેર કરી દીધા છે. જેમાં જૂનાગઢના પાસના આગેવાન અમિત ઠુમ્મરની જગ્યાએ ભીખાભાઈ જોષીને ટિકિટ આપી છે. જ્યારે કામરેજ બેઠક પર પાસના આગેવાન નીલેશ કુમ્બાનીને સ્થાને અશોક જીરાવાલાને ટિકિટ આપી છે. વરાછા રોડ પર પ્રફુલ્લ તોગડિયાને બદલે ચૂંટણીમાં હારેલા ધીરુ ગજેરાને ફરી ટિકિટ અપાઈ છે.

