અમદાવાદઃ આ વખતે ચૂંટણી સમીકરણ જુદા છે. એ જોતાં પાટીદાર આંદોલનને કારણે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ભાજપની મુશ્કેલીમાં વધારો થયો છે. ભાજપના નેતાઓ પણ સ્વીકારે છે કે આ ચૂંટણીમાં ૧૦થી ૨૫ ટકા પાટીદાર પણ દૂર જશે તો મોટું નુકસાન થઈ શકે એમ છે. આ જ કારણોસર આ નુકસાનની ભરપાઈ માટે ભાજપે દક્ષિણ ગુજરાતના આદિવાસી બેલ્ટ તથા સૌરાષ્ટ્રનું સાગરકાંઠાની કોળી વર્ચસ્વની બેઠકો પર ફોકસ વધાર્યું છે. કુલ ૫૦ બેઠકો પર તેમનું વર્ચસ્વ છે. રાજ્યમાં ૪૦ ટકા ઓબીસીમાં ૨૨ ટકા કોળી અને ૨૦ ટકા ઠાકોર છે. ૨૦૧૨માં ૪૩માંથી માત્ર ૧૫ બેઠક પર ભાજપ જીતી શક્યો હતો. તેથી અહીં ભાજપને મોટો સ્કોપ જણાઈ રહ્યો છે. પાટીદાર આંદોલન તથા પંચાયત ચૂંટણીમાં પરાજય બાદ ભાજપે આ બન્ને બેલ્ટ પર અભિયાન તેજ કરી દીધું હતું.
૧૯૯૦થી પટેલો ભાજપ સાથે
• ૧૯૯૦થી બે તૃતિયાંશ પાટીદારોના વોટ ભાજપને. • ૧૫ ટકા પાટીદાર ૮૦ બેઠકો પર નિર્ણાયક. • રાજ્યની કુલ વસ્તીમાં ૧૪થી ૧૫ ટકા પાટીદાર છે. આશરે ૮૦ બેઠકો પર તેમનો પ્રભાવ છે. ભાજપના ૪૪ ટકા ધારાસભ્યો પાટીદાર છે. આંદોલને ભાજપને અરીસો દર્શાવ્યો • પાટીદાર આંદોલન બાદ ૨૦૧૫માં યોજાયેલી પંચાયતની ચૂંટણીમાં ભાજપનો પરાજય થયો હતો. સૌરાષ્ટ્રમાં ભાજપે ૧ જિલ્લા પંચાયત જીતી. • ઓવરઓલ કોંગ્રેસને ૫૨ ટકા વોટ મળ્યા હતા. કોંગ્રેસે ૩૧માંથી ૨૩ જિલ્લા પંચાયતો તથા ૧૯૩ તાલુકા પંચાયતોમાંથી ૧૧૩ જીતી.
ભાજપે રણનીતિ બદલી
• પંચાયતમાં હાર બાદ સંઘ અને ભાજપ આદિવાસી બેલ્ટમાં એક્ટિવ થયા. • ગત વર્ષે ૧૭ સપ્ટેમ્બરે વડા પ્રધાન મોદીએ આદિવાસીઓ વચ્ચે જન્મદિવસ મનાવ્યો હતો. ૪૮૦૦ કરોડની યોજનાઓ જાહેર કરી. • નવેમ્બરમાં અમિત શાહે તાપી જિલ્લામાં કાર્યકરો સાથે સભા કરી હતી. ડિસેમ્બરમાં મોહન ભાગવતે વાંસદામાં સભા કરી હતી. • ભાજપે ૭મી ફેબ્રુઆરીએ આદિવાસી વિકાસ ગૌરવ યાત્રા શરૂ કરી હતી. તેનું નેતૃત્વ મુખ્ય પ્રધાન રૂપાણી અને પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ કર્યું હતું.
સૌરાષ્ટ્રમાં ૨૧ અને દક્ષિણમાં ૧૦ બેઠકો પર કોળી વર્ચસ્વ
રાજ્યમાં ૪૦ ટકા ઓબીસી છે. ઓબીસીમાં કોળી વર્ગનો હિસ્સો ૨૨ ટકા છે. સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદર, જામનગર, જૂનાગઢ, અમરેલી અને ભાવનગરમાં કોળી વર્ગનો પ્રભાવ છે. રાજ્યમાં ૩૧ બેઠકો પર કોળી વર્ચસ્વ છે.
