લંડનઃ આ વર્ષના એશિયન એચીવર્સ એવોર્ડમાં સૌથી વધુ સંખ્યામાં મહિલાઓ શોર્ટલિસ્ટ થઈ છે. કુલ ૩૬ દાવેદારોમાંથી ૨૩ તો મહિલા છે.
પીપલ્સ ચોઈસ પર આ એવોર્ડ આધારિત છે. વાચકો અને બ્રિટિશ લોકો તેમને જે વ્યક્તિ યોગ્ય લાગતી હોય તેના માટે રજૂઆત કરી શકે છે. જજો પણ તેના આયોજકોના કોઈપણ પ્રભાવથી મુક્ત રહીને નિષ્પક્ષ અને સ્વતંત્ર કામગીરી દ્વારા શોર્ટલિસ્ટ અને વિજેતાઓની પસંદગી કરી શકે છે.
શોર્ટલિસ્ટ થયેલા દાવેદારોમાં આ વર્ષે મહિલાઓની સંખ્યા વધારે હોવાથી આખરે મહિલાઓને જે પ્રતિષ્ઠા મળવી જોઈએ તે મળી રહી હોવાથી આ ગૌરવની ક્ષણ છે. એશિયન એચીવર્સ એવોર્ડ જેવું પ્લેટફોર્મ તેને વાસ્તવિકતા બનાવી રહ્યું છે. હકીકતે, કોમ્યુનિટી સર્વિસ અને મીડિયા જેવી કેટેગરીમાં મળેલા સંખ્યાબંધ નોમિનેશન્સમાં શોર્ટલિસ્ટ થયેલી તમામ મહિલા છે. યુનિફોર્મ્ડ અને સિવિલ સર્વિસમાં ૪ શોર્ટલિસ્ટમાંથી ૩ મહિલા છે, જ્યારે અન્ય કેટેગરીમાં પુરુષો અને મહિલાઓનું પ્રમાણ સરખું છે.

