અમદાવાદઃ ગુજરાતી નાટયજગતના ખ્યાતનામ કલાકાર-દિગ્દર્શક-લેખક નિમેષ દેસાઇએ ૧૪મી નવેમ્બરે વહેલી સવારે જીવનની રંગભૂમિમાંથી 'ફાઇનલ એક્ઝિટ' લીધી છે. તેઓ ૬૧ વર્ષના હતા. તેમના અવસાન સાથે જ ગુજરાતી નાટયજગતમાં શોક વ્યાપી ગયો છે.
પાલડી - ચંદ્રનગરના નિવાસસ્થાને કાર્ડિયાક અરેસ્ટ થતાં નિમેષ દેસાઇએ અંતિમ શ્વાસ લીધા હતા. નિમેષ દેસાઇનો જન્મ ૧ એપ્રિલ ૧૯૫૬ના મુંબઇમાં થયો હતો. બ્રટોલ્ટ બ્રેક્થનું હસમુખ પાઠક અનુવાદિત ‘વેઇટિંગ ફોર ગોદો’ તેમનું સૌપ્રથમ નાટક હતું. કેતન મહેતાના દિગ્દર્શનમાં બનેલી રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા ફિલ્મ ‘ભવની ભવાઇ’ ફિલ્મમાં તેઓ સહાયક દિગ્દર્શક હતા. આ ઉપરાંત તેમણે ‘નસીબની બલિહારી’ ફિલ્મનું દિગ્દર્શન કર્યું હતું. જાણીતા અભિનેતા પરેશ રાવલની આ સૌપ્રથમ ફિલ્મ હતી. ખૂબ જ લોકપ્રિય ગીત ‘સાંવરિયો રે મારો સાંવરિયો’ ગીત આ ફિલ્મમાં હતું. તેમના દિગ્દર્શનમાં બનેલી છેલ્લી ફિલ્મ ‘કૂખ’ ડિસેમ્બર, ૨૦૧૬માં રિલીઝ થઇ હતી. નિમેષ દેસાઇએ ‘રંગા રાજા’, ‘સગપણ એક ઉખાણું’, ‘સૂરજનો પડછાયો’, ‘મળેલા જીવ’ જેવા નાટક તેમજ અનેક સિરીયલનું પણ દિગ્દર્શન કર્યું હતું.

