નવીદિલ્હીઃ ડોકાલામ મુદ્દે નમતું નહીં જોખવાના સંદેશ સાથે ચીનની પીપલ્સ લિબરેશન આર્મીએ ભારત પર હુમલાના આશય સાથે બંને દેશોની સરહદથી થોડે દૂર મોટી સંખ્યામાં હેલિકોપ્ટરો અને ટેન્કો સાથે યુદ્ધ અભ્યાસ કર્યો હતો. ગ્લોબલ ટાઇમ્સે જણાવ્યું હતું કે, ડોકાલામમાં ભારતીય સેના સાથે ચાલી રહેલા તણાવ મધ્યે ડોકાલામમાં યુદ્ધ માટેની તૈયારીના ભાગરૂપે આ અભ્યાસ કરાયો હતો. ચીની સેનાની સૌથી મોટી વેસ્ટર્ન થિયેટર કમાન્ડના ૧ કરતાં વધુ યુનિટ અને એવિએશન યુનિટ યુદ્ધ અભ્યાસમાં જોડાયાં હતાં. ચીની સેનાના યુદ્ધ અભ્યાસનાં દૃશ્યોને ચીની ટેલિવિઝન પર પ્રસારિત કરાયાં હતાં. જેમાં હેલિકોપ્ટરો દ્વારા મિસાઈલ વડે જમીન પરના લક્ષ્યાંકો અને ટેક્નો દ્વારા પવર્તો પરના લક્ષ્યાંક વીંધવાની કવાયત કરાઈ હતી.

