સર્વોચ્ચ અદાલતમાં લડાયેલા કાનૂની જંગને અંત સુધી પહોંચાડવામાં કેટલીય મહિલાનું પ્રદાન રહ્યું છે. સૌથી પહેલા ઉત્તરાખંડની સાયરાબાનુ આ મામલાને સુપ્રીમ કોર્ટ લઈ ગઈ હતી. તેમના સિવાય પણ કેટલીક મહિલાઓ છે જેમણે ત્રણ તલાકની વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો હતો. એમાંથી કોઇને ફોન પર તલાક મળ્યા હતા, કોઈને સ્પીડ પોસ્ટથી, કોઈને સ્ટેમ્પ પેપર પર તો કોઈને કાગળના એક ટુકડા પર...
શાહબાનુ
શાહબાનુ ૬૨ વર્ષની મુસ્લિમ મહિલા હતી. તેમને પાંચ બાળકો હતાં. ૧૯૭૮માં પતિએ તલાક આપી દીધા. ગુજરાન ચલાવવા પતિ પાસેથી ભરણપોષણ મેળવવા શાહબાનુ સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યા હતા, પરંતુ એમાં સાત વર્ષ લાગી ગયાં. કોર્ટે ફેંસલામાં કહ્યું કે સીઆરપીસીની કલમ ૧૨૫ દરેકને લાગુ પડે છે, પછી મામલો કોઈ પણ ધર્મ કે સંપ્રદાયનો હોય. કોર્ટે ભરણપોષણ આપવાનો આદેશ આપ્યો હતો. દેશનાં મુસ્લિમ સંગઠનોએ આ ફેંસલાને મુસ્લિમ પર્સનલ લોમાં દખલ જણાવીને વિરોધ કર્યો. દબાણમાં આવેલી તત્કાલીન કેન્દ્ર સરકારે તેમની માગણી સ્વીકારી લીધી. નવો કાયદો બનાવી સુપ્રીમ કોર્ટના નિર્ણયને ફેરવી નાખ્યો. એ પછી કેન્દ્ર સરકારે મુસ્લિમ મહિલા (તલાક અધિકાર સંરક્ષણ કાયદો) ૧૯૮૬માં બનાવ્યો. એમાં ભરણપોષણની જોગવાઈ હતી, પણ મહિલાઓના પક્ષમાં નહોતી.
સાયરાબાનુ
ઉત્તરાખંડના કાશીપુરામાં રહેનારી સાયરાબાનુએ ગયા વર્ષે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી ત્રણ તલાક અને નિકાહ હલાલાને કાનૂની પડકાર આપ્યો હતો. તેણે ત્રણ તલાકને મૌલિક અધિકારોનું ઉલ્લંઘન કહ્યું હતું. ૧૩ વર્ષના લગ્નજીવન બાદ ૧૦ ઓક્ટોબર, ૨૦૧૫ના રોજ તેના પતિએ તેને તલાક આપી દીધા હતા. તેને એક દીકરો અને એક દીકરી છે. તેમના ખર્ચ માટે ભરણપોષણ અને બાળકોની કસ્ટડી માગી છે. સાયરાબાનુ તે પ્રથમ મુસ્લિમ મહિલા છે, જેમણે ૨૦૧૬માં ત્રણ તલાકને કોર્ટમાં પડકારી હતી.
આફરીન રહમાન
જયપુરની ૨૫ વર્ષીય આફરીન રહમાને તલાક મુદ્દે કોર્ટમાં પહોંચી હતી. તેને ઇંદોરમાં રહેતા પતિએ સ્પીડ પોસ્ટથી તલાક આપ્યા હતા.. આફરીનનો આક્ષેપ હતો કે પતિ સહિત સાસરિયાંના લોકોએ દહેજ માટે મારપીટ કરી અને પછી તેને ઘરમાંથી કાઢી મૂકી.
અતિયા સાબરી
ઉત્તર પ્રદેશના સહારનપુરની અતિયા સાબરીના પતિએ કાગળ પર ત્રણ તલાક લખી સંબંધો કાપી નાખ્યા હતા. તેનાં લગ્ન ૨૦૧૨માં થયાં હતાં. બે દીકરી પણ છે. અતિયાએ આક્ષેપ કર્યો હતો કે સતત બે દીકરીઓને જન્મ આપવાથી નારાજ પતિ અને સસરા તેને ઘરમાંથી કાઢવા માગતા હતા. તેને દહેજ માટે હેરાન કરવામાં આવતી હતી.
ગુલશન પરવીન
ઉત્તર પ્રદેશના જ રામપુરમાં રહેતી ગુલશન પરવીનને પતિએ દસ રૂપિયાના સ્ટેમ્પ પેપર પર તલાકનામું મોકલ્યું હતું. ગુલશનનાં લગ્ન ૨૦૧૩માં થયાં હતાં, તેને બે વર્ષનો દીકરો છે.
ઇશરત જહાં
પશ્ચિમ બંગાળના હાવડાની ઇશરત જહાંએ આ પ્રથાને પડકારી હતી. ઇશરતે અરજીમાં કહ્યું હતું કે તેના પતિએ દુબઈથી તેને ફોન પર જ તલાક આપી દીધા હતા. તેણે કોર્ટને જણાવ્યું હતું કે તેના નિકાહ ૨૦૦૧માં થયા હતા અને તેને બાળક પણ છે, જે પતિએ રાખી લીધું છે. ત્રણ તલાક ગેરકાયદે છે અને મહિલાના અધિકારનું હનન છે.
ફરહા ફૈઝ
એક સ્વૈચ્છિક સંસ્થા ચલાવે છે અને રાષ્ટ્રવાદી મુસ્લિમ મહિલા સંઘની અધ્યક્ષ છે. ફરહાએ કોર્ટમાં અરજી દાખલ કરી ત્રણ તલાકને ખતમ કરવાની માગણી કરી છે. ફરહાએ પોતાની અરજીમાં કહ્યું છે કે, ત્રણ તલાક કુરાનના નામે અપાતા તલાકની હેઠળ આવતા નથી. ત્રણ તલાકને કારણે મહિલાઓના અધિકારોનું હનન થાય છે. મુસ્લિમ પર્સનલ લો બોર્ડ એક રજિસ્ટર્ડ સોસાયટી છે અને એ કોમના અધિકારોનો ફેંસલો ન કરી શકે.

