લંડનઃ કિંગ્સ્ટન યુનિવર્સિટી, લંડનમાં એસોસિયેટ પ્રોફેસર ડો. નોરા શૈલેશકુમાર વ્યાસને સ્કિઝોફ્રેનિયાની પેથો-ફીઝિયોલોજીની સમજ આપતા સંશોધન બદલ યંગ ઈન્વેસ્ટિગેટર એવોર્ડ ૨૦૧૭થી સન્માનિત કરવામાં આવ્યાં છે. ડેન્માર્કના કોપનહેગનમાં પાંચ દિવસ ચાલેલી ૧૩મી વર્લ્ડ કોંગ્રેસ ઓફ બાયોલોજિકલ સાઈકિયાટ્રી ખાતે ડો વ્યાસને સન્માનિત કરાયાં હતાં.
ડો. વ્યાસનું સંશોધન પ્રખ્યાત તબીબી જર્નલ ‘Schizophrenia Research’માં પ્રસિદ્ધ થયું હતું. તેમણે માનસિક વિકૃતિ ધરાવતાં લોકોમાં મગજના ચોક્કસ ક્ષેત્રમાં ડોપામાઈન હોર્મોન્સ (D2/D3)નો અભ્યાસ કરવા PET ઈમેજિંગનો ઉપયોગ કર્યો હતો.
ડો. વ્યાસે કહ્યું હતું કે,‘હું ખૂબ રોમાંચિત છું.’ તેમણે વિન્સ્ટન ચર્ચિલ મેમોરિયલ ટ્રસ્ટની યોજના વિન્સ્ટન ચર્ચિલ ટ્રાવેલિંગ ફેલોશિપ હેઠળ આ એવોર્ડવિજેતા સંશોધન કેવી રીતે કર્યું તેની સમજ આપી હતી. તેઓ આ વર્ષના આરંભે જ માર્ક્વિસ હુઝ હુ લાઈફટાઈમ એવોર્ડના ગૌરવશાળી વિજેતા બન્યાં હતાં. તેઓ ૨૦૧૦માં હેલ્થકેર ક્ષેત્રમાં એશિયન એચિવર્સ ‘ગોલ્ડ’ એવોર્ડ ફોર એચિવમેન્ટ (AAA)ના વિજેતા બન્યાં હતાં. વર્લ્ડ ફેડરેશન ઓફ સોસાયટીઝ ઓફ બાયોલોજિકલ સાઈકિયાટ્રીના વાઈસ પ્રેસિડેન્ટ પ્રોફેસર ડો. પીટર ફેલ્કાઈએ ડો. વ્યાસ અને અન્ય તમામ વિજેતાઓની પ્રશંસા કરી હતી.

