નવી દિલ્હીઃ અત્યંત વિવાદાસ્પદ એવી આ પ્રથા અંગે ચુકાદો જાહેર કરનારી બેન્ચમાં પાંચ અલગ ધર્મ - હિન્દુ, ખ્રિસ્તી, ઈસ્લામ, શીખ અને પારસી જજોનો સમાવેશ કરાયેલો છે. ભારતમાં ધાર્મિક સંસ્થાઓને પર્સનલ લો અંતર્ગત લગ્ન, છૂટાછેડા અને વારસાગત સંપત્તિના મામલે નિર્ણય લેવાની પરવાનગી અપાયેલી છે. ત્રણ તલાકની પ્રથા મુસ્લિમ સમુદાયમાં ૧૮ કરોડ મહિલાઓને સ્પર્શતો મુદ્દો છે. જેમાં પતિ માત્ર ત્રણ વખત ‘તલાક’ કહી દે એટલે છૂટાછેડા થઈ ગયા માની લેવામાં આવે છે. ભાજપ લાંબા સમયથી યુનિફોર્મ સિવિલ કોડની પેરવી કરી રહ્યો છે અને જો એ અમલમાં આવે તો વિવિધ ધાર્મિક કાયદાઓનો અંત આવી શકે છે. પાંચ ન્યાયમૂર્તિઓની બનેલી બંધારણીય બેન્ચે ૩૯૫ પાનાના ચુકાદામાં તલાક-એ-બિદતની પ્રથાને ગેરબંધારણીય જાહેર કરી છે. પાંચ પૈકી ત્રણ ન્યાયમૂર્તિઓ જસ્ટિસ કુરિયન જોસેફ, જસ્ટિસ નરીમન અને જસ્ટિસ યુ. યુ. લલિતે ત્રણ તલાક પ્રથાને ગેરબંધારણીય ગણાવી હતી. ત્રણેય ન્યાયમૂર્તિઓએ ત્રણ તલાક બંધારણના અનુચ્છેદ ૧૪નો ભંગ કરતી હોવાનું જણાવ્યું હતું.

