ગાંધીનગરઃ રાજ્ય વિધાનસભાની ૯મી અને ૧૪મી ડિસેમ્બરે એમ બે તબક્કામાં યોજાનારી ૧૮૨ બેઠક માટેની ચૂંટણી માટે અત્યાર સુધીમાં ભાજપની કુલ ૧૩૪ બેઠકની યાદી ત્રણ તબક્કામાં બહાર પડી છે અને કોંગ્રેસે બે તબક્કામાં કુલ ૯૦ બેઠકો માટે ઉમેદવારો નક્કી કર્યાં છે. ચૂંટણી જંગ માટે બંને મુખ્ય પક્ષોએ ઉમેદવારોની યાદી જાહેર કરતાંની સાથે જ બંને પક્ષોએ આંતરવિગ્રહ અને બાહ્ય રાજકીય સામાજિક અગ્રણીઓના વિદ્રોહનો સામનો કરવો પડી રહ્યો છે. ભાજપને આયાતી ઉમેદવારના મુદ્દે અને કોંગ્રેસને પાસના સભ્યો સાથે છેતરપીંડીના મુદ્દે ઉગ્ર વિરોધનો સામનો કરવો પડ્યો છે.
રાજકીય વિશેષજ્ઞોનું માનવું છે કે બંને પક્ષો સામે ઉઠેલા વિરોધના સૂર વચ્ચે બહાર પાડેલી યાદીનાં બેઠકો પર મુકાયેલા ઉમેદવારોના નામમાં ફેરફાર થવાની પૂરેપૂરી શક્યતા છે. કોંગ્રેસે રવિવારે ૭૭ ઉમેદવારોની યાદી જાહેર કરતાં જ ‘પાસ’ દ્વારા વિરોધ શરૂ થયો હતો. સુરત, અમદાવાદ, ભાવનગર વગેરે સ્થળે ‘પાસ’ના કાર્યકરો દ્વારા કોંગ્રેસ વિરુદ્ધ સૂત્રોચ્ચાર સાથે જાહેર અને ખાનગી મિલકતની તોડફોડ શરૂ થઈ ગઈ હોવાના અહેવાલો બહાર આવ્યા હતા.
ભાજપમાં ભડકો
ભાજપે બેઠકો માટે ઉમેદવારો જાહેર કર્યા પછી જેમની ટિકિટ કપાઈ છે તે ઉમેદવારો અને તેના સમર્થકોમાં રોષ જોવા મળ્યો હતો તેથી ટિકિટ નથી મળી એવા ઉમેદવારોના તરફદારોએ હોબાળો મચાવ્યો હતો. ભાજપમાં આ બાબતે ભડકો ફાટી નીકળતાં ૧૯મીએ કોબાસ્થિત ‘કમલમ’ વડામથકે કાર્યકરોના ટોળાંએ ઉમેદવાર બદલવાની માગણી સાથે ભારે સૂત્રોચ્ચાર કર્યા હતાં. રાજપીપળાના ઉમેદવારને સ્થાને અન્ય ઉમેદવારને મૂકો તેવી માગ કરાઈ હતી. મોરબીની ટંકારા બેઠક પર ભાજપના અરવિંદ બારૈયાએ નારાજ થઇને અપક્ષ ચૂંટણી લડવા ચીમકી આપી હતી. જામજોધપુરમાં પ્રધાન ચીમન સાપરિયા સાથે ગ્રામજનોની બેઠક વખતે મામલો ગરમાયો હતો. ધોળકામાં પ્રચાર કરવા ગયેલાં પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને ટોળાએ ઘેરીને ભાજપ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતાં પરિણામે તેમને પ્રચાર છોડીને પરત ફરવું પડયું હતું. નર્મદામાં ભાજપના ઉમેદવાર શબ્દશરણને બદલવા કાર્યકરોએ કમલમમાં જોરદાર રજૂઆત કરી હતી.
વલસાડમાં સિટીંગ ધારાસભ્ય કનુ દેસાઇને ટિકિટ ન અપાતાં સમર્થકોને સમર્થરો રજૂઆત કરવા આવી પહોંચ્યા હતાં. પોરબંદરમાં પ્રધાન બાબુ બોખરિયા સામે રોષ ભભૂકતાં જી.પંચાયતના પ્રમુખે અપક્ષ તરીકે ચૂંટણીમાં ઝંપલાવવા ચીમકી આપી હતી. ભૂજમાં રમેશ મહેશ્વરીની ટિકિટ કપાતાં નારાજ સમર્થકોએ સાંસદ વિનોદ ચાવડા વિરુદ્ધ નારેબાજી કરી રોષ વ્યક્ત કર્યો હતો. આઇ.કે.જાડેજાના સમર્થકોએ રવિવારે સતત બીજા દિવસે પણ ‘કમલમ’માં રજૂઆતો કરી હતી. કુતિયાણાની બેઠક પર ભાજપના ઉમેદવાર લક્ષ્મણ આડેદરાને ટિકિટ અપાતાં ભાજપના જ રમેશ ઓડેદરાએ અપક્ષ ચૂંટણી લડવા નક્કી કર્યું હતું. માતર બેઠક પર કેસરીસિંહ સોલંકીને રિપિટ કરાતાં જિલ્લા ભાજપના ૪૭ સભ્યોએ સંગઠનના પદેથી રાજીનામા ધરી દીધાં હતાં. પ્રાંતિજમાં જયેન્દ્રસિંહ રાઠોડને ટિકિટ ન મળતાં સમર્થકોએ કમલમમાં જોરદાર રજૂઆત કરી હતી. રવિવારે આખોય દિવસ ભાજપના ગઢમાં ઉમેદવારો પ્રત્યે ગમા-અણગમાનો દોર ચાલતાં ભાજપના ચૂંટણી કૌશિક પટેલે કાર્યકરોને સાંભળ્યા કર્યાં હતાં.
ગણપત વસાવાનું પૂતળાં દહન
સુરત જિલ્લાની માંડવી (એસ.ટી.) બેઠક પરથી પ્રવીણ ચૌધરીનું નામ જાહેર કરતાં કાર્યકર્તાઓ રોષે ભરાયા હતા. ગુજરાત ગ્રામ ગૃહનિર્માણ બોર્ડના ચેરમેન અને પૂર્વ કોંગ્રેસી કુંવરજી હળપતિને સુરત જિલ્લાની માંડવી બેઠક પર ભાજપે ટિકિટ નહીં આપતા કેબિનેટ પ્રધાન ગણપત વસાવા અને સાંસદ પ્રભુ વસાવા પર આક્ષેપો કરી તેમના પૂતળા દહન કરાયા હતા અને માંગરોળ અને માંડવી બેઠક પરથી અપક્ષ ઉમેદવારી કરવાની પોતાના ટેકેદારો સાથેની બેઠકમાં કુંવરજી હળપતિએ ઘોષણા કરી હતી.
નવસારીમાં સિટિંગ ધારાસભ્ય પીયૂષ દેસાઈનું પત્તું કપાતાં સમર્થકોએ વિરોધ કર્યો હતો. હાઈકમાન્ડ ફેરવિચારણા કરે તેવી ઉગ્ર માગ હતી.
માતરમાં કેસરીસિંહને રિપિટ કરાતાં ભાજપ સંગઠન ઉપપ્રમુખ, જિલ્લા પંચાયતના ૪ સદસ્યો, વસો તાલુકા પંચાયતના પ્રમુખ અને સદસ્યએ સંગઠનમાંથી રાજીનામું આપી દીધું હતું.
ડભોઈમાં ભાજપે સિટિંગ ધારાસભ્યને કાપી વડોદરાથી કોર્પોરેટરને ટિકિટ આપી છે. જેની સામે રજૂઆત કરવા કોબા પ્રદેશ કાર્યાલય ‘કમલમ્’ આવેલા સિટિંગ ધારાસભ્ય બાલકૃષ્ણ પટેલે પોતાની બેઠક ડભોઈની ટિકિટ વેચી મારી હોવાનો ગંભીર આક્ષેપ કર્યો હતો.
આંકલાવમાં ભાજપે હંસાબા રાજને ટિકિટ આપતાં રોષે ભરાયેલા ભાજપના હોદ્દેદારો, કાર્યકરોએ પહેલા આણંદમાં જિલ્લા કાર્યાલય અને પછી પ્રદેશ કાર્યાલય ‘કમલમ’ પર દેખાવ અને નારાબાજી કર્યાં હતાં.
પાટણના સાંસદ અને ભાજપના વયોવૃદ્ધ નેતા લીલાધર વાઘેલાએ ચીમકી આપી છે કે પુત્ર દિલિપને ડિસાથી ટિકિટ નહીં મળે તો પોતે સાંસદપદેથી રાજીનામું આપી દેશે. ગુજરાતના રાજકારણમાં અપક્ષ, જનતાદળ, કોંગ્રેસ અને હવે ભાજપ એમ તમામ રાજકીય સંગઠનોમાંથી ધારાસભ્યપદે ચૂંટાયેલા અને અગાઉની સરકારોમાં પ્રધાન લીલાધર વાઘેલા હાલમાં પાટણ લોકસભા બેઠક પરથી ભાજપના સંસદસભ્ય છે.
કોંગ્રેસમાં પણ કકળાટ
વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસે પ્રથમ તબક્કાના ઉમેદવારોની યાદી ફાઈનલ કરવાની પ્રક્રિયા હાથ ધરી હતી. દિલ્હીના લોદી રોડસ્થિત રાજસ્થાન હાઉસ ખાતે અશોક ગેહલોત તેમજ ભરતસિંહ સોલંકીની અધ્યક્ષતામાં સ્ક્રીનિંગ કમિટિના ચાર સભ્યો તેમજ પ્રદેશનાં ચાર સહપ્રભારીઓની બેઠક ૧૫મી નવેમ્બરની સવારથી ચાલી રહી હતી. આ બેઠકને અધવચ્ચેથી અટકાવવી પડી હતી કારણે કે સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાતમાંથી અહેમદ પટેલ જૂથના ૨૨થી વધુ ટિકિટના દાવેદારો પોતાના ૩૦૦ જેટલા સમર્થકો સાથે રાજસ્થાન ભવન પહોંચી ગયા હતા અને પ્રથમ તબક્કાની સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની બેઠકોના ઉમેદવારોના નામ નક્કી કરતા પહેલાં પોતાની રજૂઆત સાંભળવાની જીદ પકડી હતી. જેના અંતે ગેહલોતે રજૂઆત સાંભળવાનું શરૂ કર્યું હતું, પરંતુ વાતાવરણ ઉગ્ર થઈ જતાં તેમને ફરી સાંભળવાનો નિર્ણય લેવાયો હતો.
‘પાસ’નો કોંગ્રેસ વિરોધ
દિનેશ બાંભણિયા તથા અલ્પેશ કથીરિયાના વડપણ હેઠળ પાસના કાર્યકરો કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીના નિવાસસ્થાને ધસી ગયા હતા. કોંગ્રેસના કાર્યકરો સાથે તેમને ઉગ્ર બોલાચાલી થઈ હતી. જોતજોતામાં સુરત, ભાવનગર, ભરૂચ, જૂનાગઢ વગેરે શહેરોમાં કમઠાણ શરૂ થઈ ગયું હતું. ‘પાસ’ દ્વારા એવી જાહેરાત પણ કરી દેવાઈ હતી કે, એનસીપી પણ કોંગ્રેસ સાથે છેડો ફાડીને તમામ બેઠકો પર ઉમેદવાર ઊભા રાખશે.

